રૂપર્ટ, પ્રિન્સ (જ. ડિસેમ્બર 1619, પ્રાગ; અ. 29 નવેમ્બર 1682, સ્પ્રિંગ ગાર્ડન્સ, વેસ્ટમિન્સ્ટર) : કમ્બરલૅન્ડનો ડ્યૂક, હૉલ્ડરનેસનો ઉમરાવ. તે રૂપર્ટ ઑવ્ રહાઇન તરીકે ઓળખાતો હતો. તે બોહેમિયાના ફ્રેડરિક પાંચમા અને ઇંગ્લૅન્ડના જેમ્સ પહેલાની પુત્રી એલિઝાબેથનો ત્રીજો પુત્ર. વ્હાઇટ માઉન્ટનના યુદ્ધમાં તેના પિતાની હાર પછી તે તેના કુટુંબ સાથે બોહેમિયા છોડી ગયો અને યુનાઇટેડ પ્રૉવિન્સિસમાં સ્થિર થયો. 14 વર્ષની વયે તે ઑરેન્જના પ્રિન્સ ફ્રેડરિક હેન્રીના સ્યૂટમાં જોડાયો. 2 વર્ષ બાદ પ્રિન્સના અંગરક્ષકદળનો સભ્ય બન્યો.

1642માં રાજાએ રાજાશાહી લશ્કરમાં હયદળના જનરલ-પદે તેની નિમણૂક કરી. થોડા જ વખતમાં સંસદીય સૈનિક ટુકડી સામેની સામસામી ઝપાઝપીમાં મેળવેલ સફળતાએ તેને હિંમતવાન કમાન્ડર તરીકેની ખ્યાતિ અપાવી અને તે બ્રિટિશ આંતરવિગ્રહના એક પ્રભાવી લશ્કરી વ્યક્તિ તરીકે ઊભર્યો. 1642માં એજહિલના યુદ્ધમાં 11,000 કાબેલ સૈનિકોના રાજાશાહી લશ્કરે ઇસેક્સના તાબાના 13,000 પાર્લમેન્ટેરિયનો સામે સંઘર્ષ કર્યો. રૂપર્ટના હયદળે આક્રમણ કરીને તેમને પાછા હઠાવ્યા.

17,000ના હયદળ સાથે રૂપર્ટને ક્રૉમ્વેલના 27,000ના અભેદ્ય કાફલાએ સખત હાર આપી. રૂપર્ટે બચેલા 6,000 સૈનિકો સાથે ભાગી જવું પડ્યું. પાછળથી તેની પાસેથી સર ટૉમસ ફેરફૅક્સે બ્રિસ્ટલનો કબજો મેળવતાં લૉર્ડ ડિગ્બી સાથે થયેલા સંઘર્ષને લીધે રાજાએ નાખુશ થઈને તેને બરતરફ કર્યો. લશ્કરી અદાલતમાં કેસ ચલાવતાં તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો. ઑક્સફર્ડની શરણાગતિ બાદ તેને તથા તેના ભાઈ મૉરિસને ઇંગ્લૅન્ડ બહાર ધકેલી દેવામાં આવ્યા. જોકે ટૂંક સમયમાં રૂપર્ટે ફ્રેન્ચ સેવામાં બ્રિટિશ સૈન્યદળની આગેવાની મેળવી. પછી 1649થી 1653 સુધી નૌકાદળના હાકેમ તરીકે એકલે હાથે કામગીરી કરી. 1660માં ઇંગ્લૅન્ડ પાછો ફર્યો અને ચાર્લ્સ બીજાએ તેને પ્રિવી કાઉન્સિલર તરીકે નીમ્યો અને બીજા ડચ યુદ્ધ દરમિયાન નૌકાદળના સક્રિય હાકેમનો દરજ્જો આપ્યો. તે સેવા બદલ 4,000 પાઉન્ડનું ઇનામ મેળવ્યું. રૉયલ સોસાયટીના સભ્ય તરીકે  શાંતિના સમયમાં તેણે વિન્ડસર કૅસલ ખાતે પ્રયોગશાળા સ્થાપીને ખાસ કરીને યુદ્ધવિષયક શસ્ત્રાસ્ત્રો અને પ્રક્ષેપાસ્ત્રો અંગે વૈજ્ઞાનિક સંશોધનમાં જીવન ગાળ્યું.

બળદેવભાઈ કનીજિયા