રૅબિડા ટાપુ (Rabida Island) : પૂર્વ પેસિફિક મહાસાગરમાં આવેલા ગાલાપાગોસ ટાપુસમૂહ પૈકીનો એક ટાપુ. ભૌગોલિક સ્થાન : તે 0° 30´ દ. અ. અને 90° 30´ પ. રે.ની નજીકમાં આવેલો છે. તે ઇક્વેડૉરની પશ્ચિમે 985 કિમી. અંતરે આવેલો છે. તે જર્વિસ ટાપુના નામથી પણ ઓળખાય છે. તેનો વિસ્તાર માત્ર 3 ચોકિમી. જેટલો જ છે. આ ટાપુ જ્વાળામુખીજન્ય છે અને તેમાં ઘણાં નાનાં નાનાં જ્વાળામુખો આવેલાં છે.

અઢારમી સદીના બ્રિટિશ ઍડમિરલ, સેન્ટ વિન્સેન્ટના અર્લ જૉન જર્વિસના નામ પરથી તેને જર્વિસ નામ અપાયેલું, પરંતુ તેનું સ્થાનિક ઇક્વેડૉરિયલ નામ આઇલા રૅબિડા છે. આ ટાપુને કિનારે એક ખાડી સરોવર તૈયાર થયેલું છે તે સુરખાબ પંખીઓનું આશ્રયસ્થાન બની રહેલું છે. અહીં કોઈ માનવવસ્તી નથી.

જાહ્નવી ભટ્ટ