રેનો, લુઈ (જ. 1877,  ફ્રાન્સ; અ. 1944) : ઑટોમોબાઇલના જાણીતા ફ્રેન્ચ ઉત્પાદક. પોતાના ભાઈઓના સહયોગથી તેમણે શ્રેણીબંધ નાની કારોનું ઉત્પાદન કર્યું. વચગાળામાં તેમણે રેસિંગમાં ઝંપલાવ્યું, પણ કાર-ઉત્પાદન તેમના મુખ્ય શોખનો વિષય હોવાથી તેમાં તેઓ પુન: સક્રિય બન્યા.

1918માં તેમણે રેનો ટૅન્કનું નિર્માણ કર્યું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ફ્રાન્સ પર જર્મનીએ કબજો જમાવ્યો હતો ત્યારે તેમની ફૅક્ટરી લશ્કરી સાધનસરંજામનું ઉત્પાદન કરતી રહી, પરિણામે તેમને જેલવાસ વેઠવો પડ્યો હતો. કેસ ચાલવાનો બાકી હતો તે દરમિયાન જ તેમનું અવસાન થયું. તેમની કંપની ફ્રાન્સની સૌથી મોટી ઑટોમોબાઇલ કંપની બની રહી. પાછળથી તેનું રાષ્ટ્રીયકરણ કરાયું હતું.

મહેશ ચોકસી