રૂપમતીની મસ્જિદ : અમદાવાદમાં મિરજાપુર પોલીસ ચોકીની બાજુમાં  આવેલી ઈ. સ. 1470માં બંધાયેલી મસ્જિદ. સુલતાન મહમૂદશાહ બેગડાના સમયમાં રાણી રૂપમતી(રૂપવંતી)એ બંધાવેલી આ મસ્જિદ સુશોભનની દૃષ્ટિએ પ્રથમ પંક્તિની સુંદર ગણાતી મસ્જિદોમાં મૂકી શકાય એવી છે. અગાશી ઉપરના એના તૂટેલા મિનારા જો હોત તો તેની સંપૂર્ણ સપ્રમાણતા તથા નજાકતનો ખ્યાલ આવી શકત. તેમ છતાં આયોજનની દૃષ્ટિએ માપ તથા કદની પરસ્પર સંવાદિતા આ મસ્જિદમાં ઘણી સારી જણાય છે.

રૂપમતીની મસ્જિદ, અમદાવાદ

પ્રમાણ, રૂપ-આયોજન તથા રચનાની દૃષ્ટિએ આ મસ્જિદ ઉત્તમ છે. તેમાં પ્રકાશને ઉપરથી લાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં મૂકેલા ઝરૂખા આયોજનની અસાધારણ અસરકારકતા દર્શાવે છે. એમાં પણ કમળની પાંદડીઓની કમાનો સાથેનો તથા અન્ય સુશોભનો સાથેનો તેનો સંબંધ અસાધારણ કલાત્મકતાનો ખ્યાલ આપે છે. હિંદુ બાંધકામ-પદ્ધતિના સ્તંભોની ચોરસ બાંધણી તથા ઇસ્લામી પદ્ધતિની કમાનોવાળી બાંધણીનો આવો સંપૂર્ણ સુમેળ અનન્ય લેખાય છે.

જયકુમાર ર. શુક્લ