રેચકો : મળત્યાગમાં સહાયક ઔષધો. તેઓ જઠર-આંતરડાંના બનેલા માર્ગમાં આહારની ગતિ વધારે છે. તેઓ મુખ્યત્વે 3 પ્રકારનાં હોય છે – ઉત્ક્ષોભકો (irritants) અથવા ઉત્તેજકો (stimulants), દળવર્ધકો (bulk forming) અને મૃદુમળકારકો (stool softeners).

() ઉત્ક્ષોભકો અથવા ઉત્તેજકો : તેઓ આંતરડાંનું ઉત્તેજન કરીને તેની ગતિ વધારે છે. દિવેલ અથવા એરંડિયા(castor oil)નું નાના આંતરડામાં પાચન થાય છે અને તેમાંથી રિસિનોલિક ઍસિડ બને છે. તે આંતરડામાં ઉત્ક્ષોભન (irritation) કરે છે અને તેની લહેરીગતિ (peristalsis) વધારે છે. કૅસ્કારા (cascara), સોનપત્તી (senna) તથા ઍલોઇ(aloe)માં ઇમોડિન નામનું દ્રવ્ય છે, જે મોટા આંતરડાની લહેરીગતિ વધારે છે. મોં વાટે આ દ્રવ્યો લીધા પછી ઇમોડિનનું અવશોષણ થાય છે અને 6થી 8 કલાક મોટા આંતરડામાં તેનું સ્રવણ (secretion) થાય છે. તે સમયે તે સક્રિય બને છે. ઇમોડિન માતાના દૂધમાં પણ જાય છે; માટે સ્તન્યપાન કરાવતી માતાના શિશુમાં તેની અસરનું ધ્યાન રાખવું જરૂરી થાય છે. ફિનોલ્ફથેલિન અને બિસેકોડિલ પણ મોટા આંતરડાનું ઉત્તેજન કરે છે. આ બધાં જ જુલાબ તરીકે અસરકારક છે, પણ તેઓ મુખ્ય આડઅસર રૂપે પેટમાં ચૂંક લાવે છે. તેમના લાંબા સમયના ઉપયોગ પછી આંતરડાના સ્નાયુઓની સજ્જતા (tone) ઘટે છે અને તેથી તેમનાં સ્વયંભૂ સંકોચનો ઓછાં બળવાળાં બને છે.

() દળવર્ધકો : ફળો અને શાકભાજીના અર્ધપચિત અથવા અપચનશીલ ભાગમાં જલરાગી કલિલદ્રવ્યો (hydrophilic colloides) હોય છે. તેઓ મોટા આંતરડામાં લુદ્દી (gel) બનાવે છે અને પાણીનો સંગ્રહ કરે છે. તેને કારણે તે ફૂલે છે. મોટા આંતરડામાંના મળનું કદ (દળ) વધે છે અને તેને કારણે આંતરડાની લહેરીગતિ પણ વધે છે. આ પ્રકારની સ્થિતિ અગાર, ઇસબગુલ મિથાઇલ સેલ્યુલોઝ, સાયલિયમ(psylium)નાં બીજ તથા ધાન્યનાં છોડાં(તુષ, bran)ના આહારમાં પણ થાય છે. મૅગ્નેશિયમ સલ્ફેટ તથા મૅગ્નેશિયમ હાઇડ્રૉક્સાઇડ એવા ક્ષારો છે કે જેમનું આંતરડામાં અવશોષણ શક્ય નથી. તેઓ આસૃતિદાબ (osmotic pressure) દ્વારા આંતરડામાં પાણીનો ભરાવો કરાવે છે અને આમ આંતરડાનું કદ વધે છે તથા તેની લહેરીગતિ પણ વધે છે. તેઓ એક કલાકમાં મળત્યાગ કરાવે છે. આ પ્રકારનાં દ્રવ્યોને ક્ષારીય રેચકો (saline cathartics) કહે છે. પૉલિઇથિલીન ગ્યાલકોલ સમ-આસૃતિ ધરાવતું દ્રવ્ય છે. તેની મદદથી મોટા આંતરડાનું શોધન (lavage) કરીને મળત્યાગ કરાવી શકાય છે. મોટા આંતરડાનાં એક્સ-રે-ચિત્રણો મેળવવા માટે કે મોટા આંતરડામાં અંત:દર્શક (endoscope) વડે તપાસ કરવા માટે જે પૂર્વતૈયારી કરાય છે તેમાં પણ તેનો વિશિષ્ટ ઉપયોગ કરાય છે. ફ્રુક્ટોઝ તથા ગેલૅક્ટોઝમાંથી અર્ધસંશ્લેષણ (semi-synthesis) દ્વારા લેકચ્યુલોઝ બનાવાય છે. તે એક પ્રકારની દ્વિશર્કરા (disaccharide) છે. તે પણ આંતરડામાં આસૃતિદાબજન્ય રેચક તરીકે કાર્ય કરે છે.

() મૃદુમળકારકો : ડૉક્સેટ સોડિયમ, મિનરલ તેલ તથા મળમાર્ગી ગ્લિસરીનનો ઉપયોગ મળને પોચો કરવા માટે કરાય છે. તેઓ મળની સપાટી સાથે સંસર્ગમાં આવીને તૈલનિલંબન (emulsion) કરે છે અને આ રીતે મળને મૃદુ કરીને રેચન કરે છે. આ ઉપરાંત મળમાર્ગે પ્રવાહી ચઢાવીને બસ્તિ (enema) આપવાથી પણ રેચન કરાય છે. આવા પ્રકારના રેચન માટે મળનાં દ્રવ્યોમાં સાદું પાણી અથવા તેલ-સાબુનું મંદ દ્રાવણ પણ વપરાય છે.

શિવાની શિ. શુક્લ

શિલીન નં. શુક્લ