રુન્ટસ્ટેટ, કાર્લ રુડૉલ્ફ ગેર્ટ વૉન

January, 2004

રુન્ટસ્ટેટ, કાર્લ રુડૉલ્ફ ગેર્ટ વૉન (જ. 12 ડિસેમ્બર 1875, એસ્ચેર્સ્લેબેન, મેગ્ડેબર્ગ, જર્મની; અ. 24 ફેબ્રુઆરી 195૩, હૅનોવર) : જર્મન ફીલ્ડ-માર્શલ. તેઓ જર્મન લશ્કરી અધિકારી કૉરના પિતા સમાન અને હિટલરના વડપણ હેઠળના પ્રશિયન જનરલોની જૂની પરંપરાના છેલ્લા અધિકારી હતા.

ઉમરાવ પરિવારમાં જન્મ. ઇમ્પીરિયલ આર્મીમાં અધિકારીનો દરજ્જો પામ્યા. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે તેમણે લશ્કરી સેવા બજાવી અને 19૩0ના દશકામાં તેઓ આર્મી કોરના ચીફ ઑવ્ સ્ટાફ નિમાયા. 19૩9માં તેમણે પોલૅન્ડ અને ફ્રાન્સ પરના હુમલાઓમાં પ્રશંસનીય માર્ગદર્શન પૂરું પાડ્યું. 1941માં તેમણે યૂક્રેઇનમાંનાં આક્રમણો પાછાં હઠાવ્યાં. પછી તેમને હકૂમતમાંથી છૂટા કરવામાં આવ્યા; પરંતુ 1942માં તેમને ફ્રાન્સમાં નવી હકૂમત આપી, ત્યારે તેમનો દરજ્જો કમાન્ડર-ઇન-ચીફ, વેસ્ટ હતો. તેઓ તેમની આક્રમક વ્યૂહરચના માટે જાણીતા હતા.

સાથી દળોના 1944ના આક્રમણની સફળતા બાદ તેમને ફરી બોલાવવામાં આવ્યા, ત્યારે શત્રુ પક્ષે કિનારા પર કરેલ કિલ્લેબંધીની લડાઈઓમાં થનાર વિનાશથી બચવા, તેમણે 7મી લશ્કરી ટુકડીને તાત્કાલિક સેનના અખાતની દિશામાં ખસેડવા ફ્યુરરને વિનંતી કરી. જ્યારે હિટલરનો આગ્રહ ભૂમિના એક એક ઇંચ માટે લડી લેવાનો હતો. તેથી તેમના સ્થાને ક્લજને કમાન્ડર-ઇન-ચીફ, વેસ્ટ નીમ્યા. બે મહિના બાદ તેમને ફરીથી તે પદ પર પાછા નીમીને તેમની દોરવણી નીચે ફ્રાન્સમાંથી જર્મન લશ્કરને પાછું ખેંચવામાં આવ્યું. 1945ના મેમાં અમેરિકન દળો દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી, પરંતુ ટૂંકી અટકાયત બાદ પાછળથી નાદુરસ્ત તબિયતના હેતુસર તેમને છોડવામાં આવ્યા. યુદ્ધ દરમિયાનના ગુના અંગેનો તેમની સામેનો મુકદ્દમો પણ પાછો ખેંચવામાં આવ્યો હતો.

બળદેવભાઈ કનીજિયા