રૂખડો (ગોરખ આમલી) : દ્વિદળી વર્ગમાં આવેલા બૉમ્બેકેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Adansonia digitata Linn. (સં. ગોરક્ષી; હિં. ગોરખ ઇમલી; મ. ગોરખચીંચ, ચોરીચીંચ; ગુ. ગોરખ આમલી, રૂખડો, ચોર આમલી; ક. ગોરક્ષતુંણચી, માગીમાત્રું, બ્રહ્મામ્બિકા; ત. પપ્પારપ્પુલી, તોદી; અં. મંકી-બ્રેડ ટ્રી, મંકી પઝલ) છે. તે વિચિત્ર આકારનું, મધ્યમ કદનું 21 મી. જેટલી ઊંચાઈ અને 7.0થી 8.0 મી. વ્યાસવાળું, નીચેથી વધારે પડતું જાડું પર્ણપાતી વૃક્ષ છે. તેની શાખાઓ અમુક ઊંચાઈ પછી જમીનને સમાંતરે લગભગ ઉત્પન્ન થાય છે. તે ઉષ્ણકટિબંધીય આફ્રિકાનું મૂલનિવાસી છે અને ભારતમાં તેનો પ્રવેશ કરાવવામાં આવેલ છે. આંધ્રપ્રદેશમાં તે ખૂબ સામાન્ય છે. તેની છાલ લીસી, ભૂખરી અને ઘણી વાર જાંબલી છાંટવાળી અથવા બદામી રંગની હોય છે. પર્ણો પંજાકાર સંયુક્ત, તરુણ વનસ્પતિમાં ત્રણ પર્ણિકાઓ અને પરિપક્વ વનસ્પતિમાં પાંચ અથવા સાત પર્ણિકાઓ 5 સેમી. 12.5 સેમી, પ્રતિઅંડાકાર-લંબચોરસ (obovate-oblong) કે ભાલાકાર (lanceolate) હોય છે. પુષ્પો એકાકી (solitary) અને 15 સેમી. વ્યાસવાળાં હોય છે અને લાંબા કક્ષીય દંડ ઉપર ઉત્પન્ન થાય છે. ફળ દૂધી જેવાં, કાષ્ઠમય, 20 સેમી.થી 30 સેમી. લાંબાં અને 10 સેમી. જેટલાં પહોળાં હોય છે. તેને ‘સંપૂડી’ કહે છે. તેની છાલ ભૂખરી હોય છે અને મૃદુ પીળાશ પડતા રંગની રેસામય ગૂંથણી ધરાવે છે. ફળનો ગર કણિકામય, સફેદ કે પીળો કે કેટલીક વાર ગુલાબી છાંટવાળો હોય છે. બીજ વૃક્કાકાર (reniform), બદામી કે કાળા રંગનાં, ચળકતાં હોય છે અને જાડું બીજાવરણ ધરાવે છે.
તેની વૃદ્ધિ ઝડપી હોય છે અને તેના નૈસર્ગિક આવાસમાં તે દુનિયાનાં સૌથી વિશાળ વૃક્ષો પૈકીનું એક છે અને તે સૌથી લાંબી આયુષ્યમર્યાદા (લગભગ 6,000 વર્ષ) ધરાવે છે. અત્યંત શુષ્ક વિસ્તારોમાં તે એકાકી કે ત્રણ અથવા ચારના સમૂહમાં ઊગે છે. તેની ઉંમર વધતાં પહોળા થડનો કોહવાટ થાય છે અને મોટું પોલાણ ધરાવતા જલસંગ્રહાલય(water-reservoir)માં પરિણમે છે, જે વધારેમાં વધારે 4,500 લીટર જેટલા પાણીનો સંગ્રહ કરી શકે છે. પોલાણવાળા થડનો કેટલીક વાર નાના રહેઠાણ તરીકે પણ ઉપયોગ થાય છે.
