રૂઝવેલ્ટ ટાપુ (1) : ઍન્ટાર્ક્ટિકામાં એડ્વર્ડ 7 લૅન્ડના કિનારાથી દૂર, વ્હેલ્સના અખાતની દક્ષિણે ન્યૂઝીલૅન્ડની રૉસ જાગીર હેઠળની રૉસ હિમછાજલી(Ross Ice Shelf)ના ઈશાન ભાગમાં આવેલો ટાપુ. 145 કિમી. લાંબો અને 56 કિમી. પહોળો આ હિમાચ્છાદિત ટાપુ યુ.એસ.ના અભિયંતા રિચાર્ડ ઇવલીન બાયર્ડ દ્વારા 1934માં શોધાયેલો. ટાપુની સરેરાશ ઊંચાઈ 500 મીટરથી થોડીક વધુ છે, જ્યારે બરફના પટની જાડાઈ સ્થાનભેદે 394થી 786 મીટર જેટલી છે. બાયર્ડના બીજા ઍન્ટાર્ક્ટિક અભિયાન (1933–35) પર આધારિત અહીંના બરફપટ પરનો ભૂકંપીય અભ્યાસ નિર્દેશ કરે છે કે રૂઝવેલ્ટ ટાપુની છાજલીનો પશ્ચિમ ભાગ તરતી સ્થિતિમાં નથી, તળ પર આધારિત છે.

રૂઝવેલ્ટ ટાપુ (2) :  ન્યૂયૉર્ક શહેરના મૅનહટન અને ક્વીન્સ વિભાગ વચ્ચે ઈસ્ટ રિવરમાં આવેલો ટાપુ. તે મૅનહટનના એક ભાગરૂપ ગણાય છે. તે 2.5 કિમી. લાંબો અને 200 મીટર પહોળો તથા તેનો વિસ્તાર 56 હેક્ટર જેટલો છે. ડચ ગવર્નર વાઉટર વાન ટ્વિલરે 1637માં આ ટાપુ ઇન્ડિયનો પાસેથી ખરીદી લીધેલો, અને તેને મિનાહાનોન્ક નામ આપ્યું હતું. 1828માં મૅનહટન શહેરમાં તેને ભેળવી દેવામાં આવ્યો અને ત્યાં લોકો માટેની અનુશાસન (સુધારણા) શાળા અને કાર્યશાળા સ્થાપવામાં આવી. આ ટાપુ પહેલાં બ્લૅક વેલ્સ આઇલૅન્ડ તરીકે ઓળખાતો હતો. 1921માં તેને વેલફેર આઇલૅન્ડ નામ અપાયેલું અને 1973માં તેને અમેરિકી પ્રમુખ ફ્રૅન્કલિન ડી. રૂઝવેલ્ટના માનમાં રૂઝવેલ્ટ નામ અપાયું.

1934માં અહીંની જૂની સંસ્થાઓની ઇમારતોને હૉસ્પિટલોમાં ફેરવી છે. ક્વીન્સબરો મૅનહટન અને ક્વીન્સ વચ્ચે પુલ બાંધવામાં આવ્યો છે. 1970ના દાયકામાં હવાઈ ટ્રામમાર્ગે તે મૅનહટન સાથે જોડાયો છે. અહીં મધ્યમ આવક ધરાવતા લોકો માટે મકાનો અને દુકાનોની સુવિધા ઊભી કરવામાં આવી છે.

જાહ્નવી ભટ્ટ

ગિરીશભાઈ પંડ્યા