રૅટિગન, ટેરન્સ મર્વિન (સર)

January, 2004

રૅટિગન, ટેરન્સ મર્વિન (સર) (જ. 10 જૂન 1911, લંડન; અ. 30 નવેમ્બર 1977, હેમિલ્ટન, બર્મૂડા) : લોકપ્રિય બ્રિટિશ નાટ્યકાર. પિતા રાજદ્વારી નોકરીમાં. શિક્ષણ હૅરો અને ટ્રિનિટી કૉલેજ, ઑક્સફર્ડમાં. 25 વર્ષની વયે તેમનું પ્રતિષ્ઠિત પ્રહસન, ‘ફ્રેન્ચ વિધાઉટ ટિયર્સ’ (1936) વેસ્ટ એન્ડ થિયેટરમાં ભજવાયેલું. ‘વ્હાઇલ ધ સન શાઇન્સ’ (1943) પણ તેમનું પ્રસિદ્ધ પ્રહ્સન છે. આ ઉપરાંત ‘લવ ઇન આઇડલનેસ’ (1944), ‘ધ વિન્સ્લો બૉય’ (1946), ‘ધ બ્રાઉનિંગ વર્ઝન’ (1948), ‘ધ ડીપ બ્લૂ સી’ (1952), ‘વૅરિયેશન્સ ઑન અ થીમ’ (1958), ‘રૉસ’ (1960), ‘મૅન ઍન્ડ બૉય’ (1963), ‘અ બિક્વેસ્ટ ટુ ધ નેશન’ (1970) અને ‘કૉઝ સેલિબ્રે’ (1977) નોંધપાત્ર નાટકો છે. ‘ધ વિન્સ્લો બૉય’માં નૌકાસૈન્યમાં કૅડેટ તરીકે ભરતી થયેલ પોતાના પુત્રને ચોરીના આરોપમાંથી બચાવવા માટે એક પિતાનો સંઘર્ષ રજૂ થયો છે. તેને ન્યૂયૉર્ક ક્રિટિક્સ ઍવૉર્ડથી નવાજવામાં આવેલું. ‘ધ બાઉનિંગ વર્ઝન’માં ક્રૉકર હૅરિસ નામના વિદ્યાર્થીઓમાં અપ્રિય અને ભીરુ માનસવાળા એક શિક્ષક અને તેની બેવફા પત્નીનું ચરિત્રચિત્રણ છે. ‘ધ ડીપ બ્લૂ’માં નાયિકા ન્યાયાધીશની પત્ની છે અને તે એક પાઇલટના પ્રેમમાં ગળાડૂબ છે. ‘સેપરેટ ટેબલ્સ’ (1945) તેમનાં શ્રેષ્ઠ એકાંકીઓ છે. તેમનો વિષય સામાજિક રૂઢિરિવાજોને લીધે વૈફલ્યની લાગણી અનુભવતાં અને પોતાને હડધૂત થયેલાં માનતાં, એકલાં પડી ગયેલાં પાત્રોની દુનિયા છે. ‘રૉસ’માં ટી. ઇ. લૉરેન્સનું જીવનચરિત્ર છે. ‘અ બિક્વેસ્ટ ટુ ધ નેશન’ નૌકાધિપતિ લૉર્ડ નેલ્સનના જીવન પર આધારિત છે. ‘કૉઝ સેલિબ્રે’માં ખૂનના આરોપ માટે ચાલી ગયેલા ખટલાની રજૂઆત છે. 1953માં તે સમય સુધીનાં તેમનાં તમામ નાટકોનું પ્રકાશન થયું હતું. હજુ પણ તેમનાં નાટકો ઇંગ્લૅન્ડ અને અમેરિકાના રંગમંચ પર ભજવાય છે. દૂરદર્શન માટે પણ તેમણે કેટલાંક નાટકો લખ્યાં છે. ‘ધ યલો રૉલ્સ રૉઇસ’ (1965) અને ‘ગુડબાય, મિસ્ટર ચિપ્સ’ (1968) નામનાં ચલચિત્રો તેમનાં નાટકો પરથી નિર્માયાં છે. રંગમંચ માટેની તેમની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ 1971માં તેમને ‘સર’ના ઇલકાબથી સન્માનવામાં આવ્યા હતા. રૅટિગનનું જીવનચરિત્ર 1979માં ડાર્લો અને જી હૉડ્સને લખ્યું છે.

વિ. પ્ર. ત્રિવેદી