રેસ્ટરેશન કૉમેડી : અંગ્રેજી નાટ્યસાહિત્યનો એક હાસ્યરસિક નાટ્યપ્રકાર. 1660માં ઇંગ્લૅન્ડની રાજગાદીએ ચાર્લ્સ બીજાનું પુન:રાજ્યારોહણ થયું ત્યારથી માંડીને અઢારમી સદીના પૂર્વાર્ધમાં ‘સેન્ટિમેન્ટલ કૉમેડી’ના આગમન સુધી તેનો પ્રસાર રહ્યો. તે ‘આર્ટિફિશિયલ કૉમેડી’ અથવા ‘કૉમેડી ઑવ્ મૅનર્સ’ તરીકે પણ ઓળખાય છે. રાજવી સત્તાના ઉદય સાથે લંડનનાં નાટ્યગૃહો ફરીથી ધમધમતાં થવા માંડ્યાં અને નાટ્યભજવણી માટે નવાં નાટકોની રાષ્ટ્રભરમાં માગ વધી. નવા રાજવી દરબારનાં શિષ્ટાચાર તેમ જ રીતભાતની નકલ કરવા મથતો તથા એ પ્રકારની લહેજત અને મોજમજા માણવા માગતો તત્કાલીન ફૅશનપરસ્ત પ્રેક્ષકગણ નવેસર આરંભાયેલી રંગભૂમિ પ્રવૃત્તિ નિમિત્તે, નવા રોમાંચ માટે, કંઈક વિશેષ ઉત્તેજનાપૂર્ણ અને કામુકતાવાળી સામગ્રી ઝંખવા લાગ્યો. આમ વિનોદવૃત્તિ અને હાજરજવાબીપણું હોય એવી કૉમેડીના નાટ્યપ્રકારનો પ્રારંભ થયો. તેમાં વ્યભિચારના ભરપૂર ઘટનાપ્રસંગો પછી નાટ્યવસ્તુના અંતે લગ્ન થતું દર્શાવાતું. તેની પાત્રસૃષ્ટિમાં સુંદર-ફાંકડા પુરુષો, ફૅશનપરસ્ત તથા મોભાવાળાં સ્ત્રી-પુરુષો, વરણાગિયા અને બદચાલવાળા પુરુષો, સામાજિક પ્રતિષ્ઠા કે દરજ્જો મેળવવાની લાલસાવાળો વર્ગ, મૂર્ખ ગ્રામવાસીઓ વગેરેનો સમાવેશ થતો. બુદ્ધિચાતુર્યથી દીપતી અને ઉપલક શિષ્ટાચારવાળા કથાવસ્તુમાં વિકસતી આ કૉમેડીમાં જાતીય વ્યવહાર તથા લગ્નજીવનની અટપટી બાબતોની બેધડક છણાવટ કરવામાં આવતી; તેથી તેમાં વ્યભિચાર, જારકર્મ વગેરે જેવી બાબતોને આપોઆપ અને સહજ ઉઠાવ મળતો હતો.
પ્યૂરિટન નીતિચુસ્ત વાતાવરણ પછી, આ પ્રકારની નાટ્યપ્રવૃત્તિથી ઇંગ્લૅન્ડની રંગભૂમિને નવેસરથી પ્રવૃત્તિશીલ બનાવવામાં પંચ-તારકના ઝૂમખા જેવા શક્તિસંપન્ન નાટ્યકારોનો પ્રમુખ ફાળો હતો. તેમાં વાયચરલી, ઇથરિજ, કૉન્ગ્રિવ, વૅનબર તથા ફાર્કવરનો સમાવેશ થાય છે. આ કૉમેડી પ્રકારની તેમની ઉલ્લેખનીય નાટ્યકૃતિઓ તે વાઇચરલીકૃત ‘ધ કન્ટ્રી વાઇફ’ (1672થી ’73) તથા ‘ધ પ્લેન કિલર’ (1674), ઇથરિજકૃત ‘ધ મૅન ઑવ્ મૉડ’ (1676), કૉન્ગ્રિવકૃત ‘ધ ડબલ ડિલર’ (1694), ‘લવ ફૉર લવ’ (1695) અને ‘ધ વે ઑવ્ ધ વર્લ્ડ’ (1700), વૅનબરકૃત ‘ધ રિલૅપ્સ’ (1697) તથા ‘ધ પ્રોવોક્ડ વાઇફ’ (1697) અને ફાર્કવરકૃત ‘ધ રિક્રૂટિંગ ઑફિસર’ (1706) તથા ‘ધ બૉઝ સ્ટ્રૅટજમ’ (1707).
આ કૉમેડી પ્રકારની નાટ્યકૃતિઓની અનૈતિકતા તથા અવનત વાતાવરણ સામે વહેલો વિરોધ જાગ્યો અને જેરમી કૉલિયરના ‘શૉર્ટ વ્યૂ’(1698)ના પ્રકાશન સાથે તે વિરોધનું વાતાવરણ તીવ્રતમ બન્યું. એ વાતાવરણના પગલે પગલે કૉન્ગ્રિવે રંગભૂમિપ્રવૃત્તિનો ત્યાગ કર્યો. કૉલી સિબર કૃત ‘લવ્ઝ લાસ્ટ શિફ્ટ’(1696)ને મળેલી સફળતાના પરિણામે એક નવતર નાટ્યપ્રકારનાં એંધાણ બંધાયાં અને તે ‘કૉમેડી ઑવ્ કૉન્શન્સ ઍન્ડ રેફર્મેશન’ તરીકે ઓળખાઈ.
મહેશ ચોકસી