રૈદાસ (આશરે 1388–1518) : નિર્ગુણમાર્ગી ભારતીય સંત. બનારસના રહેવાસી. જાતિએ ચમાર, કબીરના સમકાલીન. કબીર, નાભાદાસ, મીરાં અને પ્રિયદાસ જેવાં સંતો અને ભક્તોએ તેમનું આદરપૂર્વક સ્મરણ કર્યું છે. ચિતોડના રાણા સંગ્રામસિંહની પત્ની ઝાલીરાણી અને મીરાંબાઈ તેમનાં શિષ્યા હોવાનું પણ મનાય છે. તેઓ ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં વિરક્ત કોટિના સંત હતા. તેમણે જોડા સીવતાં સીવતાં જ્ઞાન-ભક્તિનું ઊંચું શિખર સર કર્યું હતું. તેઓ નાતજાતના ભેદભાવના વિરોધી હતા અને તીર્થયાત્રા, વ્રત, ટીલાં તાણવાં વગેરેને ફોગટ બાહ્યાચારો માનતા હતા. તેઓ સદાચાર પર ભાર મૂકતા હતા અને ખંડનમંડનથી પર રહેતા હતા. સત્યને શુદ્ધ સ્વરૂપે રજૂ કરવાનું તેમનું ધ્યેય હતું.

તેમના મતે પરમ તત્વ ‘સત્ય’ છે અને તે અનિર્વચનીય છે. તે એકરસ છે અને તે જડ તથા ચેતનમાં સમાનપણે અનુસ્યૂત છે. તે અક્ષર અને અવિનાશી છે. તે જીવાત્મા રૂપે પ્રત્યેક જીવમાં રહેલું છે. રૈદાસે ભક્તિ માટે વૈરાગ્યને અનિવાર્ય માન્યો છે. રૈદાસની સાધનાપદ્ધતિમાં યોગને પણ સ્થાન હોવાનું જણાય છે. તેઓ મન અને હૃદયની વૃત્તિઓ અર્થાત્ વિચારશુદ્ધિ અને ભાવશુદ્ધિ પર ભાર મૂકતા હતા. તેમની વાણીમાં આત્મસમર્પણ અને દીનતાની ભાવના ઝળકતી અનુભવાય છે. તેમનું કથન છે કે ‘બધામાં હરિ છે અને બધા હરિમાં છે.’ ‘પ્રભુજી, તુમ ચંદન હમ પાની’ જેવાં મધુર ભક્તિપદોના ગાયક રૈદાસજીના કાશીમાં સેંકડો ભક્તો હતા. તેમના નામ પરથી રૈદાસી કે રવિદાસી પંથ પ્રચારમાં આવ્યો; જે પંજાબ, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં પ્રચાર પામ્યો છે.

રૈદાસ કબીરજીની જેમ અભણ હતા, પણ તેમનાં પદોમાં અનુભૂતિનું ઊંડાણ વરતાય છે. તેમની રચનાઓ સંત-મતના વિવિધ સંગ્રહોમાં સંકલિત મળે છે. ગુરુગ્રંથસાહેબમાં પણ તેમનાં અનેક પદો સંગૃહીત છે.

પ્રવીણચંદ્ર પરીખ