રુધિરમૂત્રમેહ (haematuria) : પેશાબમાં લોહી જવું તે. મૂત્રની સૂક્ષ્મદર્શક વડે તપાસ કરતાં જો દર અધિક્ષમક્ષેત્ર(high power field)માં 3થી 5 રક્તકોષો (red blood cells) મળે તો તેને રુધિરમૂત્રમેહનો વિકાર કહે છે. જ્યારે પેશાબમાં વધુ પ્રમાણમાં લોહી વહે ત્યારે તે નરી આંખે પણ જોઈ શકાય છે. પરંતુ જો પેશાબનો રંગ લાલ ન થયેલો હોય તો તેવા સંજોગોમાં સૂક્ષ્મદર્શક વડે અથવા ડૂબણપટ્ટી(dipstick)ને મૂત્રમાં ઝબોળીને પણ પેશાબમાં રક્તકોષોની હાજરી છે કે નહિ તે જાણી શકાય છે. ડૂબણપટ્ટી વડે કરાતી કસોટીના પરિણામની સૂક્ષ્મદર્શક વડે તપાસ કરીને ખાતરી કરી લેવાય છે. વિટામિન–સી, બી2, કેટલાક જીવાણુઓ અને સ્નાયુઓમાંના ગ્લૉબ્યુલિન નામના પ્રોટીનની પેશાબમાં હાજરી હોય તો પણ ડૂબણપટ્ટીની કસોટી ખોટી રીતે હકારાત્મક પરિણામ આપે છે. સ્નાયુમાંના ગ્લૉબ્યુલિનને સ્નાયુગોલનત્રલ (myoglobulin) કહે છે. 40 વર્ષથી ઓછી ઉંમરના દર્દીમાં થોડાક સમય માટે રુધિરમૂત્રમેહ થાય તો તેનું નિદાનીય મહત્ત્વ ઓછું અંકાય છે.

કારણવિદ્યા : રુધિરમૂત્રમેહનાં વિવિધ કારણો હોય છે. તેમને 2 જૂથમાં વહેંચાય છે – મૂત્રપિંડીય (renal) કારણો અને અમૂત્રપિંડીય (extrarenal) કારણો. અમૂત્રપિંડી કારણોમાં મૂત્રપિંડ સામાન્ય હોય છે. તેમાં મૂત્રમાર્ગનું કૅન્સર મહત્વનું કારણ ગણાય છે. મૂત્રપિંડી કારણો 10 % કિસ્સામાં થાય છે. તેમને ગુચ્છીય (glomerular) અને અગુચ્છીય (extraglomerular) એમ 2 વિભાગમાં વહેંચાય છે. મૂત્રપિંડમાં લોહીનું ગાળણ ગુચ્છ(glomerules)માં થાય છે. ગુચ્છના રોગોને ગુચ્છીય રોગો કહે છે. મૂત્રપિંડમાં પ્રવાહી ભરેલી પોટલી જેવી સંરચનાઓ (કોષ્ઠ, cyst), મૂત્રપિંડમાં પથરી, અંતરાલપેશીય મૂત્રપિંડશોથ (interstitial nephritis) અને મૂત્રપિંડનું કૅન્સર મુખ્ય ગણાય છે. ગુચ્છીય કારણોમાં મુખ્ય છે પ્રતિરક્ષાગ્લૉબ્યુલિન-એ-જન્ય મૂત્રપિંડવિકાર (IgA nephropathy), પાતળી ગુચ્છીય નલ કલાનો રોગ (thin glomerular basal membrane disease), સંક્રામણોત્તર ગુચ્છમૂત્રપિંડશોથ (postinfection glomerulonephritis), કલાપ્રસંવર્ધીય ગુચ્છમૂત્રપિંડશોથ (membra- noproliferative glomerulonephritis) અને બહુતંત્રીય મૂત્રપિંડ- શોથીય સંલક્ષણો (systemic nephritic syndromes) વગેરે. લોહી વહેવાનો વિકાર થાય તેવા રુધિરકૅન્સર, ગંઠનકોષોની અલ્પતા વગેરે જેવા લોહીના વિકારોમાં પેશાબમાં લોહી જાય છે. તેને અમૂત્રપિંડી કારણોના જૂથમાં સમાવાય છે.

