રુધિરી સંવર્ધન (blood culture) : લોહીમાં ભ્રમણ કરતા સૂક્ષ્મજીવોને સંવર્ધન-માધ્યમ (culture medium) દ્વારા ઉછેરીને તેમની હાજરી તથા ઍન્ટિબાયૉટિક ઔષધો વડેની તેમની વશ્યતા જાણવાની ક્રિયા. જ્યારે કોઈ દર્દીને હૃદયના વાલ્વ(કપાટ)નો ચેપ લાગ્યાની શંકા હોય, દર્દીને આવતા તાવનું કારણ જાણમાં ન હોય અથવા પ્રતિરક્ષાની ઊણપ (immunodeficiency) ધરાવતા કે તે સિવાયના તીવ્ર ચેપથી પીડાતા દર્દીના નિદાન માટે તેના લોહીનો નમૂનો લઈને તેમાંના હાજર સૂક્ષ્મજીવનું સંવર્ધન (ઉછેર) નિદાન-પ્રયોગશાળામાં કરાય છે. આ માટે લોહીનો નમૂનો લેતી વખતે સૂક્ષ્મજીવમુક્ત વાતાવરણ અને પદ્ધતિનો આશ્રય લેવો જરૂરી હોય છે, જેથી કરીને વાતાવરણ, દર્દીની ચામડી તથા નમૂનો લેતી વ્યક્તિના હાથ પરના સૂક્ષ્મજીવોનું સંદૂષણ નિદાન માટેના લોહીના નમૂનામાં ન થાય. લોહીના આ પ્રકારના નમૂનામાં રોગ કરતાં સૂક્ષ્મજીવની સંખ્યા ઘણી નાની હોય છે માટે તેમને શીશી કે કાચ-પાત્રમાં ભરેલા પ્રવાહી માધ્યમમાં સંવર્ધિત કરાય છે. નિદાન માટે સાથે સાથે ૩ કે વધુ વખત નમૂના લેવાની જરૂર રહે છે. હૃદયના વાલ્વ અને અંદરના આવરણ(હૃદયાંત:કલા, endocardium)ના ચેપમાં તાવની વધઘટ હોય તો પણ દર મિલિલીટર લોહીમાં 20થી 200 સંસ્થાનિકાકારી એકમો (colony forming units, CFU) જેટલા જીવાણુઓ સતત પરિભ્રમણ કરતા હોય છે. સંવર્ધન-માધ્યમ પર જ્યારે જીવાણુવાળો નમૂનો પાથરવામાં આવે ત્યારે તેમાં જીવાણુઓના સમૂહો ઊછરે છે. તેમના નાના નાના સમૂહોને સંસ્થાનિકાઓ (colonies) કહે છે. હૃદયાંત:કલાશોથ(endocarditis)ના દર્દીમાં આવી 20થી 200 સંસ્થાનિકાઓ કરી શકે તેટલી સંખ્યામાં જીવાણુઓ ભ્રમણ કરતા હોય છે. શિરા કરતાં ધમનીમાંથી લીધેલા લોહીના નમૂનામાં નિદાન થવાની સંભાવના વધુ રહે છે. આશરે 95 % દર્દીઓમાં આ પદ્ધતિએ નિદાન શક્ય બને છે. તે માટે ઓછામાં ઓછા એક કલાકના અંતરે ૩ નમૂના લેવાય છે. જો 48 કલાક સુધી કોઈ જીવાણુનું સંવર્ધન ન થાય તો બીજા 2 નમૂના લેવાય છે. દર્દીને અગાઉ ઍન્ટિબાયૉટિક મળી હોય અથવા ચોક્કસ પ્રકારનું સંવર્ધન-માધ્યમ જરૂરી હોય તેવા જીવાણુઓ, લેજિઓનેલા, ફૂગ, ક્લેમાડિયા, રિકેટ્શિયા વગેરે જેવા સૂક્ષ્મજીવો વડે ચેપ લાગેલો હોય તો રુધિરી સંવર્ધન નિષ્ફળ પણ જાય. વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવો માટે વિશિષ્ટ પ્રકારનાં સંવર્ધન-માધ્યમોની જરૂર પડે છે.

શિલીન નં. શુક્લ

પારિજાત નિ. ગોસ્વામી