રેવા : મધ્યપ્રદેશનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે 24° 45´ ઉ. અ. અને 81° 30´ પૂ. રે.ની આજુબાજુનો 6,134 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્ય, ઉત્તર અને પૂર્વમાં ઉત્તર પ્રદેશ રાજ્યની સરહદ, દક્ષિણમાં સિધી જિલ્લો તથા પશ્ચિમમાં સતના જિલ્લો આવેલા છે. તેનો આકાર સમદ્વિબાજુ ત્રિકોણ જેવો છે, ત્રિકોણનો પાયો સતના જિલ્લા સાથેની સરહદ બનાવે છે, બે લાંબી બાજુઓ જિલ્લામાં પૂર્વ તરફ આવેલા મઉગંજથી થોડે દૂર ભેગી થાય છે. જિલ્લામથક રેવા જિલ્લાના નૈર્ઋત્ય ભાગમાં આવેલું છે.
ભૂપૃષ્ઠ : જિલ્લાની ઉત્તર તરફ વિંધ્ય હારમાળા અને દક્ષિણ તરફ કૈમૂરની ટેકરીઓ આવેલી છે. આ વિસ્તાર ‘રેવા ઉચ્ચપ્રદેશ’ને નામે ઓળખાય છે. અહીં આવેલા હઝૂર, સિરમોર અને મઉગંજ તાલુકાઓ તેમનાં પ્રાકૃતિક લક્ષણોમાં એકસરખા છે; જ્યારે ઉત્તર તરફનો તિયોન્થર તાલુકો ઉચ્ચપ્રદેશીય લક્ષણો ધરાવે છે. પૂર્વ તરફ આવેલા મઉગંજ નજીક ટેકરીઓ આવેલી છે. તેનાથી દક્ષિણ તરફ કૈમૂરની ડુંગરધારો ગોવિંદગઢની પૂર્વમાં 8 કિમી. જેટલી લાંબી છે અને ઘણી શાખાઓમાં ફંટાયેલી છે.
જળપરિવાહ : રેવા ઉચ્ચપ્રદેશની મુખ્ય નદી તમસ (ટોન્સ) છે. તેને કેટલીક સહાયક નદીઓ પણ મળે છે. જિલ્લાની મોટાભાગની નદીઓ કૈમૂર ડુંગરધારમાંથી નીકળે છે. કૈમૂર ડુંગરધાર જળવિભાજક બની રહેલી છે. તમસ નદી સતના જિલ્લામાંથી તિયોન્થર તરફ વહે છે. બિહર નદી કૈમૂરની ટેકરીઓમાંથી નીકળે છે અને રેવામાંથી પસાર થાય છે. આ નદીએ અહીં કોતરોની રચના કરી છે. રેવા નજીક તેને બિછિયા નદી મળે છે. ઓડી નામની બીજી એક નદી કૈમૂરની ઉત્તરેથી વહે છે.
ખેતી–પશુધન : જિલ્લાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. અહીંના 80 % લોકો ખેડૂતો કે શ્રમિકો છે. ઘઉં, ડાંગર, જવ, જુવાર, મકાઈ, બાજરી, ચણા, તુવેર, શેરડી, અળસી, રાઈ, સરસવ તેમજ ફળો અને શાકભાજી અહીંના મુખ્ય કૃષિપાકો છે. અહીં કૂવા સિંચાઈ માટેનો મુખ્ય સ્રોત છે. ગાયો અને ભેંસો અહીંનું મુખ્ય પશુધન છે. લોકો મરઘાં-બતકાંનો ઉછેર પણ કરે છે.
ઉદ્યોગ–વેપાર : આ જિલ્લામાં કોઈ મોટા પાયાના ઉદ્યોગો વિકસેલા નથી, પરંતુ બીડી અને શેતરંજી-ગાલીચા બનાવતા સંખ્યાબંધ ગૃહઉદ્યોગો ચાલે છે. જિલ્લાનો કેટલોક ભાગ જંગલ-આચ્છાદિત હોવાથી તેમાંથી લાકડાં અને લાખ મળે છે. રેવા નગર તેનાં લાકડાં માટે, નઈગઢી તેની શેતરંજીઓ માટે તથા બીજાં સાત જેટલાં નગરો બીડી માટે જાણીતાં છે. અહીંના ઉમારિયા ક્ષેત્રમાંથી કોલસો મળે છે. અહીંથી તેલીબિયાં, અનાજ, અળસી, કેરીઓ અને બીડીઓની નિકાસ થાય છે; જ્યારે ચોખા, કરિયાણું, કાપડ અને દવાઓની આયાત કરવામાં આવે છે.
