રેફ્રિજરેટર

બાહ્ય વાતાવરણના તાપમાન કરતાં નીચું તાપમાન મેળવવા માટેનું કબાટ/પેટી જેવું દેખાતું યાંત્રિક સાધન.

હાલ ઘરગથ્થુ તેમજ ઔદ્યોગિક ઉપયોગ માટે રેફ્રિજરેટરનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. આજે સામાન્ય માણસ પણ આ સાધનથી પરિચિત છે. મટન, ઈંડાં, બ્રેડ, બટર, દવા, ફળો, દૂધ અને દૂધની બનાવટો જેવી અનેક પ્રકારની વસ્તુઓ ઓછા તાપમાને (0°થી 10° સે.) સારી રીતે જળવાઈ રહે છે. સંગ્રહવાના થતા જુદા જુદા પદાર્થોને ધ્યાનમાં રાખીને અનેક પ્રકારનાં જુદાં જુદાં કદનાં રેફ્રિજરેટરો બનાવવામાં આવે છે. આજે તો મધ્યમ વર્ગના કુટુંબને પરવડી શકે તેવું, કોઈ પણ તકનીકી જ્ઞાન ન ધરાવનાર વ્યક્તિ પણ વાપરી શકે તેવું સરળ રચનાવાળું અને સામાન્ય દેખભાળથી ચાલે તેવું રેફ્રિજરેટર બનાવવામાં આવે છે.

રેફ્રિજરેટરનું કૅબિનેટ : દેખાવમાં રેફ્રિજરેટર કબાટ જેવું હોય છે. તેની ક્ષમતા (capacity) મુજબ તેના કૅબિનેટનું કદ બદલાતું રહે છે. તેનું કૅબિનેટ લોખંડના પતરામાંથી બનાવવામાં આવે છે. જ્યારે અંદરના ભાગે પ્લાસ્ટિકનું પડ હોય છે. રેફ્રિજરેટરની અંદરના ભાગ અને બહારના પતરાની વચ્ચે જરૂરી જાડાઈનો અવાહક પદાર્થ (insulating material) ભરવામાં આવે છે કે જેથી કરીને રેફ્રિજરેટરમાંના અંદરના ભાગનું તાપમાન બહારના તાપમાનથી વધુ પડતું નીચું હોય તે જળવાઈ રહે. જો આ અવાહક પદાર્થ રાખવામાં ન આવે તો બહારથી ગરમી અંદર આવી, અંદરના તાપમાનમાં જલદીથી વધારો કરે. અત્યારના ઉપયોગમાં લેવાતા રેફ્રિજરેટરમાં, અવાહક તરીકે પૉલિયુરેથિલિન ફોમ (PUF) નામનો પદાર્થ રાખવામાં આવે છે. આ અવાહકની મદદથી બહારથી અંદર દાખલ થતી ઉષ્માની માત્રા ઘટાડવામાં સારી એવી મદદ મળે છે. રેફ્રિજરેટરની બહારની સપાટી ઉપર રંગનું પડ ચડાવવામાં આવે છે. આ રંગના પડની મદદથી બહારના પતરાને કાટ લાગતો અટકાવી શકાય છે અને જુદા જુદા રંગનો ઉપયોગ કરીને રેફ્રિજરેટરનો બાહ્ય દેખાવ સારો કરી શકાય છે.

રેફ્રિજરેટર

રેફ્રિજરેટરની અંદર ઉપરના ભાગમાં મૂકેલા લંબચોરસ આકારના ખોખામાં બરફ બને છે. આ ભાગ રેફ્રિજરેટરનો સૌથી ઠંડો ભાગ હોય છે. ઠંડી હવાની ઘનતા વધતાં તે આપમેળે ઉપરના ભાગમાંથી નીચેના ભાગમાં વહે છે. અને તેથી જ તેને ઉપરની જગ્યાએ મૂકવામાં આવે છે. આ ખોખાને શીતપેટી (freezer chest) કહેવાય છે.

