રૂઝવેલ્ટ, અન્ના એલિનૉર (જ. 11 ઑક્ટોબર 1884, ન્યૂયૉર્ક શહેર; અ. 7 નવેમ્બર 1962) : અમેરિકાનાં માનવતાવાદી નેત્રી, રાજકારણી અને લેખિકા. માતાપિતાના અકાળ અવસાનને કારણે તેમનો ઉછેર માતામહીએ કર્યો. પ્રારંભે અમેરિકામાં અને પછીથી યુરોપમાં શિક્ષણ મેળવ્યું. 1905માં તેમણે પોતાના દૂરના પિતરાઈ ફ્રૅન્કલિન ડિલાનો રૂઝવેલ્ટ સાથે લગ્ન કર્યાં. પ્રારંભે શરમાળ વ્યક્તિત્વ ધરાવતાં એલિનૉર ધીમે ધીમે સામાજિક કાર્યોમાં સક્રિય બન્યાં. પાંચ બાળકોનો ઉછેર કરવા સાથે જાહેર જીવનમાં પ્રવેશ કર્યો. તેમણે રાજકીય સમસ્યાઓમાં ઊંડો રસ લઈ વિશ્વરાજકારણ સાથેના સંપર્કો જાળવ્યા અને તે સાથે જાહેર વ્યાખ્યાનો આપવા માંડ્યાં. સમય જતાં તેઓ જાહેર જીવનનાં ખ્યાતનામ મહિલા તરીકે પંકાયાં અને અમેરિકાના ડેમોક્રૅટિક પક્ષ પર ભારે પ્રભાવ ઊભો કરી શક્યાં.
અમેરિકી પ્રમુખ ફ્રૅન્કલિન ડિલાનો રુઝવેલ્ટનાં પત્ની તરીકે તેમણે મહિલા-સંગઠનોમાં સક્રિય અને અગ્રણી ભૂમિકા ભજવી, યુવાલડતોને સમર્થન પૂરું પાડ્યું, ગ્રાહકકલ્યાણની પ્રવૃત્તિઓનો વ્યાપ વિસ્તાર્યો તથા લઘુમતીઓના નાગરિક અધિકાર ક્ષેત્રે સક્રિય બન્યાં. એ સાથે માનવ-અધિકારોની ઝુંબેશ વિસ્તારી. બેકારી હઠાવવા અને ગરીબોના આવાસની કામગીરીમાં તેઓ પ્રવૃત્તિશીલ રહ્યાં. 1933માં અમેરિકાનાં ‘પ્રથમ મહિલા’ (અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખનાં પત્નીને ‘પ્રથમ મહિલા’ તરીકે ઓળખવાનો શિરસ્તો છે) તરીકે પહેલી પત્રકાર-પરિષદ યોજી અને 1935થી ‘માય ડે’ (My Day) નામથી વર્તમાનપત્રોમાં રોજિંદી કટાર લખવાનું કાર્ય આરંભ્યું. એ કટાર ઘણાં વર્ષો સુધી સતત ચાલુ રહી હતી. આ કટાર ત્યારબાદ અન્ય વર્તમાનપત્રો દ્વારા પ્રકાશિત થતી હતી. સમાજસેવાના હેતુ અર્થે સમગ્ર દેશનો વ્યાપક પ્રવાસ કરી તેમણે જાતમાહિતી એકત્ર કરી. 1941–42 દરમિયાન ઑફિસ ઑવ્ સિવિલિયન ડિફેન્સનાં આસિસ્ટન્ટ ડિરેક્ટર રહ્યાં. 1942માં ગ્રેટ બ્રિટનનો; ’43માં ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, ન્યૂ-ગિની, પાપુઆ વગેરે દક્ષિણ-પશ્ચિમ પૅસિફિકના દેશોનો અને ’44માં ક્યૂબા, બહામા, બાર્બાડૉસ, જમૈકા, હૈતી, પૉર્ટોરીકો વગેરે કૅરિબિયન દેશોનો પ્રવાસ ખેડ્યો.
1945થી 1953 દરમિયાન અને ફરી 1961માં યુનો ખાતે તેમણે અમેરિકાનું પ્રતિનિધિત્વ કર્યું. તે દરમિયાન 1946માં યુનોમાં માનવ અધિકાર પંચની રચના થઈ, જેના અધ્યક્ષ તરીકેની કામગીરી એલિનૉરના ફાળે આવેલી. બે વર્ષથી પણ ઓછા ગાળામાં માનવ-અધિકારોનું ઘોષણાપત્ર ઘડાયું અને વિશ્વમાં સમાન અને ભેદભાવવિહીન અધિકારોનું આ ઘોષણાપત્ર યુનોની સામાન્ય સભાએ મંજૂર કર્યું, જેનો યશ આંશિક રીતે એલિનૉરના પ્રયાસોને ફાળે પણ જાય છે. દેશવિદેશ અને સમગ્ર વિશ્વને અનુલક્ષીને થયેલા માનવ-કલ્યાણના આ અથાગ પ્રયાસોને કારણે પાશ્ર્ચાત્ય જગતમાં તેઓ અપ્રતિમ સ્નેહ અને આદરનું પાત્ર બની રહ્યાં હતાં.
તેમના લેખોનો સંગ્રહ પ્રકાશિત થવા ઉપરાંત ‘ધિસ ઇઝ માય સ્ટોરી’ (1937), ‘મૉરલ બૅસિસ ઑવ્ ડેમૉક્રસી’ (1940), ‘ધિસ આઇ રિમેમ્બર’ (1949), ‘ઑન માય ઓન’ (1958) અને ‘યુ કૅન ટર્ન બાય લિવિંગ’ (1960) તેમના મહત્વના ગ્રંથો છે. ‘ધી ઑટોબાયૉગ્રાફી ઑવ્ એલિનૉર રૂઝવેલ્ટ’ પણ ઉલ્લેખનીય છે.
રક્ષા મ. વ્યાસ