રૅનન્ક્યુલેસી (બટરકપ કુળ) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા રાનેલ્સ ગોત્રનું એક આદિ  ક્રોન્ક્વિસ્ટના મતાનુસાર આ કુળ 50 પ્રજાતિઓ અને 2,000 જેટલી જાતિઓનું બનેલું છે. લૉરેન્સ આ કુળ માટે 35 પ્રજાતિઓ અને 1,500 જાતિઓ સૂચવે છે. લગભગ 20 જેટલી પ્રજાતિઓ અને 300 જેટલી જાતિઓ ઉત્તર અમેરિકાની સ્થાનિક છે. આ કુળની કેટલીક જાણીતી પ્રજાતિઓની કુલ જાતિઓ અને ઉત્તર અમેરિકામાં થતી તેની સ્થાનિક જાતિઓ આ પ્રમાણે છે : Rananculus (250–96), Aquilegia (70–29), Clematis (200–25), Thalictrum (90–14), Delphiniam (250–30) અને Anemone (100 ± –25). ભારતમાં બોટૅનિકલ સર્વે ઑવ્ ઇંડિયા (BSI) દ્વારા 50 પ્રજાતિઓ અને 1,800 જાતિઓ નોંધાઈ છે, જે પૈકી 3 પ્રજાતિઓ અને 4 જાતિઓ સ્થાનિક છે. ગુજરાતમાં 3 પ્રજાતિઓ અને 5 જાતિઓ મળી આવે છે.

આ કુળની વનસ્પતિઓ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલ પૂર્વ એશિયા અને ઉત્તર અમેરિકામાં અને ભારતમાં હિમાલય, પશ્ચિમઘાટ અને નીલગિરિની પર્વતમાળામાં વિશેષ પ્રમાણમાં થાય છે. ગુજરાતનાં જંગલોમાં Clematis (મોરવેલ) મળી આવે છે. આ કુળની કેટલીક જાતિઓ ઉદ્યાનોમાં શોભન વનસ્પતિઓ તરીકે ઉગાડવામાં આવે છે.

આ કુળની ઘણીખરી જાતિઓ એકવર્ષાયુ કે બહુવર્ષાયુ  કે કેટલીક વાર ક્ષુપ કે આરોહી (દા.ત., Clematis) કે ભાગ્યે વૃક્ષ સ્વરૂપે (દા.ત., Paeonia) જોવા મળે છે. કેટલીક Anemone જેવી બહુવર્ષાયુ જાતિઓમાં ભૂમિગત એકાક્ષજન્ય (sympodial) ગાંઠામૂળી જોવા મળે છે. Paeonia અને Aconitumમાં સાકંદ મૂળ હોય છે. પર્ણો સાદાં, મોટેભાગે એકાંતરિક, Clematis અને Ranunculus spp.માં સંમુખ, સ્તંભીય (cauline) સામાન્યત: સંયુક્ત, Caltha અને Coptisમાં અખંડિત, મોટેભાગે પંજાકાર, Xanthorrhiza અને Actaeaમાં પીંછાકાર, અનુપપર્ણીય, Thalictrumની કેટલીક જાતિઓમાં અલ્પવિકસિત ઉપપર્ણો હોય છે. Thalictrum અને Anemoneમાં મૂળપર્ણો (radical leaves) હોય છે. Clematisમાં પર્ણદંડ સૂત્રમય (tendrillar) હોય છે. પર્ણતલ આવરક (sheathing) જોવા મળે છે. Ranunculusની જલીય જાતિઓનાં નિમજ્જિત (submerged) પર્ણો અતિવિભાજિત હોય છે. Clematis aphyllaમાં સમગ્ર પર્ણ સૂત્રમાં રૂપાંતર પામેલું હોય છે. તેથી પ્રકાશસંશ્લેષણનું કાર્ય પ્રકાંડના હરિત બાહ્યક દ્વારા થાય છે.

રૅનન્ક્યુલેસી : (અ) નિર્વિષી (Delphinium) : (1) પુષ્પીય શાખા, (2) પુષ્પ, (3) વજ્ર, (4) દલપુંજ, (5) બીજાશયનો અનુપ્રસ્થ છેદ, (6) ફળ, (7) પુષ્પીય આરેખ; (આ) મોરવેલ (Clematis gauriana Roxb.) : (1) પુષ્પીય શાખા, (2) પુષ્પ,  પુંકેસર, (4) ફળનો ઊભો છેદ, (5) સ્ત્રીકેસર, (6) પુષ્પીય આરેખ.

