રૈના, એમ. કે.

January, 2004

રૈના, એમ. કે. (જ. 1950) : મૂળે કાશ્મીરી અને હિન્દી થિયેટરના જાણીતા નટ-દિગ્દર્શક. રાષ્ટ્રીય નાટ્ય સંસ્થા (નૅશનલ સ્કૂલ ઑવ્ ડ્રામા), નવી દિલ્હીના 1970ના સ્નાતક. તેમણે અત્યાર સુધીમાં લગભગ સોએક નાટકોમાં અભિનય અને દિગ્દર્શન કર્યાં છે, જેમાં ‘કબીરા ખડા બાઝાર મેં’, ‘પરાઈ કૂખ’, ‘કભી ના છોડેં ખેત’, ‘અંધા યુગ’ વગેરેનો સમાવેશ થાય છે. ભવાઈ પર આધારિત ‘જશમા ઓડણ’ નાટ્ય હવાઈ વિશ્વવિદ્યાલય માટે એમણે 1986માં પ્રસ્તુત કર્યું હતું. તેમણે અનેક થિયેટર કાર્યશિબિરો યોજી છે. ‘27 ડાઉન’, ‘સત્તા સે ઉઠા આદમી’, ‘એક રુકા હુઆ ફૈસલા’, ‘મૈના કબૂતર’ જેવી ફિલ્મોમાં તેમણે અભિનય અને દિગ્દર્શન આપ્યાં છે. થિયેટર દ્વારા સમાજપરિવર્તનનાં અનેક અભિયાનોમાં એમણે ભાગ લીધો છે. તેમનું અનેક વાર બહુમાન થયું છે, જેમાં 1995માં મળેલા કેન્દ્રીય સંગીત નાટક અકાદમીના ઍવૉર્ડનો સમાવેશ થાય છે. એમનાં નાટકો એક વિશેષ દૃષ્ટિથી સાંપ્રત સમાજના પ્રવાહનું ક્રાંતિકારી અર્થઘટન કરે છે. દેશના કેટલાક મોખરાના રંગકર્મીઓમાં એમ. કે. રૈનાનું સ્થાન અગત્યનું ગણાય છે.

હસમુખ બારાડી