રૂમીખાન, મુસ્તફા બિન બહરામ

January, 2004

રૂમીખાન, મુસ્તફા બિન બહરામ (જ. ?; અ. 1538, ચુનાર, ઉત્તર ભારત) : ગુજરાતના તોપદળનો સેનાપતિ અને સૂરત-રાંદેર-માહીમ સુધીના પ્રદેશનો જાગીરદાર. ગુજરાતના સુલતાન બહારદુરશાહે (1526–1537) 1531માં તેને સૂરત બંદર, તેની આસપાસનો તથા દક્ષિણે માહીમ સુધીનો પ્રદેશ સોંપ્યો હતો. તે ઇજિપ્તના નૌકાદળના સેનાપતિ અમીર સુલેમાનની બહેનનો પુત્ર હતો અને તેના પિતા બહરામની આજ્ઞાથી તે ગુજરાતના સુલતાન બહાદુરશાહને પૉર્ટુગીઝોની સામે સહાય કરવા વાસ્તે ભારત આવ્યો હતો. પૉર્ટુગીઝ ગવર્નર નુનો દ કુન્હા (1529–1538) સૂરત-રાંદેર અને દમણનાં બંદરો પર હુમલા કરાવી, આગ ચંપાવી, લોકોની ઘાતકી કતલ કરાવી તેના કાફલા સહિત દીવ પહોંચ્યો (11 ફેબ્રુઆરી 1531). આ કટોકટીના સમયે, મુસ્તફા બિન બહરામ પોતાની સાથે 600 તુર્કી અને 1,300 અરબી સૈનિકો લઈને બહાદુરશાહની મદદે આવી પહોંચ્યો. લડાઈમાં પૉર્ટુગીઝો હાર્યા અને મુસ્તફાને વિજય મળ્યો. મુસ્તફાને લીધે જ પૉર્ટુગીઝો દીવ બંદર જીતી શક્યા નહિ. આ વિજયથી ખુશ થયેલા સુલતાન બહાદુરશાહે મુસ્તફાને ચાંપાનેર બોલાવીને ‘રૂમીખાન’નો ખિતાબ આપ્યો. તેને ગુજરાતના તોપદળનો સેનાપતિ નીમવામાં આવ્યો તથા સૂરત-રાંદેર અને તેની પાસેનો માહીમ સુધીનો વિસ્તાર જાગીરમાં આપ્યો. ત્યારપછી ભરૂચ તથા દીવ બંદરો પણ તેની હકૂમત હેઠળ મૂકવામાં આવેલાં.

મુસ્તફા રૂમીખાનની જાગીરદારીના સમય દરમિયાન ગુજરાતના સમુદ્રકિનારે પૉર્ટુગીઝોની ઘૂસણખોરી ઉપર અંકુશ આવ્યો હતો. મુસ્તફાના કાર્યકાલ દરમિયાન, તેણે કરેલા બંદોબસ્તને લઈને સૂરતનો વેપાર વધ્યો હતો તથા લોકોએ શાંતિ અનુભવી હતી.

સુલતાન બહાદુરશાહે ફેબ્રુઆરી 1533માં ચિતોડ પર ચડાઈ કરી ત્યારે, સિપાહસાલાર મુસ્તફા રૂમીખાન દીવથી તોપખાનું લઈ ત્યાં ગયો અને તોપમારાથી ચિતોડના ગઢને તોડી પાડવા માંડ્યો. આ ભયંકર અવદશા જોઈને ચિતોડના રાણાએ બહાદુરશાહની સાથે ઘણી લાભદાયી સંધિ કરવી પડી. ત્યારબાદ બહાદુરશાહે ફરીથી ચિતોડ ઉપર આક્રમણ કર્યું ત્યારે પણ મુસ્તફા રૂમીખાનના તોપમારા સામે રાજપૂતો ટકી શક્યા નહિ અને 8મી માર્ચ 1535ના રોજ ચિતોડ બહાદુરશાહના કબજામાં આવ્યું. સુલતાન બહાદુરશાહે લડાઈ અગાઉ મુસ્તફા રૂમીખાનને વચન આપ્યું હતું કે ચિતોડનો પ્રદેશ તેને જાગીરમાં આપવામાં આવશે; પરંતુ અન્ય અમીરોની ઈર્ષા તથા ઉશ્કેરણીને લીધે સુલતાને તે વચન પાળ્યું નહિ. તેથી ક્રોધે ભરાઈને મુસ્તફાએ હુમાયૂંને ગુપ્ત સંદેશો મોકલ્યો અને બહાદુરશાહ ઉપર હુમલો કરવાથી તેને વિજય મળશે એવી ખાતરી આપી. હુમાયૂંએ ગ્વાલિયરથી કૂચ કરી અને બહાદુરશાહે તેનો સામનો કરવા મંદસોર પાસે પડાવ નાખ્યો. હુમાયૂં સામે ગુજરાતનું લશ્કર ટકી શક્યું નહિ. દ્રોહી રૂમીખાન નાસી છૂટ્યો અને હુમાયૂંને જઈ મળ્યો. તેથી બહાદુરશાહ નાસી ગયો (એપ્રિલ 1535). હુમાયૂં સાથે મળી જવા છતાં રૂમીખાનને ચિતોડનો કિલ્લો મળ્યો નહિ અને પાછળથી 1538માં ચુનારના યુદ્ધમાં તેને ઝેર આપીને મારી નાખવામાં આવ્યો.

જયકુમાર ર. શુક્લ