રેટિક્યુલો-એન્ડોથેલિયલ તંત્ર

January, 2004

રેટિક્યુલો-એન્ડોથેલિયલ તંત્ર : રોગપ્રતિકાર માટે ભક્ષકકોષો (phagocytes) ધરાવતું તંત્ર. તેને જાલતન્વી અથવા તનુતન્ત્વી-અંતછદીય તંત્ર (reticulo-endothelial system, RES) કહે છે. આ કોષો મધ્યપેશી(mesenchyme)માંથી વિકસે છે. આ તંત્રના કોષો ઝીણા તાંતણાવાળી જાળીમયી પેશીમાં હોય છે, માટે તેમને ‘તનુતન્ત્વી’ કે ‘જાલતન્ત્વી’ (reticular) કહે છે. તેઓ નસો(વાહિનીઓ)ના અંદરના પોલાણ પર આચ્છાદન (lining) કરતા કોષોના સ્તર (અંતછદ, endothelium) સાથે પણ સંકળાયેલા હોવાથી તેમને ‘અંતછદીય’ કહે છે. ઘણાં વર્ષોથી એ જાણમાં છે કે જો કોઈ પ્રાણી કે વ્યક્તિના શરીરમાં ટ્રિફાન-બ્લ્યૂ કે લિથિયમ કાર્બાઇન નામનાં રંગદ્રવ્યોને પ્રવેશાવવામાં આવે તો તેમનાં કણોનું શરીરના ભક્ષકકોષો ભક્ષણ કરે છે અને તેથી તેઓ તેમનાથી અભિરંજિત (stained) થાય છે. તે દ્વારા જણાયું છે કે આ કોષો જાળીમય સંધાનપેશી અને નસોની અંતછદ પર ચોંટેલા હોય છે. તેને કારણે સન 1915માં એશ્કોફ અને લેન્ડોએ આ કોષોના સમૂહને જાલતન્ત્વી (તનુતન્ત્વી) અંતછદીય તંત્ર એવું નામ આપ્યું છે. શરીરમાંના મોટાભાગના કોષો પૂર્ણવિકસિત સ્થિતિમાં નિશ્ચિત કાર્ય કરતા અને નિશ્ચિત ઘાટ ધરાવતા હોય છે, પરંતુ RESના કોષો પ્રાગર્ભીય (embryonic) લાક્ષણિકતાઓ ધરાવે છે અને તેઓ પોતાનાં આકાર, કદ અને ક્રિયાપદ્ધતિ બદલી શકે છે અને તેથી તેઓ અન્ય કોષોમાં પણ રૂપાંતરિત થઈ શકે છે.

વર્ગીકરણ : તેમને મુખ્ય 2 જૂથમાં વહેંચવામાં આવે છે : અચલ કોષો (fixed cells) અને ચલનશીલ કોષો (wandering cells). અચલ કોષોના મુખ્ય 4 ઉપપ્રકારો છે – પેશીસ્થિત ઊતકકોષો (tissue histiocytes), જાલન્ત્વી કોષો (reticulum cells), અંતછદીય (endothelial) કોષો તથા સૂક્ષ્મમૃદુપેશી (microglia). પેશીસ્થિત ઊતકકોષો શરીરમાંની સંયોજી પેશી અથવા સંધાનપેશી (connective tissue) તથા અવયવોનું બહારનું આવરણ બનાવતી સરસકલા(serosa)માં હોય છે. તેથી તે ફેફસાંની આસપાસની પરિફેફસી કલા (pleura) તથા પેટમાંના અગ્રઉદરપટલ(omentum)માં જોવા મળે છે. તેઓ જ્યારે રોગ પ્રતિકાર કરવા માટે જરૂરી ઉત્તેજના મેળવે ત્યારે ચલનશીલ (motile) થઈને ચેપ કે ઈજાના સ્થાને પહોંચવા ગતિ કરે છે. બરોળ, લસિકાગ્રંથિ (lymphnode) અને લોહીના કોષોનું પ્રસર્જન કરતી તથા હાડકાંના પોલાણમાં આવેલી અસ્થિમજ્જા(bone marrow)માં જાળીમય રચના હોય છે. આવી જાલમય (reticular) રચના કરતા કોષોને જાલતન્વી અથવા તનુતન્ત્વી કોષો કહે છે. તેઓ પણ યોગ્ય ઉત્તેજનાની હાજરીમાં ચલનશીલ બને છે. બરોળ, અસ્થિમજ્જા, અધિવૃક્ક-બાહ્યક ગ્રંથિ (adrenal cortex), પીયૂષિકા ગ્રંથિ (pituitary gland), યકૃત વગેરેમાં લોહી ભરેલી વિવરિકાઓ (sinuses) અથવા સૂક્ષ્મ પોલાણો હોય છે. આ પોલાણોની અંદરની દીવાલ પર આચ્છાદિત કોષોને અંતછદીય કોષો કહે છે. તેમાં યકૃતમાંના કોષો મોટા તથા ચપટા હોય છે. તેમને કુપ્ફરના કોષો કહે છે. કેન્દ્રીય ચેતાતંત્ર(મગજ, કરોડરજ્જુ)માં ચેતાકોષોની વચ્ચેની સંધાનપેશી વિશિષ્ટ પ્રકારની હોય છે. તેને સૂક્ષ્મમૃદુપેશી (microglia) કહે છે. આ ચારેય પ્રકારના કોષો રોગપ્રતિકારમાં સક્રિય હોય છે.

