રેટન, મેરી લૂ

January, 2004

રેટન, મેરી લૂ (જ. 24 જાન્યુઆરી 1968, ફરમૉન્ટ, વેસ્ટ વર્જિનિયા, યુ.એસ.) : અમેરિકાનાં અંગકસરત(gymnastics)નાં મહિલા ખેલાડી. 1984માં એટલે કે પશ્ચિમ યુરોપના બહિષ્કારના વર્ષે લૉસ ઍન્જલીઝ ખાતેના ઓલિમ્પિક રમતોત્સવમાં તેઓ પ્રેક્ષકસમૂહનાં લાડકાં ખેલાડી બની રહ્યાં હતાં. તેઓ 1.44 મી. જેટલા નાના કદનાં હતાં, પણ તેમનું કૌશલ્ય પ્રભાવક હતું. કાંડાની ઈજાને કારણે તેઓ 1983ના વિશ્વ રમતોત્સવમાં ભાગ લઈ શક્યાં ન હતાં, જોકે એ વર્ષના અંતે ચુનીચી કપની સ્પર્ધામાં આ રમતના વિશ્વના ઉત્તમ ખેલાડીઓને હાર આપી હતી. તેમની કારકિર્દીની સૌથી પહેલી મહત્વની સ્પર્ધા તે 16 વર્ષની વયે ઓલિમ્પિક રમતોત્સવમાં પ્રારંભ. ફ્લોર એટલે કે સમતળ સપાટી પરના વ્યાયામમાં તેમણે પૂરેપૂરા દશ આંકનો સ્કોર નોંધાવી પોતાના ચાહકો અને પોતાના પ્રશિક્ષકની અપેક્ષાઓ સંતોષી હતી, પણ તેઓ અને એક્ટેરિના-ઝેબો સુવર્ણ ચન્દ્રક માટે સરખાં (tie) ઊતર્યાં હતાં. આ ઉપરાંત તેઓ એક રજત ચન્દ્રક અને 2 કાંસ્ય ચન્દ્રકનાં વિજેતા નીવડ્યાં હતાં. ટીમ સ્પર્ધા માટે પણ તેઓ રજત ચન્દ્રકનાં વિજેતા બન્યાં હતાં.

મહેશ ચોકસી