આ શીતપેટીની નીચેના ભાગમાં રેફ્રિજરેટરની સંગ્રહ કરવાની શક્તિ મુજબ, જુદાં જુદાં ખાનાં હોય છે. આ ખાનાંની ઊંડાઈ રેફ્રિજરેટરની ઊંડાઈ જેટલી અને તેની ઊંચાઈ, રેફ્રિજરેટરના અંદરના કદ ઉપર અને કેટલાં ખાનાં મૂકવામાં આવે છે તેના ઉપર આધારિત છે. આ ઉપરની શીતપેટીમાં તાપમાન ઓછામાં ઓછું હોય છે. અને તેથી તે ભાગમાં, પાણીનો બરફ અથવા દૂધમાંથી આઇસક્રીમ વગેરે બનાવી શકાય છે. કેટલાંક રેફ્રિજરેટરમાં આ ખોખાનું કદ વધુ હોય છે અને તાપમાન –20°થી –30° સે. સુધી રાખવામાં આવે છે. આવા રેફ્રિજરેટરમાં, બે જુદા જુદા દરવાજા મૂકીને બંને ભાગને જુદા પાડવામાં આવ્યા હોય છે.

કેટલાંક રેફ્રિજરેટરમાં આ ખાનાંઓની ઊંચાઈ, વપરાશકારની જરૂરિયાત મુજબ વધારી કે ઘટાડી શકાય છે. આ અભરાઈ (shelf) જાળી જેવી બનાવાય છે. આવી જાળી એટલા માટે બનાવાય છે કે તેમાંથી ઉપરથી આવતી ઠંડી હવા નીચે તરફ સહેલાઈથી વહી જઈ શકે. આ અભરાઈની આજુબાજુ પણ આ જ કારણસર જગ્યા રાખવામાં આવે છે. આ અભરાઈમાં અન્ય બહારના ઊંચા તાપમાને બગડી જઈ શકે તેવાં અને થોડા લાંબા સમય માટે રાખવાનાં હોય તેવાં ફળો તેમજ અન્ય ખાદ્ય પદાર્થો મૂકવામાં આવે છે.

કૅબિનેટના અંદરના ભાગમાં એક વીજળીનો ગોળો બેસાડેલો હોય છે. જ્યારે રેફ્રિજરેટનો દરવાજો બંધ હોય ત્યારે તે બંધ રહે છે અને જ્યારે દરવાજો ખૂલે ત્યારે તે ચાલુ થાય છે, તેથી અંદર વસ્તુઓ મૂકવામાં અથવા અંદરથી વસ્તુઓ બહાર કાઢવામાં સરળતા રહે.

કૅબિનેટની અંદર, રેફ્રિજરેટરની અંદરનું તાપમાન જુદી જુદી ઇચ્છનીય સપાટીએ રાખવા માટે, એક તાપસ્થાપક સ્વિચ (thermostatic switch) મૂકવામાં આવે છે. આ સ્વિચ ઉપર જુદા જુદા કાપા પાડેલા હોય છે, જે મુજબ અંદરના ભાગે જુદું જુદું તાપમાન જાળવી શકાય છે. અંદરનું તાપમાન આવી ગયા બાદ આ સ્વિચની મદદથી રેફ્રિજરેટરને મળતો ઇલેક્ટ્રિક સપ્લાય બંધ થઈ જાય છે અને રેફ્રિજરેટર કાર્ય કરતું બંધ થાય છે. તાપમાન વધે ત્યારે તાપસ્થાપક સ્વિચથી મશીન ફરી ચાલુ થઈ કાર્ય કરતું થઈ જાય છે.

રેફ્રિજરેટરના દરવાજામાં પણ જરૂરી ખાનાં મૂકવામાં આવે છે. આ ખાનાંઓમાં, પાણી, દૂધ વગેરે પ્રવાહીની શીશીઓ, ઈંડાં, બટર, દવાઓ વગેરે મૂકવાની સુવિધા હોય છે.