પુષ્પવિન્યાસ અગ્રીય (દા. ત., Anemone) કે કક્ષીય એકાકી અથવા પરિમિત (cymose) કે કલગી(raceme, દા.ત., Delphinium, Clematis)થી માંડી લઘુપુષ્પગુચ્છી (paniculate) હોય છે. પુષ્પ નિયમિત કે Delphineae જનજાતિ(tribe)માં અનિયમિત, દ્વિલિંગી, ભાગ્યે જ એકલિંગી [દા.ત., Thalictrumની કેટલીક જાતિઓ, જે એકગૃહી (monoecious) કે દ્વિગૃહી (dioecious) હોય છે.], અધોજાય (hypogynous) અને નિપત્રી (bracteate) હોય છે. વજ્ર 3 કે 5 મુક્ત શીઘ્રપાતી (cadacous) અને અધ:સ્થ (inferior) વજ્રપત્રોનું બનેલું હોય છે. Aconitumના ઉપરનું વજ્ર છત્ર (hood) બનાવે છે. Delphinium અને Clematis વજ્ર દલાભ (petaloid) હોય છે. Delphiniumમાં પશ્ર્ચ વજ્રપત્ર દલપુટ(spur)માં રૂપાંતર પામેલું હોય છે. વજ્રપત્રો કોરછાદી (imbricate) કે ભાગ્યે જ ધારાસ્પર્શી (valvate) કલિકાન્તરવિન્યાસ (aestivation) ધરાવે છે. દલપુંજ 5 કે તેથી વધારે કોરછાદી, શીઘ્રપાતી અને અધ:સ્થ દલપત્રોનું બનેલું હોય છે. Clematis અને Nigellaમાં દલપુંજનો અભાવ હોય છે. Delphiniumમાં અગ્ર બે મોટાં દલપત્રો આવશ્યક અંગો(essential organs)ને ઢાંકે છે, જ્યારે બે પશ્ચ નાનાં દલપત્રો લાંબા નલિકાકાર મધ ધરાવતા દલપુટમાં  છે; જે પશ્ચ વજ્રપત્ર દ્વારા બનતા દલપુટમાં લંબાય છે. સામાન્યત: મધુગ્રંથિઓની હાજરી હોય છે. Ranunculusમાં આ મધુગ્રંથિઓ શલ્ક દ્વારા ઢંકાયેલી હોય છે. પુંકેસરચક્ર પુષ્પાસન ઉપર કુંતલાકારે ગોઠવાયેલાં અસંખ્ય, મુક્ત, અધ:સ્થ પુંકેસરોનું બનેલું હોય છે. તંતુઓ લાંબા કે ટૂંકા હોય છે. પરાગાશયો દ્વિખંડી અને તલબદ્ધ (basifixed) હોય છે, અને તેમનું  લંબવર્તી અને બહિર્મુખી (extrose) રીતે થાય છે. સ્ત્રીકેસરચક્ર 3 કે અસંખ્ય (ભાગ્યે જ એક, દા.ત., Delphinium) ઊર્ધ્વસ્થ, મુક્ત અને કુંતલાકારે ગોઠવાયેલાં સ્ત્રીકેસરોનું બનેલું હોય છે. Nigellaમાં બહુયુક્તસ્ત્રીકેસરી સ્ત્રીકેસરચક્ર હોય છે. પ્રત્યેક બીજાશય એકસ્ત્રીકેસરી અને એકકોટરીય હોય છે અને વક્ષ સીવન(suture)થી ચર્મવર્તી (parietal) જરાયુ ઉપર એક કે અસંખ્ય અધોમુખી (anatropous)  (pendulous) કે ટટ્ટાર અંડકો આવેલાં હોય છે. પરાગવાહિની ટૂંકી કે લાંબી અને રોમમય (દા.ત. Clematis, Aconitum) હોય છે. પરાગાસન સાદું કે ચંચુવત્ હોય છે. ફળ વિવિધ પ્રકારનાં સમૂહ(aggregate)ફળસ્વરૂપે જોવા મળે છે; દા.ત., Ranunculusમાં ચર્મ (achene) સમૂહફળ, Aconitumમાં એકસ્ફોટી (follicle) સમૂહફળ, Delphiniumમાં સરળ એકસ્ફોટી ફળ ને Nigellaમાં પ્રાવર (capsule) અને  અનષ્ઠિલ (berry) ફળ હોય છે. બીજ નાનાં હોય છે, જેમાં ભ્રૂણ સૂક્ષ્મ અને સીધો અને ભ્રૂણપોષ વિપુલ જથ્થામાં અને તૈલી હોય છે. Helloborusમાં બીજવિકિરણ કીડીઓ દ્વારા થાય છે. તેઓ સંધિરેખા (raphe) ઉપર આવેલ તૈલી ફૂલેલી રચના દ્વારા આકર્ષાય છે. Ranunculusની કેટલીક જાતિઓનાં ચર્મફળ અંકુશ ધરાવે છે અને તેમનું વિકિરણ પ્રાણીઓ અને પક્ષીઓ દ્વારા થાય છે. Clematisમાં ચર્મફળ ઉપર આવેલી પીંછાકાર પરાગવાહિનીઓને કારણે પવન દ્વારા ફળવિકિરણ થાય છે. આ કુળનું પુષ્પીય સૂત્ર નીચે પ્રમાણે છે :

આ કુળ તેના શાકીય ગઠન, વિભાજિત કે સંયુક્ત પર્ણો,  દ્વિલિંગી પુષ્પો, અલ્પવિકસિત કે રૂપાંતરિત દલપત્રો, પુષ્પાસન ઉપર કુંતલાકારે ગોઠવાયેલાં અસંખ્ય પુંકેસરો અને બહુમુક્તસ્ત્રીકેસરી સ્ત્રીકેસરચક્ર દ્વારા અન્ય સંબંધિત કુળોથી અલગ તારવી શકાય છે.

