રુધિરબૅન્ક (blood bank) : લોહી મેળવતી, સંઘરતી, તેના પર જરૂરી પ્રક્રિયાઓ કરી તેના ઘટકો છૂટા પાડતી તથા લોહી કે તેના ઘટકોનું સારવાર માટે વિતરણ કરતી સંસ્થા. એનો સહકાર લઈ સારવાર માટે દર્દીને લોહી ચડાવી શકાય તેવી હાલની શાસ્ત્રીય પ્રક્રિયા કરી શકાય છે. આવું કાર્ય કરતા કેન્દ્રને રૂઢિગત રીતે બૅન્ક કહે છે. વિવિધ કેન્દ્રોને સંકલિત કરીને વ્યાવસાયિક ધોરણે જે સંકુલ વ્યવસ્થા ઉત્પન્ન થાય છે તેને રુધિર સેવા ઉદ્યોગ (blood service industry) પણ કહે છે. રુધિરબૅન્કનાં મુખ્ય કાર્યોમાં દાતાઓની સૂચિ બનાવવી, લોહી મેળવવું (રુધિરપ્રાપ્તિ, blood collection), રુધિર-પ્રક્રિયાકરણ (blood processing), સંગ્રહ અને વિતરણનો સમાવેશ થાય છે. કેટલીક મોટી હૉસ્પિટલોમાં રુધિરદાન મેળવનારા (આદાતા, recipient) પરની કસોટીઓ તથા પેશીપ્રતિરોપણ (tissue transplantation) પહેલાંની કસોટીઓ પણ રુધિરબૅન્ક કરતી હોય છે. આવી કસોટીઓને પ્રતિરક્ષાલક્ષી રુધિરવિદ્યાકીય કસોટીઓ (immuno haematological tests) કહે છે. તેમાં માનવ શ્વેતકોષ-પ્રતિજન (human leucocyte antigen, HLA) કસોટીનો સમાવેશ થાય છે.

સામુદાયિક રુધિરબૅન્ક જે તે વિસ્તાર કે પ્રદેશની લોહી અંગેની જરૂરિયાત પૂરી પાડતી નહિ-નફો – નહિ-ખોટના ધોરણે ચાલતી સેવાભાવી પ્રવૃત્તિ હોય છે. મોટેભાગે તે નાગરિક સેવાઓ, સરકારી સંસ્થાઓ, હૉસ્પિટલો અથવા રેડક્રોસ જેવી જાહેર સેવા-સંસ્થાઓ વડે ચલાવવામાં આવે છે. સ્વયંસેવારૂપે અપાતા લોહીનું દાન તેનો મુખ્ય આધાર છે. ધંધાદારી રુધિરદાતાઓને દૂર રાખવા જરૂરી તથા કાયદાથી ફરજિયાત પણ છે. હાલ હજુ ચોક્કસ વ્યક્તિને લોહી મળે તે માટે થતું રુધિરદાન ઘણા મોટા પાયે થાય છે, પરંતુ શક્ય હોય ત્યાં સુધી તેને ઘટાડીને નહિવત કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે.