બહારની ગરમ હવા અંદર પ્રવેશ ન કરે તે હેતુસર, બારણાની ઉપર ગાસ્કેટ લગાડવામાં આવે છે. આ ગાસ્કેટની અંદર ચુંબકત્વવાળી પટ્ટી પણ લગાડેલી હોય છે. તેથી દરવાજો કૅબિનેટને બરાબર ચીટકેલો રહે છે.

રેફ્રિજરેટરના જે ભાગની અંદર બરફ અથવા આઇસક્રીમ બનાવાય/મુકાય છે તેનું તાપમાન 0° સે.થી ઓછું હોય છે. આને લઈને, કૅબિનેટની અંદર રહેલી હવામાંના ભેજનું બરફમાં રૂપાંતર થઈ જાય છે. બરફ અવાહક હોઈ સમયાંતરે આ બરફ દૂર કરવો જરૂરી બને છે. આ પ્રક્રિયાને બરફ કાઢી નાંખવાની પ્રક્રિયા (defrosting) કહે છે. રેફ્રિજરેટરની રચના મુજબ આ વ્યવસ્થાપ્રક્રિયા સ્વયંસંચાલિત અથવા વાપરનારાની અનુકૂળતા મુજબની રાખવામાં આવે છે. આમાં પણ રેફ્રિજરેટરને અમુક ચોક્કસ સમય માટે, સમયાંતરે બંધ કરી, બરફ ઓગાળી તેનું પાણી રેફ્રિજરેટરમાંથી તેમાં મૂકેલી નળી વડે દૂર કરાય છે. આ પાણીનું તાપમાન ખૂબ જ નીચું હોઈ, આ ઠંડા પાણીને નળી વાટે બહાર કાઢી રેફ્રિજરેટરના દાબક(compressor)ની ઉપર મૂકેલી ટ્રેમાં લઈ જવામાં આવે છે. દાબકનો ઉપરનો ભાગ દબાણની પ્રક્રિયાથી ગરમ રહેતો હોઈ તે ઊંચા તાપમાનને લઈને ઉત્પન્ન થતા પ્રશ્ર્નો ઊભા ન થાય તેથી આ ઠંડું પાણી તેને ઠંડું કરે છે અને પાણીની વરાળ થઈ, આજુબાજુની હવામાં જતી રહે છે.

રેફ્રિજરેટરમાં વપરાતા જુદા જુદા ભાગો અને તેનાં કાર્ય : ઘરમાં વપરાતા રેફ્રિજરેટરમાં નીચેના મૂળભૂત ભાગો હોય છે. (1) દાબક (compressor), (2) ઠારક (condenser), (3) બાષ્પક (evaporator), (4) પ્રસરણ-સાધન (expansion-device), (5) નિયંત્રણો (controls).

આ ભાગોની વિગતો નીચે આપી છે.