પરિવહન-પ્રવાસન : આ જિલ્લામાં રેલમાર્ગો મોટા પાયા પર વિકસ્યા નથી. માણિકપુર–ઝાંસી વિભાગની મોટા માપની રેલવે અહીં જિલ્લાની નજીકથી પસાર થાય છે. દાભોડા તેના પરનું મુખ્ય રેલમથક છે. પશ્ચિમ તરફ 53 કિમી.ને અંતરે આવેલું સતના આ જિલ્લા માટેનું નજીકનું રેલમથક ગણાય છે. સડકમાર્ગો અહીં સારી રીતે વિકસેલા છે. જબલપુર–અલ્લાહાબાદ અને જબલપુર–મિરઝાપુર રાષ્ટ્રીય ધોરી માર્ગો નં. 7 અને 27 આ જિલ્લામાંથી પસાર થાય છે. આ ઉપરાંત અહીંના અગત્યના જિલ્લામાર્ગોમાં રેવા–દાભોડા માર્ગ, સોહાગી–તિયોન્થર માર્ગ, તિયોન્થર–શંકરગઢ માર્ગ અને રેવા–સિધી માર્ગનો સમાવેશ થાય છે. ગોવિંદગઢ સિવાય આખા જિલ્લામાં બીજાં કોઈ ધાર્મિક, ઐતિહાસિક કે પુરાતત્વની દૃષ્ટિએ મહત્વનાં પ્રવાસ-સ્થળો નથી. ગોવિંદગઢ તેના સફેદ વાઘ માટે જાણીતું છે. ભારતભરમાં માત્ર અહીં જ સફેદ વાઘ જોવા મળે છે. આ સ્થળ જિલ્લામથક રેવા સાથે રેવા–સિધી માર્ગથી જોડાયેલું છે. જિલ્લામાં વારતહેવારે જુદા જુદા મેળા ભરાય છે અને ધાર્મિક ઉત્સવો ઊજવાય છે.
વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 19,72,333 જેટલી છે. તે પૈકી ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 85 % અને 15 % જેટલું છે. જિલ્લામાં હિન્દુ અને મુસ્લિમોની વસ્તી વિશેષ અને ખ્રિસ્તી, જૈન, શીખ અને બૌદ્ધોની વસ્તી ઓછી છે. હિન્દી અહીંની મુખ્ય ભાષા છે. સાક્ષરતાનું પ્રમાણ 35 % જેટલું છે. નગરો ઉપરાંત આશરે 51 % ગામડાંઓમાં એક કે બીજા પ્રકારની શિક્ષણસંસ્થાઓની સગવડ છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 7 તાલુકાઓ અને 9 સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. અહીં 12 નગરો અને 2,725 (373 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.
ઇતિહાસ : ઈ. પૂ. ત્રીજી સદીમાં, આ જિલ્લામાં સમાવેલા પ્રદેશો ઉપર મૌર્યવંશના સમ્રાટ અશોકની સત્તા પ્રવર્તતી હતી. ઈ. સ.ની સાતમી સદીમાં સમ્રાટ હર્ષવર્ધનના રાજ્યમાં આ પ્રદેશનો સમાવેશ થતો હતો. ઈ. સ.ની નવમીથી બારમી સદી પર્યન્ત કલચુરી રાજાઓએ આ પ્રદેશ ઉપર રાજ્ય કર્યું. કલચુરીઓના આગમન બાદ તે ચેદિ દેશ તરીકે ઓળખાતો હતો. કલચુરીઓ હૈહય જાતિની શાખાના હતા. તેમની રાજધાની ત્રિપુરી(હાલનું તેવારી)માં હતી. કોકલ્લ, લક્ષ્મણરાજ, ગાંગેયદેવ વગેરે આ વંશના જાણીતા રાજાઓ થઈ ગયા. તેરમી સદીમાં બાઘલખંડથી ઓળખાતા આ પ્રદેશો પર બાઘેલ વંશના રાજાઓનું રાજ્ય શરૂ થયું. પંદરમી સદીના છેલ્લા દાયકામાં બાઘેલ રાજાઓના ઉલ્લેખો મળે છે. તે પછી 1494માં દિલ્હી સલ્તનતના સુલતાન સિકંદર લોદીએ બાઘેલ રાજા ભીરાના રાજ્ય પર ચડાઈ કરી. રાજા ભીરા હાર્યો અને પીછેહઠ કરતાં ગુજરી ગયો. 