રુધિરવમન (hematemesis) : લોહીની ઊલટી થવી. ઊલટીમાં આવતું લોહી લાલ રંગનું હોય અથવા કૉફીના રંગનું પણ હોય છે. જો લોહી ઉપલા પાચનમાર્ગ(ગળું કે અન્નનળી)માંથી આવતું હોય તો તે લાલ રંગનું હોય છે. પરંતુ જો તે જઠરમાં અર્ધપચિત સ્થિતિમાં એકઠું થઈને આવે તો તે કૉફી રંગનું હોય છે. જઠરમાં વહેતું લોહી પણ જો પુષ્કળ પ્રમાણમાં હોય તો તે લાલ તથા કૉફી એમ બંને રંગનું મિશ્રિત હોય છે. બધું લોહી ઊલટી વાટે નીકળતું નથી, તેથી કેટલુંક આંતરડામાં થઈને મળ વાટે બહાર નીકળે છે. તે સમયે કાળા રંગનો મળ બને છે. તેને શ્યામલ મળ (melaena) કહે છે. મળનો કાળો રંગ અર્ધપચિત લોહીને કારણે હોય છે. ક્યારેક જઠરમાં પુષ્કળ પ્રમાણમાં લોહી વહે તો તે લાલ રંગના મળરૂપે કે મળમાં લોહીરૂપે જોવા મળે છે. તેને રુધિરમળ (haematochezia) કહે છે. કેટલું લોહી વહી ગયું છે તેનો અંદાજ મેળવવા લોહીના હીમોગ્લોબિનનું પ્રમાણ, રુધિરકોષદળ (haematocrit) તથા શરીરમાંના પ્રવાહીની સ્થિતિ જાણવામાં આવે છે. સામાન્ય રીતે અંત:નિરીક્ષા (endoscopy) નામની પદ્ધતિ વડે નિદાન તથા કેટલાક કિસ્સામાં ચિકિત્સા કરી શકાય છે. અન્નનળી તથા જઠરમાં તપાસ માટે નળી નાંખીને નિરીક્ષણ કરવાની ક્રિયાને અંત:નિરીક્ષા કહે છે.
અમેરિકામાં દર વર્ષે 3.5 લાખ દર્દીઓને લોહીની ઊલટી માટે હૉસ્પિટલમાં દાખલ કરાય છે. જેમાંથી 10 %નું મૃત્યુ નીપજે છે. લગભગ અર્ધા દર્દીઓ 60 વર્ષથી વધુ વયના હોય છે અને તેમાં મૃત્યુદર વધુ રહે છે. મોટાભાગના દર્દીઓ શરીરમાંથી બધું લોહી વહી જવાને લીધે નહિ, પરંતુ મૂળભૂત રોગની આનુષંગિક તકલીફને કારણે મૃત્યુ પામે છે. 50થી 100 મિલી. જેટલું ઉપલા પાચનમાર્ગમાં લોહી વહે તો શ્યામલ મળ થાય છે અને 1 લિટર જેટલું લોહી વહે તો તે મળમાં પણ દેખાય છે. મળમાં લાલ રંગનું લોહી સામાન્ય રીતે મોટા આંતરડામાંથી વહીને આવેલું હોય છે. પરંતુ 10 % કિસ્સામાં તે અન્નનળી કે જઠરમાંથી પણ હોઈ શકે છે. આશરે 80 % કિસ્સામાં લોહી વહેતું જાતે અટકી જાય છે. જેમાં તેવું ન થાય તેમાં તાત્કાલિક સારવાર તથા અંત:નિરીક્ષા કરવી આવશ્યક બને છે.
કારણવિદ્યા : ઉપલા પાચનમાર્ગમાંથી વહેતા લોહીનાં મુખ્ય કારણોમાં પચિતકલાવ્રણ (peptic ulcer), નિવાહિકાતંત્ર(portal system)માં વધેલું લોહીનું દબાણ, અન્નનળીમાં થતા મેલોરિવિસ નામના સંલક્ષણમાં જોવા મળતા ચીરા, અન્નનળી અને જઠરમાં નસોની વિકૃતિઓ, જઠરમાં કૅન્સર, પીડાશામક દવાઓને કારણે કે માંદગીને કારણે ઉદભવતા તણાવને કારણે થતો ક્ષરણજન્ય જઠરશોથ (erosive gastritis) અથવા ત્રસ્તતાજન્ય જઠરશોથ (stress gastritis) વગેરેનો સમાવેશ થાય છે. રુધિરવમનના 50 % કિસ્સામાં પચિતકલાવ્રણ હોય છે. તેમાં 6 %થી 10 % જેટલો મૃત્યુદર છે. યકૃતના વિકારોમાં નિવાહિકાતંત્રમાં લોહીનું દબાણ વધે છે. તેથી અન્નનળી અને જઠરમાં શિરાસર્પિલતા (varices) જોવા મળે છે. તે સમયે બરોળ પણ મોટી થયેલી હોય છે. 10 %થી 20 % દર્દીઓમાં શિરા-સર્પિલતામાંથી લોહી વહે છે. હૉસ્પિટલમાં દાખલ થવું પડે તેવા કિસ્સામાં મૃત્યુદર 15 %થી 40 % જેટલો રહે છે. તેની સારવાર ન કરાય તો ફરીથી લોહી વહેવાનો ભય રહે છે. આવા કિસ્સામાં 1થી 4 વર્ષનો મૃત્યુદર 60 %થી 80 % જેટલો હોય છે. આશરે 20 % દર્દીઓમાં જઠરની અંદરની દીવાલમાંથી લોહી વહે છે. વારંવાર અથવા સતત ઊલટીઓ થાય ત્યારે ક્યારેક અન્નનળી અને જઠરના જોડાણ આગળ ચીરા પડે છે. તેને મેલેરિવિસનું સંલક્ષણ કહે છે. જઠરમાંના કૅન્સરને લીધે થતું રુધિરવમન, રુધિરવમનના બધા કિસ્સામાં ફક્ત 1 % જેટલો જ દર ધરાવે છે. આશરે 2 % કિસ્સામાં અન્ય કારણો પણ હોય છે.
