રેખતા : એક પ્રકારની ગઝલ તેમજ ઉર્દૂ ભાષાના આરંભિક સ્વરૂપનો નિર્દેશ કરતી સંજ્ઞા. મૂળ ફારસી ધાતુ ‘રેખ્તન’ અર્થાત્ રેડવું ઉપરથી ‘રેખતા’ શબ્દ બન્યો છે. એની રૂપનિર્મિતિ અરબી, ફારસી, તુર્કી, હિંદી શબ્દોને આભારી છે. ઓગણીસમી સદીના આરંભ સુધી ઉર્દૂને હિંદી, હિંદવી, દહેલવી, રેખ્તા, હિંદુસ્તાની, દકની, ગુજરાતી વગેરે નામોથી ઓળખવામાં આવતી હતી. 1802માં ગવર્નર-જનરલ મિ. બેલિજ એક લેખમાં નોંધે છે કે, હિંદુસ્તાની ભાષા જે હિંદી, ઉર્દૂ અને રેખ્તા પણ કહેવાય છે તે અરબી, ફારસી અને સંસ્કૃત ભાષાઓનું મિશ્રણ છે. તે પૂર્વે પણ ભારતમાં પ્રચલિત હતી. આરબ વેપારીઓની અવરજવર, મુસલમાનોનાં આક્રમણ અને સત્તાને લીધે અરબી-ફારસી ભાષાના શબ્દો મોટા પ્રમાણમાં આ ભાષામાં પ્રવેશ્યા અને એક નવી ભાષા જન્મી. ઉર્દૂ ભાષાની સાહિત્યિક પ્રતિષ્ઠા થતાં ‘રેખતા’ શબ્દ ઉપયોગમાં આવ્યો. પણ આ શબ્દ વધુ પડતો સાહિત્યિક સંદર્ભમાં વપરાતો હતો. ફારસી સાથે તેનો સંબંધ દર્શાવાતો. એટલે જ ઉર્દૂ કવિઓ મુશાયરામાં પોતાની કવિતાનું પઠન કરતાં તેને ‘મરાખતા’ કહેતા. તેરમી, ચૌદમી અને પંદરમી સદીમાં લોકભાષા તરીકે તેનું મહત્વ રહ્યું. આ સમય સૂફીવાદ અને ભક્તિમાર્ગની પરાકાષ્ઠાનો હતો. અમીર ખુસરો, ગુરુ નાનક, અલખદાસ, કબીર જેવા સૂફી સંતોએ તેનું પ્રતિનિધિત્વ કર્યું. તો ગુજરાતીમાં મધ્યકાળમાં મીરાંબાઈ, દયારામ જેવાની કવિતામાં રેખતાની અસર વર્તાય છે. મોટાભાગે શૃંગારનો ભાવ એમાં હોય છે. સ્ત્રીનાં અંગ-ઉપાંગોને એમાં મુહાવરેદાર અને અલંકૃત શૈલીમાં રજૂ કરાય છે. મીરે એવું કર્યું છે. ગાલિબ પણ પોતાના એક શેરમાં પોતાના પૂર્વસૂરિઓમાં પણ રેખતા પ્રચલિત હોવાનો પુરાવો આપે છે.
રશીદ મીર