રેનોડનો રોગ અને રેનોડની ઘટના
January, 2004
રેનોડનો રોગ અને રેનોડની ઘટના : ઠંડી અથવા લાગણીજન્ય કારણોસર આંગળીની ટોચની ફિક્કાશ સાથે કે તેના પછી નીલિમા(cyanosis)ના થતા વારંવારના લઘુ હુમલા (રેનોડની ઘટના) અને તેવું થતું હોય તેવો કોઈ જાણીતા કારણ વગરનો રોગ (રેનોડનો રોગ). આંગળીઓની ટોચ ભૂરી પડી જાય તેને નીલિમા કહે છે. આ વાહિની-સંચલનના વિકારો(vasomotor disorders)ના જૂથનો રોગ છે. રેનોડની ઘટના રેનોડના રોગ કરતાં વધુ જોવા મળે છે. તે થવાનું કારણ નસોના સ્નાયુઓના સંકોચન-શિથિલન સાથે સંબંધિત (વાહિની-સંચલિત) કોઈ રોગ હોય છે; જેમ કે વ્યાપક રક્તકોષભક્ષિતા (systemic lupus erythematosus). ક્યારેક આવી ઘટના સ્થાનિક રોગને કારણે પણ થાય છે. રેનોડના રોગનું કોઈ ચોક્કસ કારણ જાણમાં હોતું નથી.
નિદાન : સમયાંતરિત ફિક્કાશ અને નીલિમા અથવા ફિક્કાશને અનુસરતા નીલિમાના લઘુ હુમલાઓ હાથની આંગળીઓની ટોચને અસર કરે છે. ક્યારેક પગની આંગળીઓમાં પણ તે થાય છે. તે થવાનું તાત્કાલિક કારણ ઠંડી અથવા લાગણીનો ઊભરો હોય છે. શરૂઆતમાં ફક્ત 1 કે 2 અંગુલિટોચ અસરગ્રસ્ત થાય છે. પરંતુ જેમ જેમ રોગ વધે છે તેમ તેમ બધી જ આંગળીઓ અને હથેળીનો દૂરનો છેડો પણ અસરગ્રસ્ત થાય છે. અંગૂઠો સામાન્ય રીતે અસરગ્રસ્ત થતો નથી. જેવો હુમલો શમે એટલે અસરગ્રસ્ત ભાગ અતિશય લાલ થઈ જાય છે. ત્યાં ધબકારા અનુભવાય છે. પરાસંવેદનાઓ થાય છે તથા થોડો સોજો આવે છે. લઘુ હુમલો (paroxysm) આપોઆપ શમે છે અથવા ગરમ ખંડમાં જવાથી કે હૂંફાળા પાણીમાં હાથ બોળવાથી પણ તે શમે છે. જ્યારે લઘુ હુમલો ન હોય ત્યારે સંપૂર્ણપણે સામાન્ય હોય છે. ક્યારેક લઘુ હુમલાના સમયે આંગળીમાં બહેરાશ, અક્કડતા તથા પીડા અનુભવાય છે. તકલીફ વધે એટલે ત્યાંની મેદપેશી ક્ષીણ થાય છે અને ચામડી પર કોષનાશી ચાંદાં (necrotic ulcers) થાય છે, જે ગરમ ઋતુમાં મટે છે. સામાન્ય રીતે રેનોડનો રોગ 15થી 45 વર્ષની સ્ત્રીઓમાં જોવા મળે છે. રેનોડની ઘટનામાં એક હાથની 1–2 આંગળીઓ અસરગ્રસ્ત થાય છે, જ્યારે રેનોડના રોગમાં બંને હાથની વધુ આંગળીઓ બંને બાજુ સરખી રીતે અસરગ્રસ્ત થાય છે. તેમાં વાહિની-સંકોચનની તીવ્રતા અને સમયગાળો પણ વધતાં રહે છે. જો કોઈ અન્ય સહસંગી રોગ ન હોય તો 3 વર્ષ સુધી થતા હુમલાઓવાળા વિકારને રેનોડનો રોગ કહે છે. તેને સાબિત કરવા માટે કોઈ વિશિષ્ટ પરીક્ષણ નથી, પરંતુ અન્ય સહસંગી રોગો નથી તે જાણવા માટે પરીક્ષણો કરાય છે.
