રૅબ, ડૅવિડ (વિલિયમ) (જ. 10 માર્ચ 1940, ડુબુક, આયોવા) : અમેરિકન નાટ્યકાર. ડુબુકની લૉરસ કૉલેજમાંથી 1962માં અંગ્રેજીમાં બી.એ.; વિલનૉવા યુનિવર્સિટી, પેનસિલવૅનિયામાંથી 1968માં એમ.એ.; 1965–67 દરમિયાન યુ.એસ. લશ્કરી દળમાં સેવા આપી. 1969–70 સુધી કનેક્ટિકટના ‘ન્યૂ હેવન રજિસ્ટર’માં ફીચર-લેખક તરીકે જોડાયા. વિલનૉવા યુનિવર્સિટીમાં 1970–72 સુધી મદદનીશ પ્રાધ્યાપક રહ્યા અને 1977થી પરામર્શક થયા.

તેમને મળેલાં સન્માનો આ મુજબ છે : રૉકફેલર ગ્રાન્ટ, 1967; પત્રકારત્વ માટે ‘એસોસિયેટેડ પ્રેસ ઍવૉર્ડ, 1970; ઓબી ઍવૉર્ડ, 1971; ટોની ઍવૉર્ડ, 1972; આઉટર સર્કલ એવૉર્ડ, 1972; ન્યૂયૉર્ક ડ્રામા ક્રિટિક્સ સર્કલ સાઇટેશન, 1972 તથા ઍવૉર્ડ, 1976; વેરાયટી એવૉર્ડ, 1972; ડ્રામૅટિસ્ટ ગિલ્ડ હલવૉરિનર એવૉર્ડ, 1972; અમેરિકન એકૅડેમી એવૉર્ડ, 1974 તથા ગુગનહાઇમ ફેલોશિપ, 1976.

‘સ્ટિક્સ ઍન્ડ બોન્સ’ (1973), ‘ધી ઑર્ફન’ (1975); ‘ઇન ધ બૂમ બૂમ રૂમ’ (1986); ‘સ્ટ્રીમર્સ’ (1977); ‘ગૂઝ ઍન્ડ ટૉમટૉમ’ (1986); ‘હર્લીબર્લી’ (1990) તથા ‘ધોઝ ધ રિવર કીપ્સ’ (1999) – એ તેમની નાટ્યકૃતિઓ છે; જ્યારે ‘આઇ ઍમ ડૅન્સિંગ ઍઝ ફાસ્ટ ઍઝ આઇ કૅન’ (1982), ‘સ્ટ્રીમર્સ’ (1983) અને ‘કૅઝ્યુઅલ્ટિઝ ઑવ્ વૉર’ (1989) એ તેમની ચિત્રપટકથાઓ છે.

મહેશ ચોકસી