પેશાબમાંના રક્તકોષો અનિયમિત આકારના હોય તો તે ગુચ્છીય રોગ (glomerular disease) સૂચવે છે અને જો તે નિયમિત આકાર અને રચના ધરાવતા હોય તો તે મૂત્રમાર્ગના આચ્છાદનસ્તર(lining)ના રોગ સૂચવે છે. મૂત્રની અંદર જો રક્તકોષોવાળા દ્રવ્યપિંડ (red cell casts) જોવા મળે તો તે ગુચ્છમૂત્રપિંડશોથ સૂચવે છે. આમ મૂત્રમાંના રક્તકોષો પરથી ગુચ્છીય કે અગુચ્છીય કારણની સંભાવના જાણી શકાય છે. તેમ છતાં દરેક કિસ્સામાં વધુ ઝીણવટભરી તપાસની જરૂરિયાત ગણાય છે.

નિદાન : જો દર્દીને નરી આંખે જોઈ શકાય તેટલા પ્રમાણમાં મૂત્રમાં લોહી જતું હોય તો તે પેશાબની શરૂઆતમાં, અંતે કે સમગ્ર પેશાબમાં જાય છે તેવું જાણવાથી તેના કારણ વિશે અંદાજ બાંધી શકાય છે. તેવી રીતે દર્દીને તેની સાથે ચૂંક આવતી હોય, મૂત્રત્યાગ વખતે બળતરા થતી હોય કે શરીરમાં તાવ, કળતર વગેરે જેવાં લક્ષણો થઈ આવતાં હોય તો તે પણ જાણી લેવાય છે. દર્દી પ્રતિગંઠક (anticoagulant) ઔષધો લેતો હોય, પીડાશામક દવાઓ લેતો હોય, કૅન્સરવિરોધી દવાઓ લેતો હોય (દા.ત., સાઇક્લૉડ્રૉસ્ફેમાઇડ), કેટલીક ઍન્ટિબાયૉટિક લેતો હોય, તેને મધુપ્રમેહ હોય કે તેને અગાઉ મૂત્રમાર્ગમાં પથરી થયેલી હોય તો તેની જાણકારી પણ મદદરૂપ બને છે. દર્દીની શારીરિક તપાસ વડે તાવ, ચામડી પર સ્ફોટ (rash), વેળની ગાંઠનું મોટું થવું, પેટ કે પેઢુમાં ગાંઠ હોવી, લોહીનું દબાણ વધવું, શરીરમાં પાણીનો ભરાવો થવો વગેરે વિવિધ ચિહનો અંગે પણ નોંધ મેળવાય છે. પ્રારંભિક તપાસરૂપે મૂત્રપૃથક્કરણ (urinalysis) અને મૂત્રમાંના જીવાણુઓનું સંવર્ધન (urine culture) કરાય છે. તેમાં સાથે પ્રોટીન કે દ્રવ્યપિંડો (casts) હોય તો તે રોગ મૂત્રપિંડમાં છે એવું સૂચવે છે. મૂત્રણ સમયે બળતરા, પેશાબમાં જીવાણુઓનું વહેવું (જીવાણુમૂત્રમેહ, bacteruria) અને જીવાણુસંવર્ધન થાય તો તે મૂત્રમાર્ગમાં ચેપ સૂચવે છે. સ્ત્રીઓમાં તે રુધિરમૂત્રમેહનું મહત્ત્વનું કારણ ગણાય છે. જોકે મૂત્રમાર્ગનો ચેપ શમે એટલે મૂત્રમાર્ગનું ફરી પરીક્ષણ કરીને કોઈ અન્ય રોગ પણ તેમાં સાથે નથી તેની ખાતરી કરી લેવાય છે.