ઘરમાં વપરાતા રેફ્રિજરેટરમાં મૂળભૂત ભાગો અને તે ભાગોનાં કાર્ય

અનુ. નં. ભાગનું નામ તેની વિગત તેનું કાર્ય તેની ગોઠવણી
1 2 3 4 5
1. દાબક (compressor) દાબક અને તેની ચાલક મોટર એક જ ડોમમાં બેસાડેલી હોય તેને શિલ્ડ દાબક કહેવાય છે. તે દાબકની ઉપર તેના રક્ષણ માટે જુદા જુદા પ્રકારનાં નિયંત્રકો (controls) મૂકવામાં આવે છે. દાબક, નીચા દબાણવાળા રેફ્રિજરન્ટને લઈ, તેને ઊંચા દબાણે ફેરવવાનું કાર્ય કરે છે. આ ઊંચું દબાણ એવી રીતે નક્કી થાય છે કે તે ઊંચા દબાણને અનુરૂપ તાપમાનની મદદથી રેફ્રિજરન્ટમાંની ગરમી બહારની હવામાં જઈ શકે અને રેફ્રિજરન્ટનું ઠારણ થઈ શકે. આ દાબક, રેફ્રિજરેટરના સૌથી નીચેના ભાગમાં મૂકવામાં આવે છે.
2. ઠારક (condenser) બે પ્રકારનાં ઠારક વપરાય છે : (1) પ્લેટ પ્રકારનાં, (2) વાયર અને નળી પ્રકારનાં. બીજા પ્રકારના ઠારકમાં ઠારકની કાર્યદક્ષતા વધારવા પતરાની ઊભી પતરીઓ પણ ઠારકમાં મૂકવામાં આવે છે. આ મૂકવાથી ઠારકની નળીઓમાં ધૂળનો ભરાવો જલદી થતો હોઈ તેને પ્રસંગોપાત્ત, હવા મારીને સાફ કરવું જરૂરી છે. આ જાતના ઠારકમાં પંખો હોતો નથી, તેથી ઠારણ માટે જોઈતી હવાનો જથ્થો ઘનતાના તફાવતથી આપમેળે વહે છે. તેની નળીઓ કૉપર/ઍલ્યુમિનિયમમાંથી બનાવાય છે. ઠારકનું કાર્ય, વાયુના સ્વરૂપે દાખલ થતા રેફ્રિજરન્ટનું ઠારણ કરી તેને પ્રવાહીના સ્વરૂપમાં લાવવાનું છે. આ કાર્ય માટે જે ગરમી દૂર કરવી પડે તે બહારની હવામાં જાય છે. રેફ્રિજરેટર એવી રીતે ગોઠવવું જોઈએ કે, આ ઠારણ માટે પૂરતા પ્રમાણમાં હવા ઉપલબ્ધ રહે અને તે હવાનું તાપમાન ખૂબ ઊંચું ન હોય તે જ કારણથી તે દીવાલથી થોડું દૂર મુકાય છે, જેથી હવાનો પૂરતો પ્રવાહ મળી રહે. તે રેફ્રિજરેટરના પાછળના ભાગમાં મૂકવામાં આવે છે. તે કાળા રંગની નળીઓ અને ઊભી પતરીઓવાળું અથવા પતરીઓ વગર પાછળના ભાગમાં જોડેલું હોય છે.
3. બાષ્પક (evaporator) આને શીતન ગૂંચળું (cooling coil) પણ કહેવાય છે. આમાં એક ઍલ્યુમિનિયમના ખોખા જેવા ભાગ ઉપર રેફ્રિજરન્ટ લઈ જતી નળીઓને રેણ કરી બરાબર બેસાડાય છે. તાપમાન 0° સે. અને તેથી ઓછું હોઈ, ફિન્સ વપરાતી નથી અને તેની ઉપર બરફનું આવરણ આવી જાય છે, જે સમયાંતરે દૂર કરવું જરૂરી છે. તેની નળીઓ તાંબા અથવા ઍલ્યુમિનિયમમાંથી બનાવાય છે. નામ દર્શાવે છે તે મુજબ, આ ભાગમાં દાખલ થતા પ્રવાહી રેફ્રિજરન્ટનું વાયુમાં રૂપાંતર થાય છે. આ રૂપાંતર માટે જોઈતી ઉષ્મા, રેફ્રિજરન્ટ આજુબાજુની હવામાંથી મેળવે છે, તેથી આજુબાજુની હવા ઠંડી થાય છે. પૂર્ણપણે ઉષ્માવિનિમય શક્ય ન હોઈ, રેફ્રિજરેટરમાં જેટલું તાપમાન રાખવું હોય તેના કરતાં નીચા તાપમાને બાષ્પક રાખવામાં આવે છે.

તેનું તાપમાન ઓછું હોઈ, તેની નળીઓ ઉપર બરફ જામી જાય છે. બરફ અવાહક હોઈ, તેને દૂર કરવો જરૂરી છે. તે આપમેળે અંદર મૂકેલા હીટરની મદદથી અથવા રેફ્રિજરેટર સંપૂર્ણ બંધ કરી દૂર કરી શકાય છે. કોઈ પણ રેફ્રિજરેટર બાષ્પક ઉપર બરફનું પડ જામ્યા વગર બનાવી શકાતું નથી, કેમ કે અંદરનું તાપમાન જ એટલું હોય છે.

