રેવંચી : દ્વિદળી વર્ગમાં આવેલા પૉલિગોનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Rheum emodi Wall. ex Meissn. (સં. હેમાવતી, પીતમૂલિકા, રેવન્દચીની, ક્ષીરિણી, કાંચનક્ષીરી; હિં. રેવંદચીની; બં. રેવનચીની; મ. રેવાચીની; ગુ. રેવંચી; અં. હિમાલયન રૂબાર્બ, ઇંડિયન રૂબાર્બ) છે. તે ચીનની મૂલનિવાસી વનસ્પતિ છે અને તુર્કસ્તાન, રશિયા, ભૂતાન, તિબેટ અને કાશ્મીરથી નેપાળ સુધી, મલબાર, ત્રાવણકોર, ખંડાલાના ઘાટ અને બારે ઘાટમાં 3,300થી 5,200 મી.ની ઊંચાઈ સુધી થાય છે. આસામમાં તેનું શાકભાજી માટે વાવેતર થાય છે.

રેવંચી

તે 1.5 મી. થી 3.0મી.ની ઊંચાઈ ધરાવતું સુંદર ક્ષુપ છે. જમીનમાંથી એક મુખ્ય અથવા ગાંઠ વચ્ચે થઈ તેમાંથી ચારે તરફ બીજી શાખાઓ ફૂટે છે. તેનાં મૂળ રતાશ પડતાં કાળાં અને અત્યંત મજબૂત હોય છે. મૂળ પર્ણો (radical leaves) 30 સેમી.થી 45 સેમી. લાંબા દંડવાળાં, ખૂબ મોટાં, ઘણી વાર 60 સેમી. વ્યાસ ધરાવતાં વર્તુલાકાર (orbicular) કે પહોળાં અંડાકાર અથવા હૃદયાકાર, ઉપરથી ફિક્કા લીલા રંગનાં અને સુંવાળાં અને નીચેથી લંબદાર અને પીળા રંગનાં હોય છે. પુષ્પો નાનાં, ઘેરાં-જાંબલી કે લાલ અથવા સફેદ રંગનાં હોય છે અને કક્ષીય લઘુપુષ્પગુચ્છ (panicle) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. તેના ઉપર કોકમ જેવડાં ફળ થાય છે.

R. emodi હિમાલયી રૂબાર્બનો મુખ્ય સ્રોત છે. કાંગરા, કુલુ, કુમાઉન, નેપાળ અને સિકિમના પહાડી વિસ્તારોમાં થતી વન્ય (wild) વનસ્પતિઓમાંથી આ ઔષધ પ્રાપ્ત કરવામાં આવે છે. કુલુ અને કાંગરામાંથી પ્રતિવર્ષ તેની આશરે 11,000 કિગ્રા. ગાંઠામૂળી અને મૂળ એકત્રિત કરવામાં આવે છે. તે શુષ્કતારોધી (drought-resistant) છે અને તેનું પ્રસર્જન ગાંઠામૂળીના ટુકડાઓ દ્વારા કે બીજ દ્વારા થાય છે. પ્રથમ પદ્ધતિ વધારે યોગ્ય ગણાય છે. તેને કોહવાતા ખાતર વડે મિશ્રિત ઊંડી ફળાઉ મૃદા અનુકૂળ હોય છે. ગાંઠામૂળીના મુકુટ સહિતના કટકા વસંત ઋતુના પ્રારંભમાં 1.2 મી.થી 1.5 મી.ના અંતરે જમીનમાં 10 સેમી. ઊંડે રોપવામાં આવે છે. શિયાળા દરમિયાન હવાઈ ભાગો સુકાઈ જાય છે, પરંતુ વસંત ઋતુમાં ગાંઠામૂળીમાંથી પ્રરોહ ફૂટે છે. 3થી 10 વર્ષના છોડની ગાંઠામૂળીઓ અને મૂળો સપ્ટેમ્બર માસમાં ખોદી, ધોઈ અને યોગ્ય કદના ટુકડા કરી ભઠ્ઠી દ્વારા કે સૂર્યપ્રકાશમાં સૂકવવામાં આવે છે અને હવાચુસ્ત પાત્રોમાં તેનો સંગ્રહ કરાય છે. પછી તેને સૂર્યપ્રકાશથી દૂર રાખવામાં આવે છે.