નિદાનભેદ : રેનોડના રોગને રેનોડની ઘટના કરતાં અનેક રોગોથી અલગ પડાય છે. આમવાતી સંધિશોથ (rheumatoid arthritis), બહુતંત્રીય તંતુકાઠિન્ય (systemic sclerosis), વ્યાપક રક્તકોષભક્ષિતા (systemic lupus erythamatosus), મિશ્રસંધાન પેશીરોગ (mixed connective tissue disease) વગેરેમાં રેનોડની ઘટના વધુ જોવા મળે છે. દર્દીની તકલીફોનું વૃત્તાંત જાણીને અને શારીરિક તપાસ કરીને તેમને રેનોડના રોગથી અલગ પડાય છે. ક્યારેક આ રોગોમાં પ્રથમ લક્ષણરૂપે જ રેનોડની ઘટના હોઈ શકે. અવરોધકારી ગુલ્મવાહિનીશોથ (thromboangiitis obliterans) નામનો રોગ મુખ્યત્વે પુરુષોમાં થાય છે તથા તેમાં હાથ-પગની નાડીના ધબકારા સંભળાતા નથી એવું બને છે. રોગને રેનોડના રોગથી અલગ પાડવો ક્યારેક મુશ્કેલ બને છે. પાંસળીના પાંજરાના ઉપરના ખુલ્લા મુખ આગળના રોગોને વક્ષપિંજરમુખ સંલક્ષણ (thoracic outlet syndrome) કહે છે. તેમાં બાહુલક્ષી ચેતાજાળ (brachial plexus) પરનું દબાણ મહત્વનું લક્ષણ હોય છે. તેને રેનોડના રોગથી અલગ પડાય છે. રેનોડના રોગને મણિબંધિકાસ્થિ વિવરપથ સંલક્ષણ(carpal tunnel syndrome)થી પણ અલગ પડાય છે. તેમાં આંગળીની ટોચ પર કાયમ ભૂરાશ રહેતી હોય છે. તેને અગ્રનીલિમા (acrocyanosis) કહે છે. અગ્રનીલિમા વડે તેને રેનોડની ઘટનાથી / રેનોડના રોગથી અલગ પાડી શકાય છે. શીતદાહ(frostbite)માં ક્યારેક દીર્ઘકાલી રેનોડની ઘટના થાય છે. અર્ગટનું ઝેર અથવા અર્ગટેમાઇન નામના દ્રવ્યનું લાંબા સમયનું સેવન રેનોડની ઘટના કરે છે. દર્દીને બ્લિયોમાયસિન વિનક્રિસ્ટીન નામની દવાઓને સાથે આપવાથી ક્યારેક કાયમી ધોરણે રેનોડની ઘટના થવાનો તીવ્ર વિકાર થાય છે. લોહીમાંના રક્ષનત્રલ (globulin) જો ઠંડી ઋતુમાં ગઠ્ઠા બનીને નસોને અવરોધે એવો વિકાર કરે તો તેને શીત-રક્ષનત્રલ-રુધિરતા (cryoglobulinaemia) કહે છે. આવું અજ્ઞાતમૂલ (idiopathic) વિકારરૂપે, બહુમજ્જાર્બુદ (multiple myeloma), યકૃતશોથ સી (hepatitis C) તથા અન્ય અતિરક્ષનત્રલ-રુધિરતાકારી વિકારો states) જેવા વિકારોમાં જોવા મળે છે. આથી રેનોડના રોગને આ પ્રકારની શીત-રક્ષનત્રલ-રુધિરતાથી અલગ પડાય છે.
સારવાર : શરીરને હૂંફાળા વાતાવરણમાં રખાય છે અને હાથમોજાં પહેરીને હાથને ઠંડા પડતા અટકાવાય છે. હાથને ઈજા ન થાય તે ખાસ જોવાય છે. ઈજાગ્રસ્ત આંગળીઓમાં રૂઝ મોડી આવે છે અને ચેપ લાગવાનો ભય રહે આંગળીઓ પર ચીરા પડેલા હોય તો તેના પર મલમ લગાડીને તેને મૃદુ કરાય છે. દર્દીએ ધૂમ્રપાન સદંતર બંધ કરવું જરૂરી છે. નસોને પહોળી કરતાં ઔષધોની ખાસ ઉપયોગિતા નથી, પરંતુ જેમનામાં નસો જાડી થઈ જવાથી તેનું પોલાણ સંકોચાયેલું હોય, પરંતુ નસોના સ્નાયુઓના સંકોચનને કારણે પોલાણ નાનું થયું ન હોય તેમાં અમુક અંશે ઉપયોગી છે. તે માટે નાઇટ્રોગ્લિસરિન, લાંબો સમય સક્રિય રહેતા નાઇટ્રેટ્સ, નિફેડિપિન વગેરે ઓછી માત્રામાં વપરાય છે. જો વિકાર તીવ્ર હોય અથવા તે સારવાર છતાં કાબૂમાં ન આવે તેવા હુમલાવાળો વિકાર હોય તો સંવેદી ચેતાછેદન (sympathectomy) ઉપયોગી રહે છે. તેમાં સંવેદી ચેતાતંત્રની ચેતાઓને કાપવામાં આવે છે. જો ક્ષીણતાજન્ય વિકૃતિઓ થતી હોય અથવા દવાઓ અસરકારક ન થઈ હોય તોપણ શસ્ત્રક્રિયા સૂચવાય છે. શસ્ત્રક્રિયા પછી થોડા સમયે નસોની સંકોચનક્ષમતા પાછી આવે છે. તેને કારણે 1થી 5 વર્ષે ફરીથી તકલીફો શરૂ થાય છે; પરંતુ તે મંદ અને ઓછી સંખ્યામાં હોય છે.
શિલીન નં. શુક્લ
નિલય રા. ઠાકોર