રુબાઈ : ઈરાની કાવ્યપ્રકાર. ‘રુબાઈ’ શબ્દ અરબી ભાષાનો છે. તેની ઉત્પત્તિ મૂળ ધાતુ ‘રુબ્અ’ પરથી થઈ છે. તેનો અર્થ ‘ચાર’ થાય છે. તે 4 ચરણોનું હોવાથી રુબાઈ તરીકે ઓળખાય છે. મહંમદ બિન કયસી રાઝીએ તેનાં ‘કોલ’, ‘તરાના’, ‘ગઝલ’, ‘દોબયતી’, ‘રુબાઈ’ વગેરે નામો આપેલાં છે. રુબાઈની ઉત્પત્તિ ઈરાનના સફ્ફારી (ઈ. સ. 868–90૩) અને સામાની વંશમાં (ઈ. સ. 874–1000) થઈ હોવાનું મનાય છે.

રુબાઈનો કલાકસબ તેના બાહ્ય નહિ, પરંતુ આંતર સ્વરૂપમાં નિહિત છે. તેના પહેલા, બીજા અને ચોથા ચરણમાં કાફિયા–રદીફની યોજના અનિવાર્ય છે. ઘણા ફારસી કવિઓની રુબાઈમાં ચોથા ચરણમાં પણ પ્રાસયોજનાનાં ઉદાહરણ મળે છે. રુબાઈના છંદ માટે હઝ્જ બહેર નિશ્ચિત છે. આ છંદમાં રુબાઈ તરીકે જે ચાર ચરણો કહેવાયાં હોય તે પૈકી પ્રત્યેક ચરણમાં 4 ગણ હોય છે. રુબાઈના આ વિશેષ છંદમાં શબ્દની તડજોડ દ્વારા વિવિધ 24 પ્રકારના છંદો પ્રાપ્ત થાય છે. આ છંદો એટલા અટપટા અને એમનાં નામો એટલાં પ્રલંબ છે કે એમને યાદ રાખવાં મુશ્કેલ છે. છતાં સરળતાથી યાદ રહે એવાં 2 વજન આ પ્રમાણે છે : (1) મફ્ ઊલ – મફાઈલ – મફાઈલુન્ – ફાઅ અને (2) મફ્ ઊલ – મફાઈલ – મફાઈલુન્ – ફાઅ’.

રુબાઈ માટે વિષયનું બંધન નથી. સામાન્ય રીતે તેમાં હળવા વિષયને સ્થાન નથી. તર્ક, ચિંતન, અધ્યાત્મ, નીતિ, પ્રેમ જેવા ગંભીર વિષયો એમાં આલેખાતા રહ્યા છે. રુબાઈમાં કોઈ એક સંપૂર્ણ વિચારની ચોટપૂર્ણ અભિવ્યક્તિ હોય છે. ૩ પંક્તિઓમાં ક્રમશ: વિકાસ પામીને એ ભાવ ચોથી પંક્તિમાં પરાકાષ્ઠાએ પહોંચે છે. ગાગરમાં સાગર જેવું એનું સ્વરૂપ તત્વદર્શનથી માંડીને સૂફી રહસ્ય જેવા ગૂઢ વિષયને પણ પોતાનામાં સમાવી શકે છે.

ફારસીમાં ઉમર ખય્યામે રુબાઈને ખ્યાતિ અપાવી. આ સંદર્ભમાં શેખ સાદી, અત્તાર, હાફિઝ વગેરેનાં નામો પણ ઉલ્લેખનીય છે. ગુજરાતી ભાષામાં ઉમર ખય્યામના લગભગ 14 અનુવાદ થયા છે. તેમાં હરગોવિંદ પ્રેમશંકર ત્રિવેદી, શૂન્ય પાલનપુરી વગેરેનાં નામ-કામ ઉલ્લેખનીય છે. શૂન્ય પાલનપુરીનો ‘ખય્યામ’ (197૩) અનુવાદ સર્વોત્તમ હોવાનું મનાય છે. મરીઝ, મસ્ત હબીબ સારોદી, દીપક બારડોલીકર, કમર જૂનાગઢી, કલીમ ધોરાજવી, આદિલ મન્સૂરી, જમિયત પંડ્યા વગેરેએ છંદોબદ્ધ રુબાઈઓ લખી છે.

રશીદ મીર