રૂપમતી રાણી (ઈ. સ. સોળમી સદી) : માળવાના છેલ્લા સ્વતંત્ર અફઘાન સુલતાન બાજબહાદુરની પ્રેમિકા. આ ઇતિહાસપ્રસિદ્ધ પ્રેમિકાના જીવન વિશે આધારભૂત માહિતી મળતી નથી. ઇતિહાસના ગ્રંથોમાં તેના ઉલ્લેખો થયા છે; તે અલગ અલગ અને અસ્પષ્ટ છે. રૂપમતી સારંગપુરની બ્રાહ્મણ કન્યા અથવા નર્તકી હતી; પરંતુ નર્મદા ઘાટીમાં પ્રચલિત આખ્યાનો મુજબ રૂપમતી ધરમપુરી અથવા ટોડાપુરની રાજપૂત કન્યા હતી. સારંગપુર(માળવા)માં એક તળાવની વચ્ચે બાજબહાદુર અને રૂપમતીનો મકબરો બાંધવામાં આવ્યો છે.

રૂપમતી ઘણી સુંદર સ્ત્રી હતી. તેનો સ્વર ખૂબ મધુર હતો અને તે ગાયન, વાદન તથા સંગીતમાં નિષ્ણાત હતી. બાજબહાદુર પોતે પણ ગાયન, વાદન અને સંગીતકલામાં પ્રવીણ હતો. રૂપમતીના ઉપર્યુક્ત ગુણોને લીધે બાજબહાદુર તેના પ્રત્યે આકર્ષાયો અને તેઓ વચ્ચે પરસ્પર અગાધ પ્રેમ થયો. તે સમયે માળવામાં સંગીતવિદ્યાનો નોંધપાત્ર વિકાસ થયો હતો. બાજબહાદુર અને રૂપમતીએ પણ સંગીતના ક્ષેત્રે મહત્વનું પ્રદાન કર્યું છે. તેઓ બંને સંગીતની સાધનામાં એટલાં બધાં તલ્લીન થઈ ગયાં હતાં કે જ્યારે મુઘલ શહેનશાહ અકબરના સેનાપતિ આદમખાનની આગેવાની હેઠળ માળવા પર ચડાઈ કરી અને સારંગપુર નજીક સૈન્ય પહોંચ્યું ત્યારે તેને ચડાઈ થયાની ખબર પડી હતી. છેવટે ઈ. સ. 1561ની લડાઈમાં હારીને બાજબહાદુર નાસી ગયો. રૂપમતી આદમખાનની કેદી બની. આદમખાને તેને પોતાની પ્રેમિકા બનાવવાના પ્રયાસો કર્યા ત્યારે રૂપમતીએ ઝેર ખાઈને પોતાના જીવનનો અંત આણ્યો. રૂપમતી દ્વારા રચવામાં આવેલાં અનેક ગીતો ત્યાંના લોકોમાં પ્રચલિત થયાં છે. માંડુ(માંડવગઢ)માં બાજબહાદુર અને રૂપમતીના મહેલો સૌથી વિશેષ સુંદર ઇમારતો છે.

જયકુમાર ર. શુક્લ