રૂઝપ્રક્રિયા (healing) : ચેપ, ઈજા કે અન્ય પ્રકારની પેશીવિકૃતિ પછી પુન: પૂર્વસ્થિતિ પ્રાપ્ત કરવાની ક્રિયા. ઘાવ, ચેપ કે પ્રતિરક્ષાલક્ષી (immunological) ઈજાને કારણે પેશીમાં ક્ષતિ ઉદભવે છે. તેના તરફના પ્રતિભાવરૂપે સૌપ્રથમ ત્યાં લોહીનું પરિભ્રમણ વધે છે. લોહીના વિવિધ કોષો, ખાસ કરીને શ્વેતકોષો, ત્યાં ઠલવાય છે. પેશીમાંના વિવિધ ભક્ષકકોષો (phagocytes) પણ ત્યાં આવે છે. આને કારણે તે ભાગ લાલ, ગરમ અને સોજાવાળો થાય છે. ત્યાં દુખાવો થાય છે અને તેનું હલનચલન ઘટે છે. ભક્ષકકોષો તથા શ્વેતકોષો ચેપ કરતા સૂક્ષ્મજીવોનું અને મરી ગયેલા પેશીકોષોનું ભક્ષણ કરે છે અને તેમને ત્યાંથી દૂર કરે છે.

રૂઝવાની ક્રિયા : (અ થી ઊ) સીધા કાપામાં પ્રથમદર્શી જોડાણ (રૂઝ) : (અ) ફાડમાં  લોહી ઝમે અને ગંઠાય, (આ) 2 થી 3 કલાકમાં અધિચ્છદના કોષો ખસવા માંડે (1) તથા લોહીનું પરિભ્રમણ વધે, (ઇ) 2 થી 3 દિવસમાં અધિચ્છદના કોષો ખસે તથા તેમની સંખ્યાવૃદ્ધિ(2) થવા માંડે, (ઈ) 10 થી 14 દિવસમાં પોપડો છૂટો પડે અને અધિચ્છદીય આવરણ બને, (ઉ) થોડાં અઠવાડિયાંમાં રૂઝપેશી પૂરેપૂરી બને પણ તેમાં તણાવક્ષમતા ઓછી હોય, (ઊ) થોડા મહિનાથી વર્ષો દરમિયાન રૂઝપેશી પાસે અને તેની આસપાસની પેશી સાથે ભળે, (એ થી અં) વાંકાચૂકા કાપા પછી થતું દ્વિતીયદર્શી જોડાણ(રૂઝ) : (એ) ઊંડો પહોળો ઘાવ જેમાં લોહીનો ગઠ્ઠો(3-4) હોય, (ઐ) થોડાક દિવસ પછી લોહીનો ગઠ્ઠો સંકોચાય(5), અધિચ્છદના કોષો  ખસવા માંડે(1) તથા નવી કેશવાહિનીઓ(6) ઊગવા માંડે, (ઓ) આશરે એક અઠવાડિયે ગઠ્ઠો ખરી પડે(7), અધિચ્છદીય કોષોની સંખ્યાવૃદ્ધિ થાય(2), નવી કેશવાહીનીઓ બને (6), તથા તંતુઓની બનેલી પેશી (8) વિકસે, (ઔ) 2 અઠવાડિયે અધિચ્છદનું આવરણ, (10) સંપૂર્ણ બને, નીચેની પેશીમાં કોષો(9) ઓછા હોય અને તંતુમય પેશી (11) વધુ રહે, (અં) થોડા મહિના પછી પૂરતી જાડાઈનું અધિચ્છદબને (12) તથા તંતુમય પેશી ઘટ્ટ બને. (અ:) દાઝ્યા પછી થતી તંતુમય સંકોચક રૂઝ પેશી : (ક થી ઝ) શ્લેષ્મકલા પર થયેલી ઈજામાં આવતી રૂઝ, (ક) સપાટીગત ઈજા, (ખ) ઊંડી ઈજા જેમાં લોહી અને પેશી કચરો (3) જમા હોય, (ગ) થોડા સમયે આવરણ કરતા કોષોની સંખ્યાવૃદ્ધિ (2) થાય છે તથા ત્યાં દાણાદાર પેશી (14) વિકસે છે, (ઘ) ધીરે ધીરે ઘાવ પર આવરણ થાય છે અને નીચે તંતુમય પેશી (15) વિકસે છે, (ચ, છ) સપાટી પર નવી ગ્રંથિઓ બનવા માંડે છે અને (જ) લગભગ સામાન્ય સપાટી બની જાય છે, (ઝ) મોડેથી નીચેની તંતુમય પેશીને કારણે સંકીર્ણતા ઉદભવે છે, (12) મૂત્રપિંડ અને યકૃતમાં ઘાવમાંના કોષનાશ- (necresis)વાળા વિસ્તારો, (16) વિકસે ત્યારબાદ તેમાં રૂઝ આવે તો સપાટી અનિયમિત (17) બને છે.