1498–99માં રાજા ભીરાના પુત્ર શાલીવાહનના રાજ્ય પર ફરી સિકંદરે ચડાઈ કરી હતી. બાઘલ વંશના પછીના રાજાઓમાં રામચન્દ્ર મુઘલ સમ્રાટ અકબરનો સમકાલીન હતો. પ્રસિદ્ધ સંગીતકાર તાનસેન તેના દરબારને શોભાવતો હતો. પાછળથી અકબરે તેને પોતાના દરબારમાં બોલાવી લીધો. રામચન્દ્ર 1592માં મરણ પામ્યો. થોડા સમય પછી તેનો પુત્ર વીરભદ્ર દિલ્હીથી પાટનગર બંધોગઢ પાછા ફરતાં પાલખીમાંથી પડી જવાથી મરણ પામ્યો. વીરભદ્રનો પુત્ર વિક્રમાદિત્ય સગીર હોવાથી બંધોગઢમાં કાવતરાં થવા લાગ્યાં. તેથી મુઘલ બાદશાહ અકબરે ત્યાં શાંતિ સ્થાપવા રાજા પત્રાદાસને મોકલ્યો. તે 1602 સુધી ત્યાંનો સૂબો રહ્યો. તે પછી વિક્રમાદિત્યને રાજ્ય સોંપી દીધું. તેણે પાટનગર બદલીને રેવામાં રાખ્યું. 1796માં મરાઠાઓએ ચડાઈ કરીને એક લાખ રૂપિયા ખંડણી વસૂલ કરી. ઓગણીસમી સદીની શરૂઆતમાં રેવાના રાજા જયસિંહે બ્રિટિશ આધિપત્ય સ્વીકાર્યું. 1857ના વિપ્લવ વખતે રેવાના રાજા રઘુરાજસિંહે બળવાખોરોને દબાવી દેવામાં અંગ્રેજોને મદદ કરી હતી અને 2,000ની સેના તેમને મદદ કરવા આપી હતી. પાછળથી અંગ્રેજોએ તેના બદલા રૂપે તેને સોહાગપુર તથા અમરકંટકના પ્રદેશો આપ્યા. ઑગસ્ટ 1947માં દેશ સ્વતંત્ર થયો ત્યારે રેવાના રાજ્યનું ભારતના સંઘમાં વિલીનીકરણ થયું. તે પછી સરહદોમાં ફેરફાર કરીને 1950માં રેવા જિલ્લાની રચના કરવામાં આવી હતી.
રેવા (શહેર) : મધ્યપ્રદેશના રેવા જિલ્લાનું વડું વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : 24° 32´ ઉ. અ. અને 81° 18´ પૂ. રે. 1597માં તત્કાલીન રેવા રજવાડા માટે આ શહેરને તેની રાજધાની તરીકે પસંદ કરાયેલું. આ સ્થળ 1871થી 1931 દરમિયાનની બ્રિટિશ બાઘેલખંડ એજન્સીનું તેમજ 1948થી 1956 દરમિયાન વિંધ્યપ્રદેશ રાજ્યનું પાટનગર રહેલું.
આ શહેર આજુબાજુનાં અન્ય નગરો સાથે સડકમાર્ગોથી જોડાયેલું છે. અનાજ, બાંધકામના પથ્થરો અને લાકડાંના વાણિજ્યમથક તરીકે જાણીતું છે. કાપડ-વણાટ અને કાષ્ઠ-કોતરકામ અહીંના મુખ્ય ઉદ્યોગો છે. અવધેશ પ્રતાપસિંહ યુનિવર્સિટી(1968)નું તે મુખ્ય મથક પણ છે. આઠ જેટલી કૉલેજો તેને સંલગ્ન છે, તેમાં તબીબી શિક્ષણસંસ્થાનો પણ સમાવેશ થાય છે. તેની વસ્તી 1,28,918 (1991) જેટલી છે.
ગિરીશભાઈ પંડ્યા
જયકુમાર ર. શુક્લ