તરુણ પર્ણો ખાદ્ય હોય છે અને આફ્રિકામાં તેનો સૂપ અને શાકભાજી બનાવવામાં ઉપયોગ થાય છે. સૂકાં કે દળેલાં પર્ણો પણ ઉપયોગમાં લેવાય છે. તેનાં નાજુક તાજાં પર્ણો પાલખ(Spinacea oleracea L.)ની અવેજીમાં વપરાય છે. તે શ્લેષ્મી (mucilaginous) મસાલા તરીકે અને બધા જ પ્રકારના ખોરાકના પરિપક્વન (seasoning) માટે ઉપયોગી છે. વૃક્ષ ઉપર પુષ્પો ન બેસે અને કુમળાં પર્ણો મળી રહે તે માટે તેને કાપવામાં આવે છે. તેનાં પર્ણો ઘોડાઓને મોટા જથ્થામાં ખવડાવવામાં આવે છે. તેનો ચારાના એક ઘટક તરીકે ઉપયોગ થાય છે અને તેઓ અમેદસ્વીકર (non-fattening) હોવા સાથે ઊર્જક (energizer) હોય છે. તાજાં અને શુષ્ક પર્ણોનું રાસાયણિક બંધારણ આ પ્રમાણે છે : પાણી 76.8 %, 11.5 %; પ્રોટીન 4.6 %, 13.1 %; લિપિડ 0.2 %, 2.3 %; કાર્બોદિતો 13.8 %, 64.3 %; ભસ્મ 2.7 %, 8.8 %; પ્રજીવક ‘સી’ 46 મિગ્રા., અતિ અલ્પ; કૅલ્શિયમ 262 મિગ્રા., 1923 મિગ્રા., ફૉસ્ફરસ 68 મિગ્રા.; 278 મિગ્રા./100 ગ્રા. શુષ્ક પર્ણોમાં પુષ્કળ કૅલ્શિયમ હોય છે. પર્ણમાં રહેલા શ્લેષ્મનું જલાપઘટન (hydrolysis) કરતાં ગેલેક્ટુરોનિક ઍસિડ, ગ્લુક્યુરોનિક ઍસિડ અને અલ્પ જથ્થામાં ગૅલેકટોઝ, રહેમ્નોઝ, ગ્લુકોઝ અને અરેબિનોઝ ઉત્પન્ન થાય છે.
પર્ણો વિવિધ શોથજ (inflammatory) સ્થિતિઓ[જેમ કે, કીટકોનું કરડવું કે ગિની કૃમિના વ્રણ(sores)]માં લગાડવામાં આવે છે. તે સંકોચક (astringent), સ્વેદજનક (sudorific), બલ્ય (tonic) અને જ્વરશામક (febrifuge) છે. તેનો મલમ કાનના દુખાવામાં અને નેત્રરોગમાં ઉપયોગી છે. ચૂર્ણિત પર્ણો કે નિષ્કર્ષ ગિનીપિગને આપતાં હિસ્ટેમાઇન વાયુવિલય (aerosol) દ્વારા પ્રેરિત દમની કટોકટીમાં રાહત મળે છે. પર્ણોના જલીય અને આલ્કોહૉલિક નિષ્કર્ષો ઉંદરમાં અલ્પ પ્રમાણમાં વિષાળુતા (toxicity) પેદા કરે છે અને કૂતરાઓમાં અલ્પરક્તદાબી (hypotensive) અસર ઉત્પન્ન કરે છે. પર્ણો અને પુષ્પોનો કાઢો શ્વસનતંત્ર અને પાચનતંત્રના રોગોમાં આપવામાં આવે છે.
ફળ ફલાવરણ (45 %), ગર (15 %) અને બીજ(40 %)નું બનેલું હોય છે. ગર કાંજીવાળો (farinaceous) ઍસિડિક અને ખાદ્ય હોય છે અને લીંબુ જેવી સુગંધી ધરાવે છે. ગરમાં પ્રત્યેક બીજ કોથળી જેવા આવરણમાં ખૂંપેલું હોય છે. ફળનું રાસાયણિક વિશ્ર્લેષણ આ પ્રમાણે છે : પાણી 17.9 % – 33.8 %; પ્રોટીન 1.4 % – 2.15 %, લિપિડ 0.06 % – 0.69 %, ભસ્મ 3.23 % – 3.38 %; કૅલ્શિયમ 156 મિગ્રા. – 335 મિગ્રા., ફૉસ્ફરસ 60 મિગ્રા. – 361 મિગ્રા., પ્રજીવક ‘સી’ 38 મિગ્રા. – 201 મિગ્રા., અને પ્રજીવક ‘બી’ 0.34 મિગ્રા. – 1.0 મિગ્રા./100 ગ્રા.. ગરનો ખોરાક પરિપક્વક (seasoner) અને ક્ષુધાવર્ધક (appetizer) તરીકે ઉપયોગ થાય છે. તેનો લોટનો આથો લાવવા માટે ઉપયોગ થાય છે. આફ્રિકામાં તેનો માવો (pap) અને રાબ (gruel) બનાવાય છે. ગરને પાણીમાં ઉકાળ્યા પછી ઠંડું પીણું બનાવવામાં આવે છે અને તાવમાં સ્વેદક (diaphoretic) તરીકે અને અતિસાર, મરડો અને રુધિરોત્સાર(haemoptysis – ઉધરસમાં લોહી પડવું)માં આપવામાં