રેસ્પિઘી, ઓત્તોરિનો

January, 2004

રેસ્પિઘી, ઓત્તોરિનો (જ. 9 જુલાઈ 1879, બોલોન્યા, ઇટાલી; અ. 18 એપ્રિલ 1936, રોમ, ઇટાલી) : રશિયન વાદ્યવૃંદકીય (orchestral) તરેહો અને આધુનિક જર્મન સંગીતકાર રિચર્ડ સ્ટ્રૉસની હિંસક શૈલીનો ઇટાલિયન સંગીતમાં આવિષ્કાર કરનાર આધુનિક ઇટાલિયન સ્વરનિયોજક.

આરંભમાં સંગીતનો અભ્યાસ ઇટાલીના બોલોન્યા નગરમાં તથા પછીથી રશિયાના નગર સેંટ પીટર્સબર્ગમાં સ્વરનિયોજક રિમ્સ્કી કોસોકૉવ પાસે કર્યો. સેંટ પીટર્સબર્ગના ઑપેરા વાદ્યવૃંદમાં રેસ્પિઘી પ્રથમ વાયોલિનવાદક પણ હતા.

1902માં તેમણે રચેલો પિયાનો કન્સર્ટો અને ઑપેરા ‘રે એન્ઝો’ તથા ‘સેમીરામા’થી તેમની પ્રતિષ્ઠાનો આરંભ થયો. 1913માં રોમની ચેચિલિયા એકૅડેમીમાં તેમની નિમણૂક સ્વરનિયોજનના પ્રોફેસર તરીકે થઈ. 1924માં તેઓ ‘રોમ કૉન્ઝર્વેટરી’ના ડિરેક્ટર બન્યા, પણ 1926માં તેમણે અહીંથી રાજીનામું આપ્યું.

ઇટાલિયન કવિ દ’ એનુન્ઝિયોથી પ્રેરિત થઈ 1926થી 1929 લગીમાં તેમણે વાદ્યવૃંદ માટે 6 સ્વીટ (suite) સર્જ્યાં. ‘વાઇન્સ ઑવ્ રોમ’, ‘ફાઉન્ટન્સ ઑવ્ રોમ’, ‘ચર્ચ વિન્ડોઝ’, ‘ધ બર્ડ્ઝ’, ‘રોમન ફેસ્ટિવલ’ અને પ્રસિદ્ધ ઇટાલિયન રેનેસાંસ ચિત્રકાર સાન્દ્રો બોત્તીચેલીને અંજલિ આપતું ત્રિત્તિયો બોત્તીચેલિયાનો.

ઇટાલીના જૂના સંગીતમાંથી પ્રેરણા મેળવી લ્યૂટ માટેના જૂના સંગીતને વાદ્યવૃંદ માટે બેસાડ્યું : ‘ઍન્ટિક ડાન્સિઝ ઍન્ડ એરિયાઝ’. એક ઑપેરાસર્જક તરીકે રેસ્પિઘીને ઇટાલીની બહાર ખાસ સફળતા ન મળી. ઇટાલીમાં તેમની ઑપેરાઓમાંથી સૌથી વધુ લોકપ્રિય બનનાર કૉમિક-ઑપેરા ‘બેલ્ફાગોર’ (1923) અને ‘લા ફિયામા’ (1934) છે. તેમણે આ ઉપરાંત ‘મિસ્ટરી’ (1932) અને મોન્તેવર્દીથી પ્રેરિત ‘લુક્રેઝિયા’ (1937, મરણોત્તર) ઑપેરાઓ રચી. અધૂરી રહેલી ‘લુક્રેઝિયા’ને તેમની પત્ની એલ્સાએ પૂર્ણ કરેલી. એલ્સા તેમની શિષ્યા, ગાયિકા અને ઑપેરા, વૃંદગાન તથા સિમ્ફનીઓની સ્વરરચનાકાર હતી.

અમિતાભ મડિયા