રૂપનારાયણ નદી : પશ્ચિમ બંગાળમાં આવેલી નદી. તે પુરુલિયા નગરથી ઈશાનમાં આવેલા છોટાનાગપુરના ઉચ્ચપ્રદેશની તળેટી ટેકરીઓ(ધલેશ્વરી)માંથી નીકળે છે. વર્ધમાન જિલ્લાના નૈર્ઋત્ય ખૂણામાં તેનો પ્રવાહ તોફાની બની રહે છે. અહીં તે દ્વારકેશ્વર નામથી ઓળખાય છે. મિદનાપોર (મેદિનીપુર) જિલ્લાની સરહદે તેને સિલાઈ નદી મળે છે. અહીંથી તે રૂપનારાયણ નામથી ઓળખાય છે. આ નદી મિદનાપોર જિલ્લાને હુગલી અને હાવરા જિલ્લાઓથી અલગ પાડે છે. 240 કિમી.નું અંતર કાપ્યા પછી તે અહીં હુગલી નદીને મળે છે. મૂળ તો રૂપનારાયણ નદી ગંગા નદીનો પશ્ચિમી નિર્ગમ ભાગ બનતી હતી. હવે તે સિંચાઈના ઉપયોગમાં લેવાય છે. અહીંનો તેનો આખોય જળમાર્ગ ભરતીનાં પાણીથી ભરાયેલો રહે છે. તેમાં પૂરણી દ્વારા થતો કાંપ હુગલીમાંના નૌકાવહન માટે અવરોધરૂપ બની રહે છે.

જાહ્નવી ભટ્ટ