ઠંડી હવાની ઘનતા વધુ હોવાથી તે ઉપરથી નીચે વહે છે અને તેને લઈને ઠંડી હવાનો પ્રવાહ રેફ્રિજરેટરના અંદરના ભાગમાં પંખા વગર પણ શક્ય બને છે. તેથી તેને રેફ્રિજરેટરના ઉપરના ભાગમાં જ ગોઠવવામાં આવે છે.
4. પ્રસરણ-સાધન(expansion- device) રેફ્રિજરેટરમાં વપરાતા પ્રસરણ- રેફ્રિજરેટરમાં વપરાતા પ્રસરણ- સાધનને કેશિકા નળી (capillary tube)  કહેવાય છે. તે એક ખૂબ જ નાના આંતરિક વ્યાસની લાંબી નળી છે. દબાણનો ઘટાડો, ખૂબ જ નાનો વ્યાસ, નળીની લંબાઈ, ઠારક અને બાષ્પકના દબાણના તફાવત ઉપર આધારિત છે. પ્રવાહી રેફ્રિજરન્ટ ઘર્ષણથી જે ગરમી પેદા થાય છે તે તેનામાં જ શોષી લેતો હોઈ થોડા રેફ્રિજરન્ટનું વાયુમાં રૂપાંતર થઈ જાય છે. બાકીનું નીચા દબાણવાળું પ્રવાહી બાષ્પકમાં દાખલ થઈ, આજુબાજુની જગ્યામાંથી ગરમી શોષી વાયુમાં રૂપાંતરિત થાય છે. તેનું કાર્ય ઠારકના દબાણથી બાષ્પકના દબાણ સુધી ઘટાડવાનું છે. આ દબાણ ઘટાડવાથી, રેફ્રિજરન્ટનું નીચા તાપમાને, બાષ્પીકરણ થઈ શકે છે અને તેથી રેફ્રિજરેટરમાં નીચું તાપમાન જાળવી શકાય છે. જેટલું તાપમાન જાળવવું હોય તેની સાપેક્ષતામાં દબાણ ઘટાડવું જરૂરી છે. ઠારક અને બાષ્પકની વચ્ચે મૂકવામાં આવે છે.
5. સંચાયક (accumulator) આ એક થોડા મોટા વ્યાસવાળી નળી જેવો ભાગ હોય છે. જ્યારે રેફ્રિજરેટર બંધ હોય ત્યારે પ્રવાહી રેફ્રિજરન્ટ તેમાં સંગ્રહાય છે. તે તાંબા અથવા ઍલ્યુમિનિયમમાંથી બનાવવામાં આવે છે. પ્રસરણ-સાધન તરીકે વપરાતી કેશિકા નળીમાં વાલ્વ ન હોઈ, નિયંત્રણોથી જ્યારે રેફ્રિજરેટર બંધ થાય ત્યારે બાષ્પકમાંના પ્રવાહી રેફ્રિજરન્ટને સંચાયક તેનામાં એકઠું કરી રાખે છે અને તેને દાબકમાં જતું રોકે છે. જો આમ ન કરવામાં આવે તો દાબકમાંના પ્રવાહી રેફ્રિજરન્ટને લઈને દાબકને નુકસાન પહોંચી શકે છે. બાષ્પકના છેડા ઉપર તેને મૂકવામાં આવે છે. રેફ્રિજરેટરમાં તે, બરફ બનાવવાના ખાનાની ઉપર મૂકેલું હોઈ નરી આંખે જોઈ શકાતું નથી.
6. ચિલરની તાસક (chiller-tray) શીતપેટી(freezer chest)ની નીચે મુકાતી આ એક તાસક આકારની વસ્તુ છે. તે સામાન્યત: પ્લાસ્ટિકમાંથી બનાવાય છે. જ્યારે બાષ્પકમાંથી બરફ દૂર કરવામાં આવે છે ત્યારે બરફમાંથી બનતું પાણી આમાં ભેગું થાય છે, જેને પછીથી બહાર કાઢી લઈ જવાય છે. તે શીતપેટીની નીચે રાખવામાં આવે છે.
7. શીતપેટી (freezer chest) આ ભાગ પેટી આકારનો હોય છે. તેની આજુબાજુ બાષ્પકની નળીઓ રેણ કરેલી હોય છે, જેથી તેની અંદરનું તાપમાન ઘણું જ નીચું જાળવી શકાય. આ પેટીને સ્પ્રિંગની મદદથી બંધ-ઉઘાડ થઈ શકે તેવો દરવાજો હોય છે. આમાં પાણી કે દૂધ મૂકવાથી તેનું રૂપાંતર બરફ કે આઇસક્રીમમાં થાય છે. રેફ્રિજરેટરના ઉપરના ભાગમાં તે મૂકવામાં આવે છે.
8. તાપસ્થાપક (thermostat) તેની અંદર દાબક સ્પ્રિંગ મૂકેલી હોય છે. તેની ઉપર મૂકેલો દટ્ટો ફેરવવામાં આવે, તો તેની મદદથી સ્પ્રિંગનું દબાણ ઓછુંવત્તું કરી શકાય છે. બાષ્પકની નળી સાથે જોડેલા એક ગોળાની અંદરના પ્રવાહીને લઈને બાષ્પકની નળીનું જે તાપમાન હોય તે મુજબનું દબાણ ઉત્પન્ન થઈ વીજપ્રવાહ ચાલુબંધ થયા કરે છે, જેથી દાબક પણ ચાલુબંધ થાય છે. રેફ્રિજરેટરમાં તાપમાન નિયંત્રિત કરવા માટે વપરાતું એક નિયંત્રક છે. તેના ઉપર કરેલા કાપાની મદદથી જુદાં જુદાં તાપમાનો જાળવી શકાય છે. ચિલર-તાસકની નીચે મૂકવામાં આવે છે.
9. કરકરો ગ્લાસ (crisper Glass) આ એક સમચોરસ આકારનું ગ્લાસ જેવું પારદર્શક, પણ સામાન્ય તથા  પ્લાસ્ટિકમાંથી બનાવાતું ઢાંકણ છે. રેફ્રિજરેટરની નીચે ફળફળાદિ અને ખાસ કરીને શાકનો સંગ્રહ કરવા માટે એક મોટો પ્લાસ્ટિકના ખોખા આકારનો ભાગ હોય છે. જો આ સંગ્રહ કરેલાં ફળ ને શાકભાજી ખુલ્લાં રાખવામાં આવે તો તેમાંનો ભેજ ઊડી જઈ આ શાકભાજી સૂકાં થઈ જાય તેવું બને છે. તે ન થાય તે માટે તે ઢાંકણ તરીકે વપરાય છે. રેફ્રિજરેટરની તદ્દન નીચેના ભાગમાં આવેલાં શાક/ફળો સંગ્રહ કરવા માટે તે વપરાતો હોઈ તે છેક નીચે મૂકવામાં આવે છે.