વધુ તપાસમાં મૂત્રમાર્ગની કોષવિદ્યા (urinary cytology), મૂત્રમાર્ગચિત્રણ (urinary tract imaging) તથા મૂત્રાશયનિરીક્ષા (cystoscopy) કરાય છે. પેશાબમાં ખરતા કોષોની તપાસને મૂત્રીય કોષવિદ્યા કહે છે. તે કૅન્સરના નિદાન માટે ઉપયોગી છે. તે માટે મૂત્રના 3 નમૂનાઓ લેવાય છે. ઉપરના મૂત્રમાર્ગના ચિત્રણમાં વિવિધ પદ્ધતિઓ ઉપલબ્ધ છે  પેટના સાદા એક્સ-રે-ચિત્રણ દ્વારા મૂત્રપિંડની છાયા તથા મૂત્રપિંડ કે મૂત્રમાર્ગમાં પથરી હોય તો તે અંગે જાણી શકાય છે. નસ વાટે એક્સ-રે-રોધી દ્રવ્ય આપીને મૂત્રમાર્ગનું ચિત્રણ મેળવી શકાય છે. તેને શિરામાર્ગી મૂત્રમાર્ગ-ચિત્રણ (intravenous pyelography, IVP) કહે છે. તેવી રીતે મૂત્રપિંડનળીમાં નળી નાખીને એક્સ-રે-રોધી દ્રવ્ય નાંખીને તથા તેને ઉપર ચડાવીને પણ ચિત્રણો લઈ શકાય છે. તેને આરોહી મૂત્રમાર્ગ- ચિત્રણ (ascending pyelography) કહે છે. અશ્રાવ્યધ્વનિચિત્રણ (ultrasonography) વડે, કમ્પ્યૂટર-સંલગ્ન અનુપ્રસ્થ-ચિત્રણ (સી. ટી.- સ્કૅન) તથા ચુંબકીય અનુનાદચિત્ર (magnetic resonance imaging, MRI) વડે પણ ઉપરના મૂત્રમાર્ગનાં ચિત્રણો મેળવી શકાય છે. જરૂર પડ્યે મૂત્રપિંડનું પેશીપરીક્ષણ (biopsy) પણ કરાય છે.

નીચલા મૂત્રમાર્ગના પરીક્ષણમાં મૂત્રાશયનિરીક્ષા (cystoscopy) મહત્વની તપાસ ગણાય છે. તેમાં સસાધનીય નળીને મૂત્રપિંડનલિકા દ્વારા પ્રવેશ અપાવીને મૂત્રાશયના પોલાણનું નિરીક્ષણ કરાય છે. તેને મૂત્રાશય-નિરીક્ષા કહે છે. જો તે સમયે દર્દીના પેશાબમાં લોહી જતું હોય તો તેનું કારણ જાણી શકાય છે અને અમુક કિસ્સામાં તેની સારવાર પણ થઈ શકે છે.

આશરે 10 % કિસ્સામાં રુધિરમૂત્રમેહનું કારણ મૂત્રપિંડ મૂત્રપિંડનલિકા(ureter)માં હોય છે. તેમાં 40 % દર્દીઓને પથરી, 20 % દર્દીઓને મૂત્રપિંડની પેશીના રોગો અને 75 % કિસ્સામાં કૅન્સર હોય છે. નીચલા મૂત્રમાર્ગમાં ચેપ, મૂત્રાશયમાં ગાંઠ તથા પુર:સ્થગ્રંથિની સૌમ્ય અતિવૃદ્ધિ (benign prostatic hyperplasia) મુખ્ય કારણો હોય છે.

પ્રવીણ અ. દવે

શિલીન નં. શુક્લ