રુન્કૉર્ન સ્ટેનલી કીથ (જ. 19 નવેમ્બર 1922, સાઉથ પૉર્ટ, લકેશાયર, ઇંગ્લૅન્ડ) : પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના આવર્તક ઉત્ક્રમણો(reversals)નો પુરાવો આપનાર પ્રથમ બ્રિટિશ ભૂભૌતિક વિજ્ઞાની (geophysicist). આવા ઉત્ક્રમણને ભૂભૌતિક ધ્રુવીય (polar) ઉત્ક્રમણ તરીકે પણ ઓળખવામાં આવે છે.

1956થી 196૩ સુધી તે ડર્હાહામ યુનિવર્સિટીમાં ભૌતિકવિજ્ઞાન વિભાગના નિયામક તરીકે રહ્યા. પછી તે 196૩માં ન્યૂકૅસલ યુનિવર્સિટી(નૉર્ધમ્બરલૅંડ)ના નિયામક તરીકે જોડાયા.

રુન્કૉર્નના સંશોધન-કાર્યમાં ભૂભૌતિક ચિરંતન (secular) ફેરફારો, ધ્રુવીય અભિગમન (migration), હવામાનના પરિણામી ફેરફારો, ખંડોના વિસ્થાપન(drift)ના પુરાચુંબકીય (paleomagnetic) પુરાવા, ભૂચુંબકીય ક્ષેત્રના ઉદગમના સિદ્ધાંત અને ગ્રહીય અંતરંગ (planetary interiors) ઉપર સંશોધન વગેરેનો સમાવેશ થાય છે.

પ્રહલાદ છ. પટેલ