રેટિક્યુલો-એન્ડોથેલિયમ તંત્ર : (અ) અસ્થિમજ્જાના કોષભક્ષક કોષો, (આ) સંયોજી પેશીમાંના મહાભક્ષક કોષો, (ઇ) બરોળમાંની જાલતન્ત્વી પેશી, (ઈ) લસિકા- ગ્રંથિમાંના ભક્ષક-કોષો, (ઉ) અધિવૃક્ક ગ્રંથિના ભક્ષક કોષો, (ઊ) યકૃતમાંના કુપ્ફર કોષો.

ચલનશીલ કોષો મુખ્યત્વે 2 પ્રકારના હોય છે : ચલનશીલ ઊતકકોષો (wandering histiocytes) તથા લોહીમાં પરિભ્રમણ કરતા એકકોષકેન્દ્રી (monocytes) કોષો. પેશીમાંના ચલનશીલ કોષોને મહાભક્ષકકોષો (macrophages) પણ કહે છે. પ્રાકૃતિક મારકકોષો (natural killer cells) તથા લોહીના શ્વેતકોષો પણ કોષભક્ષણ(phagocytosis)નું કાર્ય કરે છે.

RESનું કાર્ય : તેનું મુખ્ય કાર્ય રોગકારક કોષો, જીવાણુઓ તથા દ્રવ્યનું ભક્ષણ કરીને પેશીને ચેપ કે ઈજાથી બચાવવાનું છે. જે પ્રતિરક્ષાક્ષમ (immuno-competent) કોષો હોય તેઓ જે તે બાહ્ય દ્રવ્ય સામે પ્રતિદ્રવ્ય (antibody) પણ બનાવે છે. લોહીના રક્તકોષો તથા શ્વેતકોષો બનાવતા આદિકોષો RESના સભ્યો ગણાય છે. બરોળમાંના RES કોષો વૃદ્ધ અને વિકૃત રક્તકોષો તથા શ્વેતકોષોનો નાશ કરે છે. આમ આ તંત્ર લોહીના કોષોના ઉત્પાદનમાં તથા વૃદ્ધકોષોના નાશમાં સક્રિય છે. પેશીમાંના અચલ કે ચલનશીલ કોષો ઈજાને કારણે પેશીમાં જે કચરો જમા થયો હોય તેને દૂર કરે છે. આમ તે સફાઈ કર્મીઓ જેવું કાર્ય કરે છે. યકૃતમાં બનતા પિત્તમાંના વર્ણકદ્રવ્યો (pigments) RES કોષો બનાવે છે. તેઓ મેદ, કૉલેસ્ટેરોલ તથા લોહનો સંગ્રહ કરે છે અને ગ્લોબ્યુલિન નામના પ્રોટીનના ઉત્પાદનમાં સક્રિય રહે છે. આ કોષો અવિભેદિત (undifferentiated) હોવાથી ચેપ કે ઈજા પછીના સમારકામમાં તંતુઓ બનાવતા તંતુબીજકોષો (fibroblast) બનીને તે પેશીના સમારકામમાં પણ સક્રિય રહે છે.

મનોજ જે. શાહ

શિલીન નં. શુક્લ

ધવલ જેટલી