આવે છે. શુષ્ક ગર દીર્ઘકાલીન દમમાં પાણી સાથે આપવામાં આવતાં ઘણો આરામ મળે છે. તેનો ઉપયોગ પ્રત્યૂર્જક (allergic) ત્વચાશોથ (dermatitis) અને શીતપિત્ત(urticaria)માં થાય છે. ગરનો 50 % જેટલો ભાગ પાણીમાં દ્રાવ્ય હોય છે, તેથી શ્લેષ્મી પ્રવાહી અને પેશીનો અદ્રાવ્ય અવશેષ બને છે. શ્લેષ્મી પ્રવાહીમાં અપચાયક (reducing) શર્કરાઓ, ઍસિડ અને પ્રોટીન અડધો ભાગ બનાવે છે અને બાકીનો ભાગ મુખ્યત્વે પેક્ટિક પદાર્થોનો બનેલો હોય છે. ભારતીય ફળોમાં સાઇટ્રિક ઍસિડનું પ્રમાણ ઘણું નીચું (0.8 %) હોવાથી તેઓ સાઇટ્રિક ઍસિડના સ્રોત તરીકે ઉપયોગી નથી. ફળના ઍસિડિક નિસ્યંદન પછી ફરફ્યુરલ (9.6 %) પ્રાપ્ત થાય છે. ઍસિડિક ગરનો ઉપયોગ રબર-સ્કંદક (rubber-coagulant) તરીકે અને દૂધ જમાવવા માટે થાય છે. ઢોરોને કીટકોથી રક્ષણ આપવા તેનો ધૂમક (fumigant) તરીકે પણ ઉપયોગ થાય છે. ફળ અને બીજ ઢોરોને ખવડાવવામાં આવે છે.
રૂખડો મધુર, કડવો અને શીત છે; તથા દાહ, જ્વર, પિત્ત, વમી, પ્રદર અને અતિસારનો નાશ કરે છે. દમમાં રૂખડાનો લોટ લીલાં કે સુકાયેલાં અંજીરમાં ભરી તેનું સેવન કરવામાં આવે છે. અમ્લપિત્તમાં તેના ગરનો કાઢો પાવામાં આવે છે અથવા ગરનું શરબત કરી તેમાં જીરાની ભૂકી અને સાકરની ભૂકી નાખી આપવામાં આવે છે. ઢોરોને થતા મુસલ રોગમાં બીજનું મગજ પાણીમાં મેળવી અપાય છે. ગરમી, ચાંદી અને સર્વ પ્રકારના જખ્મો ઉપર તેના બીજની કાળી રાખ માખણમાં મેળવી ચોપડવામાં આવે છે.
બીજ સખત બીજાવરણ (55.46 %) અને મૃદુ તૈલી મીંજ (kernal) (44.54 %) ધરાવે છે. તેમને ભૂંજીને કે પલાળી આથો ચઢાવીને ખાવામાં ઉપયોગમાં લેવાય છે. તેનો સ્વાદ બદામ જેવો હોય છે. બીજનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 7.4 %; પ્રોટીન 35.1 %, લિપિડ 29.1 % અને ભસ્મ 8.4 %; કૅલ્શિયમ 269 મિગ્રા., ફૉસ્ફરસ 1,367 મિગ્રા. અને પ્રજીવક ‘બી’ 1.8 મિગ્રા./100 ગ્રા.. શુષ્ક મીંજમાં પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં હોવા છતાં મિથિયોનિન, આઇસોલ્યૂસિન અને લાયસિન જેવા આવશ્યક એમીનો ઍસિડો માટે ન્યૂન હોય છે. દળેલાં બીજને બાજરીના લોટ સાથે ભેળવી પાતળી રાબ બનાવવામાં આવે છે. મીંજનો ઉપયોગ સૂપને સુગંધિત કરવા થાય છે. અંકુરિત બીજના શ્વેત પ્રરોહોનો શતાવરી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. બીજનો જ્વરશામક તરીકે અને મરડામાં ઉપયોગ થાય છે. કાચા બીજનું ચૂર્ણ નવજાત શિશુઓને તેમજ બાળકોને હેડકી(hiccough)માં આપવામાં આવે છે. ભૂંજેલાં બીજ દાંતના દુખાવામાં અને દાઢના સોજા ઉપર લગાડવામાં આવે છે. બીજની કંઠી બનાવવામાં આવે છે. મીંજમાંથી સ્વચ્છ, ઘટ્ટ, સોનેરી-પીળું (12 %થી 15 %) તેલ પ્રાપ્ત થાય છે. તેનો સ્વાદ અને સુગંધ રોચક હોય છે. મીંજને ઉકાળીને તેલનું નિષ્કર્ષણ કરવામાં આવે છે. તેનો રાંધવામાં તેમજ સિંગતેલને મંદ કરવામાં ઉપયોગ થાય છે. તે લેસિથિન અને સિફેલિન ઉત્પન્ન કરે છે. બીજની ભસ્મ કે તેના ચૂર્ણનો ખાતર તરીકે ઉપયોગ થાય છે. ભસ્મનો ઉપયોગ સાબુ બનાવવામાં થાય છે.