તેનાં મૂળ અને રાળમય પદાર્થ (ગુંદ) કે જેને ‘રેવંચીનો શીરો’ કહે છે તે ખાસ ઔષધિ તરીકે વપરાય છે. મજીઠ અને પોટાશ સાથે તેનો સુતરાઉ કાપડ કે ઊનને લાલ રંગ ચઢાવવા માટે પણ ઉપયોગ થાય છે. હિમાલયમાં લોકો તેના મૂળનો મુરબ્બો અને અથાણું કરી વાપરે છે. બજારમાં મળતો રેવંચીનો શીરો પીળા રંગના ચૂર્ણ સ્વરૂપે હોય છે. તે ચીનમાં ઉત્પન્ન થતા Garcinia hanburyi વૃક્ષનો ગુંદ છે અને ભારતમાં સિયામથી આવે છે. આ ઔષધ રેચક હોઈ અલ્પ માત્રામાં જ વપરાય છે.

આયુર્વેદ અનુસાર રેવંચી કડવી, તીખી, દીપન (ભૂખ લગાડનારી), ગ્રાહી (મળ બાંધનારી), યકૃદુત્તેજક અને રેચક છે. નાની માત્રા(0.1 ગ્રા.થી 0.6 ગ્રા.)માં લેવાથી તે લાળ અને જઠરરસની વૃદ્ધિ કરી ભૂખ લગાડે છે, અન્નપાચન કરે છે અને પિત્તરસનો યોગ્ય સ્રાવ કરાવે છે. તેનો ગ્રાહી ગુણ સૂક્ષ્મ માત્રામાં જ છે. તે મોટી માત્રામાં રેચક છે, છતાં દાહક નથી. જુલાબ થયા પછી આપમેળે બંધ થાય છે. વાતરક્ત (gout), અપચો, હરસ, અને ગ્રહણીમાં ઉપયોગી છે અને નાનાં બાળકો માટે ઉત્તમ રેચક છે. સોજા ઉપર તે પાણીમાં ઘસી લેપ કરાય છે. તે ગુણમાં ગરમ અને લૂખી છે. વધુ માત્રામાં કિશોરો અને વૃદ્ધોને નુકસાનકારક છે. વા, અપસ્માર અને યુરિક ઍસિડની તકલીફવાળા દર્દીઓને તેના ઉપયોગનો નિષેધ છે. તે દાંત સાફ કરવા માટે ઉપયોગી છે અને ચાંદા ઉપર ઝડપથી રૂઝ લાવવા છંટકાવ કરવામાં આવે છે. રેવંચીનું મારક ઔષધ બાવળનો ગુંદર અને ઉન્નાબ છે અને પ્રતિનિધિ ઔષધ ગુલાબ છે. તે બંધ પેશાબ અને માસિક સાફ લાવે છે, આંતરડાંના વિકાર મટાડે છે અને વાયુ શાંત કરે છે. વારંવાર આપવા માટે 0.1 ગ્રા.થી 0.6 ગ્રા., એક વખત માટે 1 ગ્રા.થી 1.8 ગ્રા. અને એક વર્ષના બાળક માટે 0.1 ગ્રા.ની માત્રાએ આપવામાં આવે છે.

રેચ માટે રેવંચીનો શીરો 1 ગ્રામ (મોટાઓને) ગોળ, સાકર કે મધ સાથે આપવામાં આવે છે. મૂત્રરેચન માટે રેવંચી, સૂરોખાર, ચણકબોબા અને એલચી સમભાગે લઈ ચૂર્ણ બનાવી 5 ગ્રા. ચૂર્ણ 100 ગ્રા. પાણી અને 100 ગ્રા. દૂધમાં નાખી ભાંગની જેમ બે વાસણમાં ઉલટાવ્યા બાદ પિવડાવવામાં આવે છે. નાનાં બાળકોને રેચ માટે રેવંચીનો શીરો 0.1 ગ્રા.થી 0.35 ગ્રા. દૂધમાં મિલાવી પિવડાવાય છે. ગૂમડા ઉપર રેવંચીનો શીરો પાણીમાં ઘૂંટી ભીનો સૂકો લગાવવાથી તે પાકીને ફૂટી જાય છે. કમળી ઉપર રેવંચી દૂધમાં સાત દિવસ પિવડાવાય છે.

આ ઔષધ ભારતમાં અતિ પ્રાચીન કાળથી જાણીતું છે. આત્રેયે (પુનર્વસુએ) ‘ક્ષીરિણી’ નામથી ‘શોધન’ ઔષધોમાં તેની ગણના કરેલી હોવાથી 700થી 800 વર્ષ પૂર્વે રાજનિઘંટુકારે પણ તેના ગુણદોષનું વર્ણન કરેલું છે.