 

બજારમાં મળતાં ઠારરહિત (nofrost) રેફ્રિજરેટર : બજારમાં ‘ઠારરહિત’ રેફ્રિજરેટરની જાહેરાત કરાય છે, પણ વાસ્તવમાં એવાં રેફ્રિજરેટર હોતાં નથી. બાષ્પકની નળીઓનું તાપમાન 0° સે.થી ઓછું હોવાને લઈ તેની આજુબાજુ બરફ તો જામે જ છે. આવા રેફ્રિજરેટરમાં બાષ્પક ઢંકાયેલું હોઈ આ બરફ જોઈ શકાતો નથી. વળી આ પ્રકારના રેફ્રિજરેટરમાં, સ્વયંસંચાલિત નિયંત્રણ મૂકેલું હોય છે. તે ઉપરાંત બાષ્પકની નીચે એક હીટર અને તેની નીચે એક પંખો પણ મૂકવામાં આવે છે; જેથી જ્યારે રેફ્રિજરેટર બંધ થાય ત્યારે હીટર અને તેનો પંખો ગરમ હવા, બાષ્પક-નળીઓ ઉપર ફેંકે છે, જેથી બરફ ઓગળી જાય છે. આ હીટર અને તેનો પંખો વીજળીથી ચાલતાં હોઈ આવાં રેફ્રિજરેટરનું વીજળીનું બિલ વધુ આવે છે.

