રુપ્પિયા : વનસ્પતિના એકદળી વર્ગમાં આવેલા રુપ્પિયેસી કુળની એક પ્રજાતિ (genus). પહેલાં આ પ્રજાતિને નાયાડેસી કુળમાં મૂકવામાં આવી હતી. રુપ્પિયાનાં લક્ષણો નાયાસ પ્રજાતિ કરતાં જુદાં પડતાં હોવાથી તેનું નવા કુળમાં સ્થાપન યથાર્થ ઠરે છે.

આ પ્રજાતિ સામાન્યત: ખાડીના ખારા પાણીમાં ઊગે છે. તેનો ભૂમિગત દ્વિશાખી પ્રકંદ (root stock) પાણીને તળિયે રેતીમાં સમાંતરે વિકસે છે. પર્ણો સાદાં, એકાંતરિક, અનુપપર્ણીય (exstipulate) અને તંતુ જેવાં ચપટાં હોય છે અને કિનારીએથી વળીને નલિકામય બને છે. પર્ણતલ લાંબું હોય છે અને પ્રકાંડને ફરતે ટૂંકું આવરણ બનાવે છે. પર્ણો કેટલીક વાર 60 સેમી.થી 120 સેમી. લાંબાં અને પિસ્તા જેવા આછા લીલા રંગનાં હોય છે. તે પાણીમાં ડૂબેલાં હોવાથી ચીકણાં હોય છે. પુષ્પો કુંતલાકારે વળેલા લાંબા પુષ્પ-વિન્યાસવૃંત ઉપર 2થી 6ના સમૂહમાં ગોઠવાયેલાં હોય છે. પુષ્પવિન્યાસવૃંત ક્રમશ: લાંબું બની પુષ્પોને પાણીની સપાટી ઉપર લાવે છે. પુષ્પો પર્ણકક્ષમાં ગુચ્છમાં ઉદભવે છે અને અપૂર્ણ, અનિયમિત અને દ્વિલિંગી હોય છે, પુષ્પ પરિદલપત્રરહિત હોય છે. પુંકેસરો 2 અને તંતુવિહીન હોય છે. પરાગાશય દ્વિખંડી હોય છે અને તેમનું લંબવર્તી સ્ફોટન થાય છે. સ્ત્રીકેસરો 4, સદંડી અને મુક્ત હોય છે. બીજાશય એકકોટરીય હોય છે, જેમાં એક અંડક લટકતું હોય છે. પરાગાસન છત્રાકાર હોય છે. ફળ અંડાકાર, સદંડી, ગોળાકારનતાગ્ર કે ચંચુવત્ પ્રવર્ધ ધરાવતા ચર્મફળ પ્રકારનું હોય છે. અંત:ફલાવરણ કાષ્ઠમય હોય છે. બીજ ચપટું અને ભ્રૂણ અંકુશમય અને દીર્ઘપાદી હોય છે.

રુપ્પિયાની 2થી ૩ જાતિઓ ઉપોષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધીય પ્રદેશોમાં નોંધાઈ છે. મુંબઈની પાસે માહિમની ખાડીમાં તેની પ્રાપ્તિ નોંધાઈ છે. સાન્ટા પાઉ અને જનાર્દને ગુજરાતમાં સૌરાષ્ટ્રની ખાડીના પાણીમાં તેની હાજરી નોંધી છે.

Ruppia maritima Linn. syn. R. rostellata Kochનાં બીજ દરિયાઈ સજીવો માટે પોષણયુક્ત ખોરાક છે. તે વિશોધક (depurant) અને સુભેદ્ય (vulnerary) ગુણધર્મો ધરાવે છે અને પાણીમાં વાતન (aeration) માટે ઉપયોગી છે. પાણીને તળિયે આ છોડ જાલમય રચના બનાવે છે. આ છોડ જ્યાં વધારે પ્રમાણમાં હોય ત્યાં મિલ્ક ફિશ (Chanos chanos) પુષ્કળ પ્રમાણમાં થાય છે અને છોડના દરેક ભાગને ખોરાક તરીકે લે છે. તેનાં બીજ ગડગૂમડ ઉપર લગાડવામાં આવે છે.

જૈમિન વિ. જોશી