તેના પર્ણદંડો કાચા કે બાફીને મીઠું અને મરી ભભરાવી ખવાય છે. તેનો સૂકવીને સંગ્રહ પણ કરવામાં આવે છે અને અન્ય ખોરાક સાથે ખાવામાં આવે છે. વળી તેને પરિરક્ષિત (preserved) કરી લાંબા સમય માટે રાખવામાં આવે છે. રાંધેલા પર્ણદંડો પણ સમર્થ રેચક હોય છે. પર્ણો અને પુષ્પો ખાદ્ય હોય છે. પર્ણો અને પ્રકાંડમાં કુલ ઑક્ઝેલિક ઍસિડ દ્રવ્ય અનુક્રમે 0.65 % અને 0.81 % હોય છે. પર્ણો અને પુષ્પોમાં રુટિન (0.32 %) હોય છે.

ઔષધમાં ઇમોડિન-3-મૉનો-મિથાઇલ ઇથર (ફાઇસિયૉન), ક્રાઇસોફેનોલ, ઍલોય-ઇમોડિન (9, 10–ડાઇહાઇડ્રો–1, 8-ડાઇડ્રૉક્સિ-3-હાઇડ્રૉક્સિમિથાઇલ-9, 10-ડાયૉક્સોએન્થ્રેસિન) અને રહીન જેવા ઇમોડિન આધારિત એન્થ્રેક્વિનોન વ્યુત્પન્નો હોય છે. તેઓ ક્વિનીન, ઍન્થ્રોન અથવા ડાઇએન્થ્રોન ગ્લાયકોસાઇડ તરીકે અને મુક્તપણે થાય છે. સંકોચક (astringent) ઘટક મુખ્યત્વે ગૅલિક ઍૅસિડ છે, જે ગ્લુકોગેલીન તરીકે હોય છે. તેની સાથે અલ્પ પ્રમાણમાં ટેનિન અને સંભવત: કૅટેચિન હોય છે. ગ્લુકોગેલીનના જલઅપઘટનથી ગૅલિક ઍસિડ અને ગ્લુકોઝ ઉત્પન્ન થાય છે. વળી, ઔષધમાં સિન્નેમિક અને રહીનોલિક ઍસિડ, બાષ્પશીલ તેલ, સ્ટાર્ચ અને કૅલ્શિયમ ઑક્ઝેલેટ હોય છે.

ઓછી અને વધારે ઊંચાઈએથી પ્રાપ્ત કરેલા ઔષધના નમૂનાઓનું અનુક્રમિક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 6.1%; 7.9%; ભસ્મ 9.3 %, 4.9 %; જલદ્રાવ્ય શ્લેષ્મ 6.5 %, 4.8 %; કૅથાર્ટિક ઍસિડ (કેથાર્ટિક પદાર્થો) 3.5 %, 3.2 %; કાર્બનિક ઍસિડ 3.3 %, 2.2 %; આલ્કોહૉલ દ્રાવ્ય રાળયુક્ત પદાર્થ 2.6 %, 2.0 %; લિપિડ અને પેટ્રોલિયમ ઈથરમાં દ્રાવ્ય ક્રાઇસોફેનિક ઍસિડ 0.4 %, 0.3 % આ ઉપરાંત સેનોસાઇડ ‘એ’ (C42H38O20) અને સેનોસાઇડ ‘બી’ (C42H38O20) મુક્ત એન્થ્રોક્વિનોનોની સાથે જોવા મળે છે. મૂળમાં નહિ ઓળખાયેલો ટર્પેનિક ઍસિડ અને મિથાઇલ-n-હેપ્ટાઇલ કીટોન હોય છે. યુજેનોલની હાજરીને લીધે બાષ્પશીલ તેલની વિશિષ્ટ વાસ હોય છે.

નેપાળના પહાડી વિસ્તારોમાં મળતું ‘રેવંચિની’ ઔષધ Rumex nepalensisનાં મૂળ છે અને તે પશ્ચિમ બંગાળમાં વેચાય છે.

ચીની રૂબાર્બ Rheum palmatum, R. officinale અને તેની (R. rhaponticum સિવાયની) અન્ય જાતિઓના પ્રકંદમાંથી મેળવવામાં આવે છે. તે ચીન અને તિબેટમાં 2,500 મી.થી 4,000 મી.ની ઊંચાઈએ થાય છે. ઔષધની ગુણવત્તા ઊંચાઈના સંદર્ભમાં વધતી જણાઈ છે.

રહોપોન્ટિક રૂબાર્બ(Rheum rhaponticum)માં એન્થ્રોક્વિનોન ઉપરાંત રહોપોન્ટિસિન નામનો ઘટક હોય છે. તે ઇસ્ટ્રોજેનિક અંત:સ્રાવનો ગુણ ધરાવે છે. તેથી આ રૂબાર્બનો રેચક તરીકે ઉપયોગ થતો નથી.

બળદેવપ્રસાદ પનારા

કૃષ્ણકુમાર નરસિંહભાઈ પટેલ

બળદેવભાઈ પટેલ