રૂમી, જલાલુદ્દીન (મૌલાના)

January, 2004

રૂમી, જલાલુદ્દીન (મૌલાના) (જ. 30 સપ્ટેમ્બર 1207, બલ્ખ, અફઘાનિસ્તાન; અ. 17 ડિસેમ્બર 1273) : મહાન સૂફી સંત અને ફારસી ભાષાના કવિ. તેમનું મૂળ નામ જલાલુદ્દીન મુહમ્મદ બિન બહાઉદ્દીન મુહમ્મદ બિન હુસેન અલખતેલી હતું. તેમના પિતા બહાઉદ્દીન વલ્દ જાણીતા આધ્યાત્મિક ધર્મોપદેશક, લેખક તથા શિક્ષક હતા. તેમની ખ્યાતિ એક નિષ્ઠાવાન અને સમર્થ વ્યક્તિ તરીકે વધતાં મૉંગોલ સુલતાનની ઈર્ષાનું પાત્ર બન્યા. તેની ધમકીઓને કારણે બહાઉદ્દીને તેમના પરિવાર અને 300 અનુયાયીઓ સાથે બલ્ખ શહેરનો ત્યાગ કરીને મક્કા શરીફની હજ કરવા નીકળી પડ્યા (1212). 1213માં નિશાપુર શહેર, ઈરાનમાં તેઓ પ્રખ્યાત સૂફી સંત અને ફારસી રહસ્યમય મહાકાવ્યોના લેખક ફરીદુદ્દીન અત્તારના સંપર્કમાં આવ્યા. તેમણે પ્રસન્ન થઈને બાળક જલાલુદ્દીનને આશીર્વાદ આપ્યા અને તેમનું સૂફીવાદ પર આધારિત પુસ્તક ‘અસરારનામા’ ભેટ આપ્યું.

મક્કા અને મદીનાશરીફની હજયાત્રા પૂરી કર્યા બાદ બહાઉદ્દીન પરિવાર સાથે એનેતોલિયા (રૂમ, જેના પરથી રૂમી અટક પડી) પહોંચ્યા. 1218માં તેમને પાટનગર કોનિયામાં તેડાવ્યા. ત્યાં તેમણે ઘણી મદરેસાઓમાં ધાર્મિક શિક્ષણ આપ્યું. 1231માં તેમના અવસાન બાદ તે કાર્ય જલાલુદ્દીને સંભાળ્યું.

એક વર્ષ બાદ, તેમના પિતાના અનુયાયી બુરહાનુદ્દીન તિરમિઝી પાસેથી તેમણે ઈરાનમાં પ્રચલિત એવા તાત્વિક સિદ્ધાંતો વિશે ઊંડું જ્ઞાન મેળવ્યું. તેમણે જલાલુદ્દીનના આધ્યાત્મિક ઘડતરમાં મહત્વનો ફાળો આપ્યો. ધીમે ધીમે તેમણે એક પ્રખર વિદ્વાન તરીકે નામના મેળવી. તેમના સંપ્રદાયના અનુયાયીઓ તેમના નામ પરથી ‘જલાલિયા’ તરીકે ઓળખાયા.

30 નવેમ્બર, 1244ના રોજ કોનિયાની શેરીઓમાં ભટકતા તેબ્રિઝના દરવેશ શમ્સુદ્દીન (ધર્મનો સૂર્ય) નામના પવિત્ર પુરુષ સાથે તેમનો મેળાપ થયો; તે તેમના જીવનની અત્યંત મહત્વની ઘટના હતી. તેમણે જલાલુદ્દીનને છ માસના એકાંતવાસ દરમિયાન અલૌકિક ભવ્યતા અને સૌંદર્યનું ગૂઢ રહસ્ય સમજાવ્યું. તેમના સત્સંગથી જલાલુદ્દીનમાં અસામાન્ય પરિવર્તન આવ્યું. તેમણે તેમના અનુયાયીઓનો અનાદર કર્યો, ધાર્મિક ઉપદેશ આપવાનું બંધ કર્યું, તેમજ અધ્યાપનકાર્યનો ત્યાગ કર્યો. વળી તેઓ તેમના પરિવાર પ્રત્યે ઉદાસીન થયા અને હરહંમેશ ગુરુની સેવામાં તલ્લીન બની ગયા. આ જોતાં 1246માં તેમના ગુરુ છૂપી રીતે ઈમશ્ક ચાલ્યા ગયા.

આથી જલાલુદ્દીન ખૂબ વ્યાકુળ બનીને એમના વિરહમાં પાગલ બની ગયા. આવા ઉત્કટ ગુરુ-પ્રેમ અને વિરહાગ્નિની સ્થિતિમાં તેમણે સૂફીવાદ કે સૂફી સાહિત્યમાં શ્રેષ્ઠ એવી ગઝલોની રચના કરી. ગૂઢ રહસ્યમય 30,000 કાવ્યો અને સંખ્યાબંધ રુબાયતો રચ્યાં. દરેક કૃતિ નીચે ગુરુના નામનો ઉલ્લેખ કરી તેમના પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો. મોટાભાગનાં ઊર્મિકાવ્યો મેરામમાં કુદરતના ખોળે તન્મયાવસ્થામાં રચ્યાનું કહેવાય છે. વાંસળીના સૂરે કે નગારાના તાલે કે જળતરંગના અવાજે તેઓ નાચી ઊઠતા અને કાવ્યો ગણગણતા, જે તેમના અનુયાયી હુસામુદ્દીન ચેલબી નોંધી લેતા. પ્રકૃતિમાં તેમને ધર્મના તેજસ્વી સૂર્યપ્રકાશનું પ્રતિબિંબ દેખાતું.

હુસામુદ્દીનના કહેવાથી તેમણે ‘મસ્નવી-એ-માનવી’ નામક પ્રશંસાપાત્ર અને ફારસી અમર કૃતિની રચના કરી. તેની મુસ્લિમ આધ્યાત્મિક વિચારો અને સાહિત્ય પર વ્યાપક અસર થઈ. પછીનાં વર્ષોમાં તેમણે ‘માનવી’ના 26,000 દુહાઓ રચ્યા. તેમની અન્ય ઉલ્લેખનીય કૃતિઓ છે : ‘ફિયાહ મા ફિહી’ (પ્રવચનસંગ્રહ); ‘મકાતિબ’ (પત્રસંગ્રહ) અને ‘દીવાન’ (ગઝલસંગ્રહ). તેમના મૃત્યુ બાદ તેમનો પંથ ‘મૌલવીઓના પંથ’ તરીકે જાણીતો થયો.

જમાલુદ્દીન રહીમુદ્દીન શેખ