જાતિવિકાસીય (phylogenetic) સંબંધોની દૃષ્ટિએ આ કુળ દ્વિદળી વર્ગના સૌથી આદ્ય કુળો પૈકીનું એક ગણાય છે. દ જ્યુસી(1783)એ આપેલા આ મંતવ્યને બેન્થામ અને હુકર (1862–1883), બેસી (1915),  હચિન્સન (1948), તખ્તાજાન (1980), ક્રૉન્ક્વિસ્ટ (1981), ડહાલગ્રીન (1983) – જેવા આધુનિક વર્ગીકરણવિજ્ઞાનીઓ અનુમોદન આપે છે. ઍંગ્લર-પ્રેન્ટલ, રૅંડલ, પૂલ અને લૉરેન્સ ઍમેન્ટીફેરીનાં કુળોને આદ્ય ગણે છે. જોકે આધુનિક સંશોધનો ઍંગ્લરવાદને ટેકો આપતાં નથી.

Paeonia પ્રજાતિને રાનેલ્સ ગોત્રથી અલગ કરી પેરાઇટેલ્સ ગોત્રમાં ડિલેનિયેસી કુળની નજીક નવા એકપ્રજાતીય (unigeneric) કુળ પીઓનીએસીમાં મૂકવામાં  છે.

Aconitum ferox (વછનાગ), A. heterophyllum (અતિવિષ) અને A. napellus હિમાલયના શીતપ્રદેશોમાં થાય છે. તેનાં સાકંદમૂળમાં એકોનાઇટ નામનું આલ્કેલૉઇડ મળી આવે છે; જે જ્વરહારક તરીકે અને મસ્તિષ્ક-ચેતાતંત્રના દુખાવા ઉપર અકસીર છે. તેના મૂળનો લેપ સંધિવા મટાડે છે.

Anemone blanda, A. candensis, A. coronaria, A. japonica, A. quinquefolia વગેરે વિદેશી જાતિઓનો ભારતમાં શોભન-વનસ્પતિઓ તરીકે પ્રવેશ કરાવવામાં આવ્યો છે. A. biflora, A. obtusiloba, A. rivularis, A. rupicola, A. tetrasepala અને A. vitifolia ભારતની જાણીતી શોભન-જાતિઓ છે. A. pulsatilla હિમાલયની પ્રખ્યાત ઔષધિ છે. હોમિયોપથીનું ‘પુલ્સ્તાટીલા’ ઔષધ તેના મૂળમાંથી બનાવવામાં આવે છે. તે સ્ત્રીઓના પ્રદર ઉપર, વધુ પડતા માસિક સ્રાવ અને માનસિક તણાવમાં ઉપયોગી છે.

Clematis gauriana (મોરવેલ) ડાંગ, ગીર, પંચમહાલ, રાજપીપળાનાં જંગલોમાં ઊગે છે. તે વનસ્પતિ ઝેરી ગણાય છે. તેનાં પર્ણોની લૂગદી ગડગૂમડ ઉપર, સંધિવા અને હાડકાંના દુખાવા ઉપર વપરાય છે.

Ranunculus scleratus (જલધાણા) ઉત્તર ગુજરાત, સાબરમતી અને નર્મદાના ભાઠામાં નૈસર્ગિક રીતે ઊગે છે. તેનાં મૂળ અને પર્ણોનો ઉકાળો ન્યૂમોનિયા અને શરદીમાં ઉપયોગી છે. હોમિયોપથી અનુસાર તે પીડાશામક ગણાય છે. શુષ્ક બીજનું ચૂર્ણ દાંતના દુખાવા અને મોઢાની દુર્ગંધનો નાશ કરે છે.

કાળી જીરી(Nigella sativa)નો ઉકાળો વિષમજ્વરમાં ઉપયોગી છે. બીજનો લેપ માથાનો દુખાવો અને આધાશીશી ઉપર અને મૂળનો લેપ સંધિવામાં ઉપયોગમાં લેવાય છે.

આ ઉપરાંત, Delphinium ajacis ઉદ્યાનોમાં શોભન-વનસ્પતિ તરીકે ઉછેરવામાં આવે છે. D. elatum હિમાલયમાં થાય છે. તેના મૂળનું ચૂર્ણ હૃદયરોગ અને શ્વસનરોગમાં અને બીજ અને પર્ણનો ઉકાળો કમળામાં ઉપયોગી છે. તેનો લેપ બરોળનો સોજો મટાડે છે. Aquilegia, Helleborus, Thalictrum, Ranunculus અને Trollius પ્રજાતિઓની ઘણી જાતિઓ શોભન-વનસ્પતિઓ તરીકે ઉદ્યાનોમાં ઉગાડવામાં આવે છે.

જૈમિન વિ. જોશી

બળદેવભાઈ પટેલ