તે સમયે લોહી દ્વારા આવેલાં વિવિધ પ્રકારનાં પ્રતિરક્ષાલક્ષી પ્રોટીન સક્રિય બનીને આ કાર્યમાં જોડાય છે. આ સમગ્ર ક્રિયાને શોથ (inflammation) કહે છે. આ તબક્કો શમે એટલે ત્યાં રૂઝવાની ક્રિયા (સમારકામની પ્રક્રિયા) શરૂ થાય છે.

રૂઝવાની ક્રિયાને 2 મુખ્ય રીતે વહેંચવામાં આવે છે : પ્રાથમિક જોડાણ (primary union) અને દ્વૈતીયીક જોડાણ (secondary union). પ્રાથમિક જોડાણ ચોખ્ખા અને ધારદાર સાધનથી થયેલા અંતશ્ર્છેદ(incision)વાળા ઘાવમાં થાય છે. સામાન્ય રીતે તેમાં ઘાવની બંને કિનારીઓ એકબીજાની બરાબર સામસામે અને નજીક હોય છે. આવું શસ્ત્રક્રિયાથી થતા ઘાવમાં બને છે. પ્રથમ ઘાવની ફાડમાં પેશીનો કચરો તથા ગંઠાયેલું લોહી ભરાય છે. 2થી 3 કલાકમાં થોડો શોથવિકાર થાય છે, જે કિનારીઓને બંધ કરે છે. તે સમયે અધિચ્છદ(epithelium)માંના કોષો ઘાવમાં ખસવા માંડે છે. 23 દિવસમાં સંખ્યાવૃદ્ધિ માટેનાં કોષવિભાજનો શરૂ થાય છે અને સાથે સાથે મહાભક્ષી કોષો (macrophages) લોહીના ગઠ્ઠાને દૂર કરવા માંડે છે. તંતુબીજકોષો (fibroblasts) સક્રિય બને છે અને તંતુઓ(fibers)નું ઉત્પાદન કરે છે. તેના કારણે 10થી 14 દિવસમાં ફાડમાંના તંતુઓ બંને છેડાને એકબીજા સાથે સાંધે છે. સપાટી પરનો પેશીકચરાવાળો લોહીનો ગઠ્ઠો એક પોપડો (scab) બને છે અને ઊખડી જાય છે. થોડાંક અઠવાડિયાં સુધી તંતુઓની બનેલી રૂઝપેશી(scar tissue)માં લોહીનું પરિભ્રમણ વધુ રહે છે અને અંતે એક સારું તંતુમય જોડાણ (fibrous union) થાય છે. જોકે તેની તણાવક્ષમતા ઓછી હોય છે. થોડા મહિનાઓ કે વર્ષો પછી તેમાંની નસો ઘટે છે. ઉત્સેચકો(enzymes)ની મદદથી ત્યાં જમા થયેલા શ્વેતતંત્વિલ(collagen)નું પુનર્ઘટન થાય છે અને રૂઝપેશી ઘટી જઈને આસપાસની પેશી સાથે ભળે છે. (આકૃતિ અ થી ઊ).

