રૂબેલાઇટ (rubellite) : રાતા કે રતાશ પડતા જાંબલી રંગમાં મળતો ટુર્મેલિનનો રત્નપ્રકાર. ટુર્મેલિન વિવિધ રંગોમાં મળતું હોય છે, પરંતુ તેના આ રંગના રત્નપ્રકારની ઘણી માંગ રહે છે. માણેક જેવા તેના રંગને કારણે જ તેનું નામ ‘રૂબેલાઇટ’ પડેલું છે. માણેક જેવો દેખાતો તેનો આ રંગ તેમાં રહેલી લિથિયમની માત્રાને કારણે હોય છે. તેના ઉત્તમ કક્ષાના રત્નપ્રકારો બ્રાઝિલ, માડાગાસ્કર, મેઇન (યુ.એસ.), દક્ષિણ કૅલિફૉર્નિયા, યૂરલ પર્વતો તેમજ અન્યત્ર કેટલાંક સ્થાનોમાંથી મળી રહે છે. ટુર્મેલિનનો આ રત્નપ્રકાર પેગ્મેટાઇટ ડાઇકમાં ઉદભવતી વિશિષ્ટ પેદાશ છે. રૂબેલાઇટ અન્ય રત્નોની સરખામણીએ સસ્તું હોવા છતાં તેની સુંદરતાને કારણે તે ગમી જાય છે. તેની કઠિનતા અને વિશિષ્ટ ઘનતા અનુક્રમે 7 થી 7.5 અને 3.04 જેટલી હોય છે. તેનો વક્રીભવનાંક 1.624થી 1.644 જેટલો હોય છે.

ગિરીશભાઈ પંડ્યા