રૂપમતીની છત્રી, માંડુ : રૂપમતી માળવાના છેલ્લા અફઘાન સુલતાન મલિક બાયઝીદ ઉર્ફે બાજબહાદુરની પ્રેયસી હતી. એકસમાન સંગીતના રસને કારણે બાજબહાદુર અને રૂપમતી વચ્ચે પ્રગાઢ પ્રેમસંબંધ થયો હતો. તેમની વચ્ચેના નિ:સ્વાર્થ અને સમર્પિત પ્રેમનું કથાવસ્તુ માળવાનાં લોકગીતોનો મુખ્ય વિષય રહ્યો છે. આ બંનેની પ્રેમકથાને આધારે ઈ. સ. 1566માં અહમદ-ઉલ-ઉમરીએ ફારસીમાં એક પ્રેમકાવ્યની રચના કરી હતી. આ બંનેનો મકબરો માળવાના સારંગપુરના એક તળાવની મધ્યમાં બનાવેલો છે. મુઘલ બાદશાહ અકબરના સેનાપતિ આદમખાને ઈ. સ. 1561માં માળવા પર આક્રમણ કર્યું. યુદ્ધમાં બાજબહાદુરને નાસી જવું પડ્યું. રૂપમતી દુશ્મનોના હાથે ઝડપાઈ ગઈ. દુશ્મનોની વિષય-વાસનાનો ભોગ થવાને બદલે રૂપમતીએ આત્મહત્યા કરી.

રૂપમતીની છત્રી, માંડુ

મધ્યપ્રદેશના માંડુમાં મુસ્લિમ સ્થાપત્યની અનેક ઇમારતો આવેલી છે. બાજબહાદુરના મહેલની દક્ષિણે રાણી રૂપમતીની છત્રી-છતરડી (pavilion) આવેલી છે. જુદા જુદા સમયે આ છત્રીમાં બેથી ત્રણ વખત સુધારા-વધારા કરવામાં આવ્યા છે. છત્રીનું અસલ બાંધકામ પૂર્વ બાજુ જોવા મળે છે. એક મોટા ખંડના બંને છેડે એકેક ઓરડો આવેલો છે. દીવાલના પાયાના ભાગે ઢાળ આપવામાં આવ્યો છે. અહીંથી દુશ્મનોની ચહલ-પહલ પર ચાંપતી નજર રાખી શકાતી. ભોંયતળિયાની પડાળીમાં આવેલી કમાનોની શ્રેણી પર છત ટેકવેલી છે. અગાશી પરની છત્રીઓ ઇમારતની સુંદરતામાં વધારો કરે છે. છત્રીઓની ઉપર ઘુંમટની રચના છે. અંદર અને બહારની બાજુથી ઘુંમટ વાંસળી આકારે (fluted) સુશોભિત છે. ઉપર આવેલી આ છત્રીઓને કારણે આ આખીયે ઇમારત ‘રૂપમતીની છત્રી’ના નામે ઓળખાય છે. આની નજીક આવેલા પોતાના મહેલથી રાણી રૂપમતી રોજ અહીં આવતી અને આ સ્થળેથી નર્મદા નદીનાં દર્શન કરતી. કમાન અને સ્તંભોની શૈલીની દૃષ્ટિએ આ છત્રીઓ રાણી રૂપમતીથી એક સદી અગાઉ બંધાઈ હોવાનું જણાય છે.

થૉમસ પરમાર