નિદાન અને સારવાર : દર્દીને હૉસ્પિટલમાં દાખલ કરીને સારવાર અપાય છે. દર્દી ભાનમાં છે કે બેભાન અને લોહીનું દબાણ ઘટવાને કારણે તે આઘાત(shock)ની સ્થિતિમાં છે કે તેમાં સરી રહ્યો છે તે જોઈ લેવાય છે. લોહીની ઊલટી સાથે આવેલા દર્દીને તપાસીને તેની નાડીનો દર અને લોહીનું દબાણ કેટલું છે તે જાણી લેવાય છે. જો લોહીનું ઉપરનું દબાણ 100 મિમી. પારાથી ઓછું હોય તો તે તીવ્ર રુધિરસ્રાવ તથા જોખમ સૂચવે છે. જો લોહીનું ઉપરનું દબાણ 100 કે વધુ મિમી. પારો હોય અને નાડીનો દર પણ 100/મિનિટ કે વધુ હોય તો મધ્યમ કક્ષાનો રુધિરસ્રાવ (haemorrhage) સૂચવે છે. જો નાડીનો દર અને લોહીનું દબાણ સામાન્ય હોય તો તે ઓછો રુધિરસ્રાવ સૂચવે છે. રક્તદોષદળ (haematocrit) 24થી 72 કલાકમાં લોહી ગુમાવ્યાની યથાર્થ સ્થિતિ દર્શાવે છે, માટે તુરતના નિદાન માટે તે ઉપયોગી માપન પદ્ધતિ નથી. દર્દીનો શ્વસન માર્ગ ખુલ્લો છે તેની ખાતરી કરી લેવાય છે તથા તેને નસવાટે પ્રવાહી આપીને નસમાર્ગ ખુલ્લો રખાય છે. આ સમયે, જરૂર પડે તો નાક-જઠરી નળી (Ryle’s tube) નાંખીને જઠરને સાફ કરાય છે અને તેમાંના લોહી સહિતના પદાર્થોને બહાર કાઢી નંખાય છે. તેના દ્વારા જરૂર પડ્યે પ્રત્યામ્લો અપાય છે અને જઠરને ઝેરી દ્રવ્યો દૂર કરીને સાફ કરાય છે.
તીવ્ર પ્રકારના રુધિરસ્રાવના દર્દીમાં સૌપ્રથમ 18 ગેજની સોય કે અન્ય પદ્ધતિએ નસ દ્વારા પ્રવાહી આપી શકાય તેવી નળી મૂકવાની ક્રિયા કરાય છે. તેના દ્વારા વધુ તપાસ માટે લોહી લઈને લોહીના કોષોની સંખ્યા, પ્રોથોમ્બિનકાળ, ક્રિયેટિનિન, યકૃતના ઉત્સેચકો (enzymes), લોહીના જૂથનું નિશ્ચયન તથા રુધિરદાતાના લોહી સાથે પ્રતિ-મેળ (cross-matching) વગેરે કસોટીઓ કરાય છે અને દર્દીને જરૂરિયાત પ્રમાણે રક્તકોષોની 2, 4 કે વધુ બૉટલો ચડાવાય છે. જરૂર પડ્યે સાથે 0.9 % સલાઇન તથા રિંગર લૅક્ટેટનાં દ્રાવણો પણ અપાય છે. લોહીનું કદ વધારવા માટે ડેકસ્ટ્રાવાન જેવા કલિલાભ દ્રવ્યો (colleids) કેટલાક દર્દીઓમાં મધ્યસ્થ શિરા-પ્રદમ (central venous pressure)ની સતત નોંધણી રખાય છે. ઉપલા પાચનમાર્ગમાંથી લોહી આવતું હોય તો નાક-જઠરી નળી નાંખીને જઠરમાંથી લોહી કાઢી નંખાય છે અને તેને ઠંડા સલાઇન વડે શોધિત (wash) કરાય છે. આ સાથે જઠરમાં ઍસિડ ઘટે તે માટે રેનિટિડીન, ફેમોટિડીન, લેન્સોપ્રેઝોલ, પેન્ટોપ્રેઝોલ વગેરે ઔષધો તથા ઍસિડનું તટસ્થીકરણ કરતા પ્રત્યામ્લો (antacids) પણ અપાય છે. નાકજઠરી નળી વડે કરાતું નિષ્કાસન (aspiration) તથા શીતકૃત ક્ષારજલ શોધન (cold saline lavage) વારંવાર કરીને રુધિરસ્રાવને કાબૂમાં લેવાય