ઘા ખુલ્લો હોય, તેની કિનારી અનિયમિત અને બરાબર સામસામે હોવાને બદલે દૂર હોય ત્યારે તેમાં મુખ્ય 3 પરિબળો ઉમેરાયેલાં હોય છે : કોષનાશ (necrosis), કપાયેલી પેશીને ગુમાવેલી હોય તથા તેમાં ચેપ લાગ્યો હોય. સૌપ્રથમ કપાયેલી પેશીને ગુમાવવાથી પડેલા ખાડામાં લોહી ભરાય છે, જે ગંઠાઈ જાય છે. તેની કિનારી પર ઉગ્રશોથનો વિકાર થાય છે. થોડા દિવસ પછી સંખ્યાવૃદ્ધિ કરતાં કોષવિભાજનો વડે અધિચ્છદીય કોષો (epithelial cells) ઘામાં વિકસે છે. મહાભક્ષી કોષો અને શ્વેતકોષો જીવાણુ તથા પેશી-કચરાને દૂર કરે છે અને તંતુબીજકોષો તંતુઓનું ઉત્પાદન વધારે છે. આમ ઘાવમાંનો ખાડો ઘટે છે. સાથે નવી કેશવાહિનીઓ પણ વિકસે છે. આશરે એક અઠવાડિયે સપાટી પરનો ગઠ્ઠો દૂર થાય છે. કોષોની સંખ્યાવૃદ્ધિ ચાલુ રહે છે અને નીચેથી તંતુમય અને કેશવાહિનીઓવાળી પેશી ખાડાને ભરે છે. કેશવાહિનીઓના વળાંકો ઘાના તળિયામાં જોવા મળતી પેશી ‘દાણાદાર’ હોય એવો ભાસ પેદા કરે છે. માટે તેને દાણાદાર પેશી (granulation tissue) કહે છે. હાલ જોકે આ સંજ્ઞા દરેક ઘા રુઝાતો હોય ત્યારે બનતી રૂઝકારી પેશીને માટે વપરાય છે. દાણાદાર પેશી ગુલાબી રંગની હોય છે અને તેને સામાન્ય સ્પર્શજન્ય ઈજા થવાથી પણ તેમાંથી લોહી વહે છે. તંદુરસ્ત દાણાદાર પેશી હોય તો રૂઝ આવવી નિશ્ચિત ગણાય છે. બે અઠવાડિયાં થાય ત્યાં સુધીમાં મોટાભાગના કિસ્સાઓમાં ઘાની ઉપલી સપાટી પર અધિચ્છદીય કોષોનું આવરણ થઈ જાય છે. ઘાના તળિયા નીચે આડા ગોઠવાયેલા તંતુઓની રૂઝપેશી બને છે, જેમાં હવે કેશવાહિનીઓની સંખ્યા ઘટે છે. થોડાક મહિનામાં જાડું અધિચ્છદ સપાટી પર હોય છે અને નીચે શ્વેતતંત્વિલનું પડ તૈયાર થાય છે.

આમ જોઈ શકાય છે કે બંને પ્રકારની રૂઝવાની ક્રિયામાં તફાવત જથ્થાનો છે, પણ પ્રક્રિયા સમાન છે તથા તેમાં તંતુમય રૂઝપેશી બને છે. ઘાના રુઝાવાની પ્રક્રિયાની સાથે ઘાના સંકોચનની ક્રિયા પણ શરૂ થાય છે. દાણાદાર પેશીમાંના સતંતુ સ્નાયુબીજ-કોષો (myofibroblasts) ઘાની કિનારી પર ખેંચાણ કરે છે અને આમ ખુલ્લી સપાટીને સંકોચાવે છે. તેથી અધિચ્છદીય કોષોના આવરણને થોડી જગ્યા પર આચ્છાદન (lining) કરવાનું રહે. પાછળથી ઘામાંનું શ્વેતતંત્વિલ પણ પુનર્ઘટન પામે ત્યારે ઘા વધુ સંકોચાય છે. (આકૃતિ  એથી અં).

આનુષંગિક તકલીફો : રૂઝવાની પ્રક્રિયામાં ક્યારેક કેટલીક આનુષંગિક તકલીફો પણ ઉદભવે છે; જેમ કે વક્રતાકારી સંકુચિતતા (contractures) થવી. તેમાં શ્વેતતંત્વિલોના પુંજ એવી રીતે ગોઠવાય કે શરીરનો જે તે ભાગ વાંકો થઈ જાય; દા.ત., ડોક-છાતી-ગાલ પર દાઝેલી વ્યક્તિમાં રૂઝ આવે ત્યારે ક્યારેક માથું તે તરફના ખભા તરફ વળી જાય તેવી કદરૂપી રૂઝપેશી થયેલી હોય છે. ક્યારેક રૂઝપેશી વધુ પડતી બનીને ઊપસી આવે છે, તો ક્યારેક પાછળથી થોડીક વિકસતી રહીને મોટી થાય છે. તેને અતિ-રૂઝપેશિતા (keloid) કહે છે.