રેફ્રિજરેટરની સફાઈ : રેફ્રિજરેટરમાં ખાદ્ય પદાર્થોની જાળવણી થતી હોઈ તેની સફાઈ જરૂરી બને છે. તેની જાળવણી માટે તેને અંદર તેમજ બહારથી સાફ કરવું જરૂરી છે. બહારના ભાગને સાફ કરવા, સાબુ અથવા સારા ડિટર્જન્ટ પાઉડર સાથે થોડું ગરમ પાણી અથવા અન્ય સફાઈ-સાધનોનો ઉપયોગ થાય છે. અંદરનો ભાગ સાફ કરવા ખાદ્ય પદાર્થો બહાર કાઢી, અંદરના ખાનાને બહાર કાઢી, અંદરથી તેને સાબુના પાણીથી સાફ કરી, સૂકા કપડાથી લૂછવામાં આવે છે. બજારમાં, રેફ્રિજરેટરમાં સંગ્રહેલા પદાર્થની ગંધ દૂર કરવા જુદા જુદા પ્રકારના ગંધનાશક મળે છે તે પણ વાપરી શકાય છે.

રેફ્રિજરેટરની જાળવણી : રેફ્રિજરેટર વાપરવામાં ઘણું જ સરળ સાધન હોવા છતાં પણ તેની જાળવણી યોગ્ય રીતે થાય તે જરૂરી છે, જેથી રેફ્રિજરેટર લાંબા સમય માટે સારી રીતે કાર્ય કરી શકે. એ માટે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં લેવા જોઈએ :

(1) રેફ્રિજરેટરની નળીઓને સીધી ગરમી ન પહોંચે તેનો ખ્યાલ રાખવો, જેથી અંદરનો પ્રશીતક બહાર ન જતો રહે.

(2) જરૂરિયાત સિવાય રેફ્રિજરેટરનો દરવાજો ખોલવો નહિ.

(3) પાછળ મૂકેલા ઠારક ઢંકાઈ ન જાય ને તેની આસપાસ હવાનું પરિભ્રમણ બરાબર થઈ શકે તે રીતે રેફ્રિજરેટરને ગોઠવવું. તેમ કરવાથી રેફ્રિજરન્ટનું ઠારણ બરાબર થઈ શકે છે.

(4) રેફ્રિજરેટર રસોડામાં કે જ્યાં આજુબાજુની હવાનું તાપમાન વધુ હોય અથવા તેના ઉપર સૂર્યનાં કિરણો સીધાં પડતાં હોય તેવા સ્થળે મૂકવું નહિ; નહિતર અંદરનું નિયત તાપમાન લાવતાં વાર થશે અને વધુ સમય ચાલવાથી વીજળીનું બિલ પણ વધુ આવશે.

(5) રેફ્રિજરેટર જે જગ્યાએ મૂક્યું હોય તે બરાબર લેવલમાં હોય તે જરૂરી છે. જરૂર પડ્યે પૅકિંગ મૂકીને પણ જરૂરી લેવલ જાળવવું.

(6) શીતપેટીમાં તેની શક્તિ કરતાં વધુ વસ્તુઓ રાખવી નહિ; તેમજ રેફ્રિજરેટરમાં ગરમ પદાર્થ મૂકવા નહિ. આમ કરવાથી અંદરનું નિયત તાપમાન લાવતાં લાંબો સમય લાગતો હોઈ, વીજવપરાશ વધે છે.

(7) જો સ્વયંસંચાલિત રીતે બરફ દૂર ન થતો હોય તો નિયત સમયાંતરે બરફ દૂર કરવો. ચોમાસામાં હવામાં ભેજ રહેતો હોઈ તેનો ગાળો ઓછો રાખવો જરૂરી છે. જો બરફ દૂર કરવામાં ન આવે તો જરૂરી ઠંડક ઉત્પન્ન કરવામાં વધુ સમય લાગે છે.

પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