રેગ્યુલેટિંગ ઍક્ટ, 1773

January, 2004

રેગ્યુલેટિંગ ઍક્ટ, 1773 : ઈસ્ટ ઇંડિયા કંપનીના ભારતમાંના વહીવટ ઉપર બ્રિટિશ તાજનો અંકુશ સ્થાપતો પ્રથમ કાયદો. ભારતના બંધારણીય વિકાસમાં રેગ્યુલેટિંગ ઍક્ટ પ્રથમ મહાન સીમાચિહન સમાન હતો. એપ્રિલ 1772માં ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વિવિધ કાર્યવાહીની તપાસ કરવા વાસ્તે એક સમિતિ નીમી. કંપની દ્વારા કરવામાં આવતું પુષ્કળ ખર્ચ, વહીવટી અરાજકતા, કંપનીના અધિકારીઓ દ્વારા કરવામાં આવતો અતિશય ભ્રષ્ટાચાર તથા અવ્યવસ્થાની ફરિયાદો થવાથી પાર્લમેન્ટે આ સમિતિ નીમવી પડી હતી. આ સમિતિએ મે 1773માં તેનો આખરી હેવાલ આપી દીધો. ત્યારબાદ પાર્લમેન્ટે 1773નો રેગ્યુલેટિંગ ઍક્ટ પસાર કર્યો.

આ કાયદા પ્રમાણે કંપનીના નિયામકોને ચાર વર્ષ માટે ચૂંટવાની તથા પ્રતિવર્ષ 3 સભ્યો નિવૃત્ત થાય એવી જોગવાઈ કરવામાં આવી. આ કાયદા મુજબ ઓછામાં ઓછા  1,000ના શૅરધારકોને કંપનીના નિયામકો ચૂંટવા માટે મતાધિકાર આપવામાં આવ્યો. બંગાળનો ગવર્નર હવે પછી ગવર્નર-જનરલ બન્યો અને તેની કાઉન્સિલમાં ચાર સભ્યો નીમવાની જોગવાઈ કરવામાં આવી. આ સભ્યોની નિમણૂક પાંચ વર્ષ માટે કરવાની હતી. ગવર્નર-જનરલે કાઉન્સિલની બહુમતીના અભિપ્રાય અનુસાર વર્તવાનું હતું. ગવર્નર-જનરલને મુંબઈ તથા મદ્રાસ (ચેન્નાઈ) ઇલાકાના કામકાજ ઉપર દેખરેખ તથા અંકુશ રાખવાની સત્તા આપવામાં આવી.

મુંબઈ તથા મદ્રાસ(ચેન્નાઈ)ના ગવર્નરોએ બંગાળના ગવર્નર-જનરલ-ઇન કાઉન્સિલના હુકમોનું પાલન કરવું જોઈએ. કંપની સરકારને લગતી બાબતો, તેની આવકો, કંપનીના હિતને લગતા સમાચાર, ગુપ્ત માહિતી, બાતમી વગેરે ગવર્નર-જનરલને તેમણે મોકલવી જોઈએ. તેમણે ઘડેલા કાયદા તથા નિયમો પણ ગવર્નર-જનરલને મોકલી આપવા જોઈએ. તેઓ તેમની ફરજ બરાબર ન બજાવે અથવા ગવર્નર-જનરલના હુકમોનું પાલન ન કરે તો ગવર્નર-જનરલ તેમને હોદ્દા પરથી દૂર કરી શકે.

ગવર્નર-જનરલ-ઇન કાઉન્સિલને કંપનીની વસાહતો તથા ધંધાની કોઠીઓનાં સ્થળોની વ્યવસ્થા તથા વહીવટ માટેના નિયમો, વટહુકમો અને કાયદા ઘડવાની સત્તા આપવામાં આવી. આ કાયદા ઇંગ્લૅન્ડના કાયદાની વિરુદ્ધ જવા જોઈએ નહિ.

આ કાયદા મુજબ કોલકાતામાં એક સર્વોચ્ચ અદાલત સ્થાપવાની તથા તેમાં એક મુખ્ય ન્યાયમૂર્તિ અને બીજા ત્રણ ન્યાયમૂર્તિઓ નીમવાની જોગવાઈ કરવામાં આવી. આ સર્વોચ્ચ અદાલતને દીવાની, ફોજદારી, નૌકાસેનાને લગતા (admiralty) તથા ચર્ચને લગતા કેસો ચલાવવાની સત્તા આપવામાં આવી. તેનું કાર્યક્ષેત્ર મૂળ કેસો ચલાવવાનું તથા અપીલો સાંભળવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

આ કાયદા દ્વારા કંપનીના નોકરોને ભેટ, નજરાણું, દાન, આર્થિક બદલો અથવા લાંચ લેવા પર તથા ખાનગી વેપાર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.

આ કાયદા દ્વારા ગવર્નર-જનરલનો વાર્ષિક પગાર £ 25,000; કાઉન્સિલના પ્રત્યેક સભ્યનો £ 10,000; મુખ્ય ન્યાયમૂર્તિનો £ 8,000 તથા અન્ય ન્યાયમૂર્તિઓનો £ 6,000 નક્કી કરવામાં આવ્યો.

આ કાયદામાં અનેક ખામીઓ રહી ગઈ હોવાથી 1781માં તેમાં જરૂરી સુધારા કરવામાં આવ્યા હતા.

જયકુમાર ર. શુક્લ