રેક્વેના (Requena) : પૂર્વ સ્પેનના વેલેન્શિયા પ્રાંતમાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : તે 39° 30´ ઉ. અ. અને 1° 03´ પ. રે. પર, સમુદ્રસપાટીથી 692 મીટરની ઊંચાઈએ રિયો નીગ્રો(નદી)ના ડાબા કાંઠે આવેલું છે. તેની નીચે તરફ ઊતિયેલનાં મેદાનો આવેલાં છે.

રેક્વેના ઘણા લાંબા વખતથી ખેતીપેદાશોનું અગત્યનું મથક બની રહેલું છે. દ્રાક્ષ, ઑલિવ, ઓટ તેમજ અન્ય ધાન્ય પેદાશો ઉગાડાય છે. રેશમ અને લિનન પર નભતો અહીંનો એક વારનો કાપડઉદ્યોગ હવે કૃત્રિમ રેસાઓ પર ચાલે છે. તે આજે પણ કાપડઉદ્યોગના મથક તરીકે જાણીતું છે. નવા વિકસેલા ઉદ્યોગોમાં ધાતુપ્રક્રમણના તેમજ ઈંટો બનાવવાના અને રાચરચીલાના એકમોનો સમાવેશ થાય છે. દારૂ બનાવતા સહકારી એકમો લોકપ્રિય બનેલા ‘રેડ વાઇન્ટેજ’ દારૂનું ઉત્પાદન કરે છે. ચૌદમી સદીનાં સુંદર ગૉથિક શૈલી ધરાવતાં સાલ્વાડૉરનાં ચર્ચ તથા સાન્ટા મારિયા અહીં આવેલાં છે.

રેક્વેનાના આ સ્થળ પર ઘણા લાંબા કાળથી વસાહતો હતી. તે પૈકીના પ્રાગૈતિહાસિક કાળના કેટલાક અવશેષો આજે પણ જોવા મળે છે. ફિનિશિયનો, ગ્રીકો, રોમનો અને મુસ્લિમોના કબજા હેઠળ આ પ્રદેશ રહેલો તેના પુરાવા પણ મળી રહે છે. બારમી અને તેરમી સદી દરમિયાન  આ સ્થળ મૂર અને ખ્રિસ્તીઓ વચ્ચે થયેલી લડાઈઓનું રણક્ષેત્ર બની રહેલું. 1830ના દાયકાનાં કાર્લિસ્ટ યુદ્ધોમાં રેક્વેનાનાં દળોએ કાર્લિસ્ટ દળોના હુમલાઓ સામે પ્રતિકાર કરેલો.

જાહ્નવી ભટ્ટ