તરુણ પ્રરોહો અને પ્રકાંડની છાલનો સેનેગલમાં ખાવામાં ઉપયોગ થાય છે. છાલ કડવી હોવાથી સિંકોનાની છાલની અવેજીમાં વપરાય છે. તે β–સિટોસ્ટેરોલ અને એક આલ્કેલૉઇડ ઉત્પન્ન કરે છે. છાલ ઉપર કાપ મૂકતાં ટ્રેગાકેન્થ જેવો અર્ધ-પ્રવાહી સફેદ ગુંદર ઉત્પન્ન થાય છે, જે સમય જતાં રતાશ પડતો બદામી રંગ ધારણ કરે છે. તે ગંધવિહીન, સ્વાદવિહીન અને પાણીમાં લગભગ અદ્રાવ્ય હોય છે. આ ગુંદર જેવું પ્રવાહી અને ફ્લાવરણનું ચૂર્ણ કણીકરણ(granulation)ને ઉત્તેજવા માટે વ્રણદાહ ઉપર લગાડવામાં આવે છે.
છાલ સખત અને કાષ્ઠમય હોય છે. તેની અંત:છાલ મૃદુ હોય છે અને તે સ્થિતિસ્થાપક, મધ્યમસરનો મજબૂત અને ટકાઉ ‘એડેન્સોનિયા’ રેસો ઉત્પન્ન કરે છે; જે 90 સેમી.થી 120 સેમી. લાંબો હોય છે. તરુણ વૃક્ષો વધારે સૂક્ષ્મ અને મૃદુ રેસા ઉત્પન્ન કરે છે. તેની અંત:છાલનાં મોટાં પડો કાઢી લીધા પછી પણ કૉર્ક ઓક(Quercus suber Linn.)ની જેમ તે નવી છાલ ઉત્પન્ન કરે છે. આ છાલના રેસાઓમાંથી દોરડાં, કોથળીઓ, ઘોડાનાં કે હાથીનાં જીનના પટા, ટોપલીઓ, સાદડીઓ સંગીતનાં સાધનોના તંતુઓ કે દોરીઓ બનાવવામાં આવે છે. અંત:છાલમાંથી મેળવેલ ગર(33 %)માંથી કાગળ બનાવવામાં આવે છે. આ ગર ઘેરો ભૂખરો-બદામી હોય છે. તેમાંથી અપારદર્શી, મજબૂત વેષ્ટન (wrapping) કાગળ બનાવવામાં આવે છે. છાલની ભસ્મનો ખાતર તરીકે અને આફ્રિકામાં માટીની દીવાલો લીંપવામાં ઉપયોગ કરવામાં આવે છે.
કાષ્ઠ આછું-પીળું-મૃદુ અને ખૂબ હલકું હોય છે અને તેનાં સમકેન્દ્રિત સ્તરોને જુદાં પાડી શકાય છે. તેનો ઉપયોગ પ્લેટો, લાકડાની તાટ, નાની હોડીઓ, તરાપા અને કોલસો બનાવવામાં થાય છે. તે છત અને ફાઇબર બૉર્ડ બનાવવા માટે યોગ્ય ગણાય છે. કાષ્ઠમાંથી 40 %થી 50 % જેટલો ગર મળે છે. અવિરંજિત (unbleached) કે વિરંજિત (bleached) ગર અનુક્રમે વેષ્ટન કાગળો અને લખવા માટેના સારા કાગળો બનાવવા માટે ઉપયોગી છે. કાષ્ઠની ભસ્મનો ટાન્ઝાનિયામાં ક્ષાર તરીકે ઉપયોગ થાય છે.
મ. ઝ. શાહ
બળદેવભાઈ પટેલ