છે. અન્નનળીના નીચાણ છેડે આપેલી, પહોળી થયેલી અને તેમાંથી લોહી વહેતું હોય એવી નસો હોય તો અગાઉ ફુલાવી શકાય તેવા ફૂગ્ગાવાળી નળી વડે દબાણ અપાતું હતું. હાલ આ પ્રકારની સારવારની જરૂરિયાત ઘટી રહી ગઈ છે. રક્તકોષદળ 25 %થી 30 % જેટલું રહે તે પ્રમાણે બહારથી લોહી અથવા રક્તકોષનાં દ્રાવણો અપાય છે. જો લોહી વહેતું બંધ થયું હોય તો દર બૉટલે 3 % જેટલું રક્તકોષદળ વધે છે. જો ત્રાકકોષો (ગંઠનકોષો) ઘટેલા હોય તો તેનું દ્રાવણ પણ અપાય છે. મૂત્રપિંડની નિષ્ફળતાના દર્દીમાં ગંઠનકોષો(platelets)ની ક્રિયાક્ષતિને કારણે લોહી વહે છે. તેથી તેમાં ડેસ્મોપ્રેસિન અપાય છે. જો દર્દીને યકૃતના વિકારને કારણે કે અન્ય કારણે રુધિરગુલ્મન(blood coagulation)નો વિકાર થયો હોય તો તત્કાલ શીતીકૃત રુધિરપ્રરસ (fresh frozen plasma, FFP) અપાય છે. જો તીવ્ર રુધિરસ્રાવ થયો હોય તો રક્તકોષોની દર 5 બોટલે FFPની એક બૉટલ આપવાનું સૂચવાય છે.
લોહીની ઊલટી થવાના મૂળ કારણની સારવાર કરાય છે. એક વખત લોહીની ઊલટી શમે અને લોહીનું દબાણ તથા રક્તકોષદળ સામાન્ય સ્થિતિ પર આવે એટલે મૂળ કારણરૂપ રોગના નિદાનની કસોટીઓ કરાય છે અને તે અનુસાર સારવાર અપાય છે. દરેક દર્દીમાં તપાસ માટે નળી નાંખીને અન્નનળી તથા જઠરની તપાસ કરાય છે. તેને ઊર્ધ્વ જઠરાંત્રીય અંત:નિરીક્ષા (upper gastrointestinal endoscopy) કહે છે. તેની મદદથી અન્નનળીમાં પહોળી થયેલી શિરાઓ, જઠરમાં ચાંદાં કે જઠર અથવા અન્નનળીમાં કૅન્સર કે અન્ય રોગો છે કે નહિ તેની જાણ મેળવી શકાય છે. તે સમયે ઔષધનું ઇન્જેક્શન આપીને પહોળી અને લોહી ઝમતી નસને સૂકવી શકાય છે. તેને તંતુકાઠિન્યકારી ચિકિત્સા (sclerotherapy) કહે છે. જ્યારે પહોળી નસને બાંધી દેવાય છે, તેને પટ્ટબંધન (band ligation) કહે છે. ક્યારેક તેના પર ચોંટી જાય એવો પદાર્થ મૂકીને ચૂતી નસના છિદ્રને બંધ કરાય છે. જો અંત:નિરીક્ષા વખતે અન્નનળી કે જઠરમાં કેન્સરની ગાંઠ જોવા મળે તો તેનું પેશીપરીક્ષણ (biopsy) કરવા માટે પેશીનો ટુકડો લેવામાં આવે છે. મેલોરિવિસ સંલક્ષણમાં લોહી વહેવાના સ્થાને એપિનેફ્રિન ચોપડીને કે તે ભાગનું વીજદહન (cauterization) કરીને લોહી વહેતું અટકાવી શકાય છે.
લોહી વહેતું અટકાવવા ઍસિડનું ઉત્પાદન ઘટાડતાં ઔષધો ઉપરાંત જરૂર પડ્યે ઑક્ટિઓટાઇડનો ઉપયોગ કરાય છે. અગાઉ વાઝોપ્રેસિન નામની દવા પણ વપરાતી હતી. લાંબા ગાળાની સમસ્યા ઘટાડવા માટે અન્નનળીના નીચલા છેડે પહોળી થયેલી નસોની સારવારમાં શસ્ત્રક્રિયા પણ કરી શકાય છે. જોકે હાલ તેનો ઉપયોગ ઘણો ઓછો થયો છે.
શિલીન નં. શુક્લ
સોમાલાલ ત્રિવેદી