સ્થાનિક ચેપ, સ્થાનિક રુધિરાભિસરણના વિકારો, પ્રોટીનની ઊણપ, જસત(zinc)ની ઊણપ તથા કૉર્ટિકોસ્ટિરૉઇડ વડે કરાતી સારવારને કારણે તંતુમય રૂઝપેશી બનવાની ક્રિયામાં વિક્ષેપ ઉદભવે છે.

રૂઝપેશી બને ત્યારે ઉપરનું આવરણ અધિચ્છદીય કોષોની સંખ્યાવૃદ્ધિ વડે બને છે. તે પ્રક્રિયાને પુનર્જનન (regeneration) કહે છે. આ પ્રક્રિયામાં વિવિધ પ્રકારના કોષગતિકો (cytokines) અને વૃદ્ધિકારક ઘટકો (growth factors) સક્રિય હોય છે. આ ઉપરાંત બે કોષો વચ્ચેનો ભૌતિક સંપર્ક તેમની સંખ્યાવૃદ્ધિ ઘટાડે છે. ઘામાં આવો સંપર્ક જતો રહેતો હોવાથી અધિચ્છદના કોષોની સંખ્યાવૃદ્ધિ થાય છે. એક વખત સંખ્યાવૃદ્ધિ પામીને ઘા પર આવરણ સંપૂર્ણ કરાયા પછી તેમની સંખ્યાવૃદ્ધિ ઘટે છે અને તેઓ જે તે સ્થળે કાર્ય કરી શકાય તેવા પ્રકારનું વિભેદન (differentiation) પણ પામે છે.

વિશિષ્ટ સ્થાનોમાં રૂઝવું : આંતરડાં કે શ્વાસનળીની અંદરની સપાટી પરના ઘા ચામડી પરના ઘાની માફક જ રુઝાય છે; પરંતુ તેમાં ઉદભવતી વક્રતાકારી સંકુચિતતા ક્યારેક જે તે અવયવના પોલાણને ઘટાડીને સંકીર્ણતા કરે છે. ક્યારેક આંતરડાની બહારની સપાટી પર તંતુપેશી બને ત્યારે આંતરડાં ચોંટે છે અથવા તેમની વચ્ચેથી તંતુપટ્ટીઓ પણ બને છે. તેને કારણે મૂત્રપિંડની સપાટી ખરબચડી બને છે અને યકૃત(liver)માં વિશિષ્ટ પરિસ્થિતિને કારણે યકૃતકાઠિન્ય (cirrhosis) બને છે, જેમાં તંતુપેશીઓ અને યકૃતકોષોના અનિયમિત પુનર્જનનથી તંતુમય ગંડિકાઓ બને છે. હૃદય કે અન્ય સ્નાયુઓમાં રૂઝપેશીની તંતુતા સ્નાયુઓની જેમ સંકોચન-શિથિલન કરી શકતી નથી તથા તેમની તણાવક્ષમતા પણ ઓછી હોય છે; માટે આવી જગ્યા ઓછી ક્ષમતા ધરાવે છે. ચેતાકોષોનું પુનર્જનન શક્ય નથી. તેમાં ઉદભવતી રૂઝપેશીને મૃદુતંતુપેશી (glial tissue) કહે છે. તે ચેતાકોષોનું કાર્ય કરી શકતી નથી. ચેતાતંતુઓ જો કપાયા હોય તો તેમાં વૉલેરિયન ડિજનરેશન અને ત્યારપછી પુનર્જનનની ક્રિયા થાય છે. આ એક પ્રકારની વિશિષ્ટ રૂઝપ્રક્રિયા છે, જ્યારે ઈજાના કારણે અસ્થિભંગ થાય ત્યારે તેમાં પણ વિશિષ્ટ રીતે જોડાણ થાય છે. (જુઓ, અસ્થિભંગ.)

શિલીન નં. શુક્લ

શાંતિ પટેલ