રુધિરદાન કરતી વ્યક્તિને રુધિરદાતા કહે છે. સમાજમાં વધુ અને વધુ લોકો તે માટે આગળ આવે તે માટે સંપ્રેરણ (motivation) કરવું જરૂરી ગણાય છે. વ્યક્તિ પોતાને માટે કે પોતાની જાણીતી વ્યક્તિ માટે અગાઉથી રુધિરદાન કરી શકે છે. આવું પૂર્વ આયોજન શસ્ત્રક્રિયા માટે લોહીની જરૂર પડે તેમ હોય તો કરી શકાય છે. રુધિરદાનની પ્રવૃત્તિ વધે તે માટે દાતાઓની ક્લબ, રુધિરવીમો કે નૈતિક રીતે સુસંગત યોજનાઓ પણ ઘડવામાં આવે છે. કોઈ દર્દીને લોહીની જરૂર પડી અને તેને તે આપ્યા પછી રુધિરબૅન્કમાં જે જથ્થાનો ઘટાડો થયો તે પૂરો કરવા માટે અમુક અંશે દબાણ કરીને માંગવામાં આવતું રુધિરદાન પૂરક રુધિરદાન (replacement donation) કહેવાય છે. તે પ્રક્રિયા ઘટાડીને બંધ કરવાનું સૂચન થયેલું છે. વ્યક્તિ પોતાને માટે જે રુધિરદાન કરે તેને સ્વલાભાર્થી રુધિરદાન (autologus blood donation) કહે છે. સામાન્ય રીતે 18થી 60 વર્ષ વચ્ચેની કોઈ પણ તંદુરસ્ત વ્યક્તિ કે જેણે 12 અઠવાડિયાં અગાઉ રુધિરદાન ન કર્યું હોય તે રુધિરદાન કરી શકે છે. જે દર્દીને ક્યારેય ચેપી કમળો થયો હોય કે મધુપ્રમેહને કારણે ઇન્સ્યુલિનની જરૂરિયાત હોય, તો તેઓ કદી લોહી દાનમાં આપી શકતા નથી. મલેરિયા, શરદી, સગર્ભાવસ્થા, ઍન્ટિબાયોટિકનું સેવન, થોડા સમય પહેલાં શસ્ત્રક્રિયા થઈ હોય વગેરે સ્થિતિમાં પાછી તંદુરસ્તી ન આવે ત્યાં સુધી તેમનું રુધિરદાન સ્વીકારાતું નથી. મોટા પાયે લોહી લેવા માટે તેની શિબિરો કરાય છે કે ચલનશીલ વાહન વડે શેરીએ શેરીએ જઈને રુધિરદાન કરાવાય છે.

રુધિરદાતાનું વજન 50 કિલોથી વધુ હોય તો તે 300 મિલિ.થી 525 મિલિ જેટલા લોહીનું દાન કરી શકે છે. દાતાની નાડી 60થી 100ની વચ્ચે હોવી જરૂરી છે અને તેનું હીમોગ્લોબિન 125 ગ્રા./લિ.થી વધુ હોવું જોઈએ. તેવી રીતે તેનું ઘનીકૃત રુધિરકોષ દળ 38 %થી વધુ હોવું જોઈએ એવું સૂચવાય છે. દર્દીને મૃતવિષાણુ કે વિષાભ (toxoid) વડે રસી અપાઈ હોય તોપણ તેઓ રુધિરદાન કરી શકે છે; પરંતુ જો હડકવા માટેની રસી કૂતરું કરડ્યા પછી અપાયેલી હોય તો 1 વર્ષ સુધી રુધિરદાન કરી શકાતું નથી. જેને જીવંત વિષાણુ વડે રસી અપાઈ હોય તેઓ 2થી 4 અઠવાડિયા સુધી રુધિરદાન કરી શકતા નથી. જે નસમાં સોય નાંખવામાં આવે ત્યાંની ચામડી પર કોઈ ઘાવ ન હોય તે જોઈ લેવાય છે. દારૂનું વ્યસન ધરાવતી વ્યક્તિએ કે દારૂ લીધા પછી પણ રુધિરદાન કરવાની છૂટ નથી. તેવી રીતે લૈંગિક સંક્રમણથી થતા ચેપ(ઉપદંશ, પરમિયો વગેરે)વાળા દર્દીનું રુધિરદાન સ્વીકારાતું નથી.

રુધિરદાન માટે લેવાયેલા લોહી પર વિવિધ પ્રકારની કસોટીઓ કરાય છે. તેના વડે તેનો રુધિરવર્ગ, હીમોગ્લોબિનનું પ્રમાણ, તેમાં મલેરિયા, HIV, યકૃતશોથ (hepatitis) તથા અન્ય ચેપી રોગો કરતા સૂક્ષ્મજીવોની ગેરહાજરી વગેરે ચકાસવા માટે પરીક્ષણો કરાય છે. આવાં પરીક્ષણો દ્વારા સુરક્ષિત જાહેર થયેલું લોહી જ વપરાશમાં લેવાય છે.

