રેનશૉ, વિલિયમ (જ. 3 જાન્યુઆરી 1861 લૅમિંગ્ટન, વૉરવિકશાયર, યુ.કે.; અ. 12 ઑગસ્ટ 1904, સ્વાનેજ, ડૉરસેટ) : યુ.કે.ના ટેનિસ ખેલાડી. તેમણે વિમ્બલડન સ્પર્ધાઓ ખાતે 1881થી ’86 અને 1889 – એમ કુલ 7 વખત એકલા રમીને (singles) વિજયપદક તથા પોતાના જોડકા ભાઈ અર્નેસ્ટ સાથે 1884થી ’86 અને 1888–89 એમ કુલ 5 વખત જોડીમાં રમીને (doubles) વિજયપદકની વિક્રમરૂપ જીત મેળવી. 1884 અગાઉ અતિ-મહત્વની ગણાતી ઑક્સફર્ડની જોડીવાળી ટેનિસ સ્પર્ધામાં પણ આ ભાઈઓ 1880 અને 1881માં વિજેતા નીવડ્યા હતા.
રેનશૉ વિમ્બલડન ખાતે ટેનિસની 10 એકલ સ્પર્ધાઓમાં રમ્યા અને તેમાંથી કેવળ 3 સ્પર્ધાઓમાં જ તેમની હાર થઈ હતી. રેનશૉ બંધુઓને આધુનિક ટેનિસના સ્થાપક તરીકે બહુમાન અપાયેલું. આ રમતને કૌશલ્ય તથા આનંદથી ભરપૂર ઘટના બનાવવાનો યશ પણ આ ભાઈઓને અપાયો છે. શ્રીમંત પરિવારના અને ઉચ્ચ શિક્ષણ પામેલા આ બંને ભાઈઓ પ્રત્યે પ્રેક્ષકોના ટોળાનું અજબ આકર્ષણ રહેતું હતું. તેમની નિવૃત્તિ પછી વિમ્બલડન ખાતે પ્રેક્ષકોની હાજરીમાં ખાસ્સો ઘટાડો નોંધાયો હતો. વિલિયમ રેનશૉએ ‘ઓવરહેડ સર્વ’ અને ‘સ્મૅશ’ની ટૅકનિક વિકસાવી અને તેનો સાતત્યપૂર્વક તથા પ્રભાવક ઉપયોગ કરનારા સર્વપ્રથમ ખેલાડી બની રહ્યા. વિલિયમ રેનશૉ આ જોડકામાં સહેજ મોટા હતા. તેમની ચૅમ્પિયનશિપ કારકિર્દી વધારે યશસ્વી હતી, પણ બીજી રીતે આ બાંધવ-બેલડી તેમના સમકાલીનો કરતાં ટેનિસમાં ઘણી બાબતોમાં અગ્રેસર હતી.
મહેશ ચોકસી