રૂઓ, જ્યૉર્જ (જ. 1871, ફ્રાન્સ; અ. 1951, ફ્રાન્સ) : ફ્રેન્ચ અભિવ્યક્તિવાદી ચિત્રકાર. ઊંડી ધાર્મિક પ્રકૃતિ ધરાવતા રૂઓ ફ્રેન્ચ કારીગર કુટુંબમાં જન્મેલા. તેમણે કાચ પર રંગીન ચિત્રકામ કરવાની (stained glass painting) તાલીમ લીધેલી. ગુસ્તાવ મોરોના સ્ટુડિયોમાં તેમની ઓળખાણ હાંરી માતીસ અને અન્ય ફોવ ચિત્રકારો સાથે થઈ. થોડા જ સમયમાં તેઓ મોરોના સૌથી પ્રિય શિષ્ય થઈ પડ્યા. તેઓ કૅથલિક લેખક લિયો બ્લૉયના પ્રભાવ હેઠળ આવ્યા, આથી સ્વાભાવિક જ પ્રસ્થાપિત મૂલ્યો અને બુર્ઝવા સમાજ સામે તેમણે તીવ્ર અણગમો કેળવ્યો. સડેલા સમાજના પ્રતીકસમી વેશ્યા તેમની કલાનો મુખ્ય વિષય બની. તેમનાં વેશ્યાવિષયક ચિત્રોમાં વેશ્યાની જવાબદારી નિભાવતી સ્ત્રી પ્રત્યે ઈસુ સમી અનુકંપા અને કરુણા ઉપરાંત ચિત્રના સમગ્ર વાતાવરણમાં ભ્રષ્ટાચારથી ખદબદતા સમાજની બૂ દર્શક અનુભવી શકે છે. જળરંગો તેમજ તૈલરંગો બંનેમાં તેમણે નિપુણતા હાંસલ કરી હતી અને આ બંને રીતે તૈયાર કરેલાં ચિત્રોમાં ઘેરા કાદવિયા (murky) રંગોના ફર્નિચર તથા પડછાયા વચ્ચે વેશ્યાનાં નગ્ન અંગોપાંગો ફિક્કા પીળા રંગે ઝળહળી ઊઠે છે. આ ઉપરાંત તેમણે ન્યાયાધીશો અને રાજ્યકર્તાઓની ઠઠ્ઠા કરતાં ચિત્રો પણ સર્જ્યાં. તેમણે દુખિયારા જાંગલાઓ(tragic clowns)ની તેમજ ઈસુ ખ્રિસ્તનાં ચિત્રોની પણ લાંબી શ્રેણીઓ સર્જી. વ્યથાપીડિત ઈસુ ખ્રિસ્તનાં કરુણાસભર ચિત્રો વીસમી સદીમાં રૂઓ સિવાય કોઈ અન્ય ચીતરી શક્યું નથી, એમ આજે સમગ્ર વિશ્વમાં નિર્વિવાદપણે માનવામાં આવે છે. છેલ્લે તેમણે વૃદ્ધ રાજાને ચિત્રિત કરતી લાંબી શ્રેણી ‘ધી ઓલ્ડ કિંગ’ ચીતરી. એ વૃધ્ધ રાજા પણ વ્યથાથી પીડિત હોય છે.

અમિતાભ મડિયા