રુધિરદાતાને રુધિરદાન અંગે યોગ્ય માહિતી તથા શિક્ષણ આપતું સાહિત્ય અપાય છે તથા તેમને માહિતી આપ્યા પછી જ મંજૂરી મેળવીને દાન માટે લોહી લેવાય છે. જે સ્થળે નસમાં કાણું પડાયેલું હોય તેને વાહિનીછિદ્રણ (phlebotomy) સ્થાન કહે છે અને ત્યાં ચેપ ન લાગે તેનું ધ્યાન રખાય છે તથા જરૂરી સૂચના અપાય છે. કેટલાક રોગોમાં સારવાર રૂપે પણ વાહિનીછિદ્રણ કરીને લોહી કાઢવામાં આવે છે.

રુધિરદાન માટેનું લોહી સંપૂર્ણ બંધ-ચેપરહિત પ્રણાલી દ્વારા મેળવાય છે. તે સમયે તેમાં ACD દ્રાવણ ભેળવાય છે, જેથી લોહી ગંઠાઈ ન જાય. તેમાં બહારથી સંદૂષણ ન થાય તેની કાળજી લેવાય છે. સામાન્ય રીતે 450 મિલિ   45 મિલિ લોહી લઈ શકાય છે. ભારતમાં આશરે 300 મિલિ. લોહી લેવાય છે. રુધિરદાન માટે મળેલું લોહી 1થી 6° સે.ના તાપમાનમાં મુકાય છે. જો તેમાંથી ઘટકો કાઢવાના હોય તો આટલા ઓછા તાપમાને સંગ્રહ કરતાં પહેલાં 8 કલાક જેટલો સમય વ્યતીત થઈ જાય છે. ગંઠનકોષો(platelets)ને જુદા પાડવા માટે 20–24° સે. તાપમાન જરૂરી છે.

લોહીના ઘટકો છૂટા પાડવા માટે ચૂસ્ત બંધ ધરાવતી પ્રણાલી વપરાય છે. લોહીમાંથી રક્તકોષો, શ્વેતકોષો, ગંઠનકોષો તથા પ્રરસસંઘટકો (plasma components) છૂટા પડાય છે. છૂટા પાડેલા રક્તકોષો પર પ્રક્રિયા કરીને ક્ષાલિત રક્તકોષો (washed RBCs), શ્વેતકોષરહિત રક્તકોષો (leukocyte free – RBC) જેવી વિવિધ રક્તકોષો –બનાવટો બનાવાય છે. તેવી જ રીતે પ્રરસ(plasma)ને તત્કાળ શીતકૃત પ્રરસ (fresh frozen plasma), અતિ શીત-અવક્ષેપિત (cryoprecipited) વગેરે સ્વરૂપે ઉપલબ્ધ કરાય છે. કોષનિર્ગલન(cytopherosis)ની પ્રક્રિયા દ્વારા ગંઠનકોષો (platelets) અને શ્વેતકોષોને પણ અલગ પડાય છે.

વિવિધ પ્રક્રિયાઓ કરીને લોહી કે તેના ધાકવાળા પાઉચ પર યોગ્ય લેબલ લગાવવામાં આવે છે. દર્દીને લોહી ચડાવતાં પહેલાં આ લેબલની ચકાસણી મહત્વની ગણાય છે. સંગ્રહ વખતે યોગ્ય તાપમાનની સતત જાળવણી મહત્વની છે.

સંગૃહીત રુધિર કે તેના ઘટકોને જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે (પરિવહન, transport) ત્યારે પણ તેમનું તાપમાન જાળવી રાખવું પડે છે. આળું લોહી જો ઍસિડ-સાઇટ્રેટ-ડેક્સટ્રોઝ (ACD) દ્રાવણમાં લેવાયેલું હોય તો 21 દિવસમાં તથા સાઇટ્રેટ-ફૉસ્ફેટ-ડેક્સટ્રોઝ-એડેનિનમાં લેવાયું હોય તો 35 દિવસમાં વાપરવું પડે છે. તત્કાલ શીતકૃત પ્રરસ અને અતિશીત અવક્ષેપિત પ્રવાહીને 12 મહિના સુધી સાચવી રાખી શકાય છે, જ્યારે શ્વેતકોષોને 24 કલાકમાં વાપરી કાઢવા પડે છે. ગંઠનકોષોના દ્રાવણને જો સતત હળવેકથી હલાવી શકાય તો તેઓને લાંબા સમય સુધી વાપરી શકાય છે.

શિલીન નં. શુક્લ

શાંતિ પટેલ