રુપર : પંજાબના અંબાલા જિલ્લામાં સતલજ નદીના કાંઠે આવેલું હડપ્પાકાલીન સભ્યતાનું એક નોંધપાત્ર કેન્દ્ર. આર્કિયોલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયાના આશ્રયે ડૉ. વાય. ડી. શર્માના માર્ગદર્શન નીચે 195૩થી 1955 દરમિયાન અહીં ઉત્ખનન કરવામાં આવ્યું હતું. હડપ્પાકાલથી માંડીને મુઘલકાલ સુધીના પુરાવશેષો અહીંથી પ્રાપ્ત થયા છે. હડપ્પાકાલથી વર્તમાનકાલ સુધીના જુદા જુદા છ સ્તર અવશેષોને આધારે ઓળખાયા છે. શરૂઆતના બે સ્તરના અવશેષો હડપ્પાકાલીન ચિત્રાંકિત ભૂખરાં ભાણ્ડ ધરાવતી સંસ્કૃતિ સાથે સંબંધ ધરાવે છે.
ત્રીજા તબક્કામાં નવી વસાહત જોવા મળે છે. તેનો સમય ઈ. પૂ. 600નો છે. આ તબક્કામાંથી માટીનાં ભૂખરાં વાસણો પ્રાપ્ત થયાં છે. આ પ્રકારનાં વાસણોની પરંપરા ચિત્રાંકિત ભૂખરાં વાસણોની પરંપરામાંથી વિકસી હોવાનું જણાય છે. સૌથી પુરાણા આ ઐતિહાસિક સ્તરનું સમયાંકન ઈ. પૂ. લગભગ 600–200નું છે. આ સ્તરમાંથી આહ્ત સિક્કાઓ, બીબામાં ઢાળેલાં લખાણ વિનાના સિક્કાઓ, તામ્ર અને લોખંડનાં ઓજારો, મૌર્યકાલીન બ્રાહ્મી લિપિમાં લખાણ ધરાવતી હાથીદાંતની મુદ્રાઓ વગેરે અવશેષો ઉપલબ્ધ થયા છે. ફળદ્રૂપતાની દેવીના સંપ્રદાય સાથે સંકળાયેલ કેટલીક આકૃતિઓ અને પ્રતીકો પ્રાપ્ત થયાં છે. તેની પર મૌર્યકાલીન ઓપની અસર જોવા મળે છે. હડપ્પાની જેમ આ સમયની ઇમારતોમાં માટીના ગારા અને કાંકરાના સ્લૅબનો ઉપયોગ થયો છે. માટીની કાચી અને પકવેલી ઈંટો જવલ્લે જ જોવા મળે છે. ૩.6 મીટર પહોળી અને 75 મીટર લાંબી દીવાલનો ભાગ પ્રાપ્ત થયો છે. આ દીવાલમાં પાકી ઈંટો વાપરવામાં આવી છે. એના પછીનો ચોથો સ્તર શુંગ, કુષાણ અને ગુપ્તકાલને આવરી લે છે. તેનો સમય ઈ. પૂ. લગભગ 200થી ઈ. સ. 500નો છે. આ સ્તરના ઉપરના ભાગમાંથી કુષાણ અને ગુપ્ત રાજાઓના સિક્કાઓનો મોટો ભંડોળ પ્રાપ્ત થયો છે. તેમાં ચંદ્રગુપ્ત અને કુમારદેવીની આકૃતિ ધરાવતા સોનાના સિક્કા પણ છે. શુંગ, કુષાણ અને ગુપ્ત શૈલીનાં મૃણ્મય શિલ્પો પણ મળી આવ્યાં છે. તેમાં યક્ષ અને વીણા વગાડતી એક સુંદર સ્ત્રીનું શિલ્પ નોંધપાત્ર છે. ગ્રીક શૈલીમાં બનેલાં ચાંદીનાં ત્રણ વાસણોમાં ગુપ્તકાલીન સુશોભન જોવા મળે છે. આ વાસણો ધાર્મિક વિધિવિધાન માટે વપરાતાં હોય તેમ જણાય છે. આ સમયના મળી આવેલા મૃદ્ ભાણ્ડો મોટેભાગે લાલ રંગનાં, પ્રાકૃતિક કે ધાર્મિક સુશોભનો (motifs) વડે અલંકૃત છે. ચોથા સ્તર પછી અવશેષોની દૃષ્ટિએ થોડો અવકાશ પડે છે. તે પછી પાંચમો સ્તર શરૂ થાય છે. આ સ્તરનો સમય આશરે ઈ. સ.ની છઠ્ઠી સદીથી શરૂ થઈને બે અથવા ત્રણ સદી સુધી જાય છે. આ સ્તરમાંથી તોરમાણ (લગભગ ઈ. સ. 500) અને મિહિરકુલ(લગભગ ઈ. સ. 510–540)ના સિક્કા પ્રાપ્ત થયા છે. આ સમયની ઈંટેરી બાંધણીની વિશાળ ઇમારતો સુઘડ રીતે બાંધેલી છે અને તે તત્કાલીન સમૃદ્ધિનો નિર્દેશ કરે છે. છઠ્ઠા સ્તરમાં નવા નગરની નિશાનીઓ જોવા મળે છે. આનો સમય તેરમી સદીનો છે અને તે ઈ. સ. 1700 સુધી લંબાય છે. આ સ્તરના ઉપરના ભાગમાંથી પૂર્વ મુઘલકાલીન પૉલિશ કરેલાં વાસણો, લાખૌરી ઈંટો અને મુસ્લિમ શાસકોના સિક્કાઓ પ્રાપ્ત થયાં છે.
થૉમસ પરમાર