રુધિરપ્રતિસારણ (blood transfusion)

January, 2004

રુધિરપ્રતિસારણ (blood transfusion) : દર્દીને રુધિરના ઘટકોની ઊણપની સ્થિતિમાં બહારથી લોહી કે તેના ઘટકો નસ દ્વારા આપવામાં આવે તો લોહીના ઘટકો  રક્તકોષો, શ્વેતકોષો, ગંઠનકોષો (platelets), રુધિરપ્રરસ (blood plasma), તત્કાલ શીતકૃત પ્રરસ (fresh frozen plasma), અતિશીત અવક્ષેપ (cryoprecipitate) વગેરે વિવિધ ઘટકોની વિવિધ પ્રકારના રોગો કે વિકારોમાં જરૂર ઉત્પન્ન થાય છે. લોહીમાં હીમોગ્લોબિન ઘટ્યું હોય કે શરીરમાંથી લોહી વહી ગયું હોય તો રક્તકોષોનું દ્રાવણ અપાય છે. લોહીમાં ગંઠનકોષો ઘટે તો લોહી વહેવાનો વિકાર થાય છે. ત્યારે જરૂર પડ્યે તે પ્રમાણે ગંઠનકોષો અપાય છે. લોહી વહેવાના કારણરૂપે ક્યારેક ગંઠક ઘટકોની ઊણપ ઉદભવેલી હોય છે. તે જન્મજાત કે સંપ્રાપ્ત (aquired) વિકારને કારણે થતું હોય છે. તે સમયે તત્કાલ શીતકૃત રુધિરપ્રરસ અથવા અતિશીત અવક્ષેપની જરૂર પડે છે. લોહીમાં પ્રોટીનનું પ્રમાણ ઘટે તો તે માટે રુધિરપ્રરસનો ઉપયોગ કરાય છે. જ્યારે પણ રક્તકોષો આપવાના હોય ત્યારે રુધિરવર્ગ જાણવો અતિ આવશ્યક બને છે. તે સમયે દાનમાં અપાયેલા રુધિરનો રુધિર વર્ગ તથા તે મેળવનાર(આદાતા, receipient)નો રુધિરવર્ગ જાણી લેવામાં આવે છે. તે માટે ABO અને રહિસસ (Rh) પ્રણાલીઓ પ્રમાણે સમાન રુધિરવર્ગ હોય તો તેમના નમૂનાઓને એકબીજા સાથે મેળવીને પ્રતિમેળ પરીક્ષણ (cross matching) કરાય છે; જેથી અન્ય ઓછી અસરકારક પ્રણાલીઓને કારણે દાનમાં અપાયેલ રુધિર સાથે દર્દીના રુધિરનો કુમેળ (mismatch) ન થાય. તેને કારણે દાતા(donor)ના પ્રરસ અને આદાતા વચ્ચેના રક્તકોષો વચ્ચે પણ કુમેળ ન હોય તે ચકાસી લેવાય છે. આ ઉપરાંત રુધિરપ્રતિસારણ માટેના લોહીમાં જાતીય સંસર્ગથી ફેલાતા ચેપી રોગો (લૈંગિક સંક્રામક રોગો, sexually transmitted diseases); દા.ત., ઉપદંશ (syphilis),  મેલેરિયા  માનવ પ્રતિરક્ષા ઊણપકારી વિષાણુજન્ય ચેપ (human immuno deficiency virus, HIV – infection) માટે પણ ચકાસણી કરી લેવાય છે. દાતાને ચેપી કમળો (infective hepatitis) ન થયેલો હોય, તેની ખાતરી કરી લેવાય છે. તેમાં મુખ્યત્વે યકૃતશોથ-બી (hepatitis-B) અને યકૃતશોથ-સીના વિષાણુજન્ય ચેપની ગેરહાજરી પણ નક્કી કરી લેવાય છે.

દર્દીને જ્યારે લોહી ચડાવવા માટે ચકાસાયેલું લોહીનું એકમ મોકલવામાં આવે ત્યારે તેના પર લેબલ લગાવવામાં આવે છે. જેમાં લોહીની શુદ્ધતા, તેનો રુધિરવર્ગ તથા દર્દીના રુધિરવર્ગ સાથે મેળવણી કર્યાની વિગતો નોંધાય છે. ત્યારબાદ બંનેના લોહીના નમૂનાની પ્રતિમેળવણી (cross matching) કરીને તેને અંગેની માહિતી પણ મૂકવામાં આવે છે. પ્રતિમેળવણીની પ્રક્રિયા હેક્ટોએને (Hektoen) 1907માં સૌપ્રથમ કાયમી ચકાસણીઓમાં ઉમેરી હતી. દર્દીને જ્યારે લોહી ચડાવવામાં આવે છે ત્યારે તેને અંગેની દર્દી અંગેની નોંધપોથી પરની માહિતી સાથે સરખાવી લેવામાં આવે છે. આવું અચૂક કરાય છે. દાનમાં અપાતા લોહીની વિવિધ ચકાસણીઓ, તેમની સંગતતા-કસોટી, ક્યારે તે લોહી મેળવાતું હતું અને કેટલો સમય તેને સંગ્રહી રાખવામાં આવ્યું હતું, કયા દર્દીને તે આપવામાં આવ્યું – તે બધાંની માહિતીની કાયમી નોંધ રાખવામાં આવે છે.

રુધિરપ્રતિસારણની જરૂરિયાત : દર્દીના શરીરમાંથી લોહી વહી જાય ત્યારે તેને અનુરૂપ કદનું પ્રવાહી, સ્ફટિકાભ (crystaloids) દ્રવ્યો, કલિલાભ (colloids) દ્રવ્યો તથા લોહી કે તેના ઘટકો આપવા જરૂરી બને છે. જો દર્દીના શરીરમાંથી 40 % જેટલું લોહી વહી જાય તો 50 % કિસ્સામાં મૃત્યુ થાય છે. સામાન્ય રીતે પુખ્તવયના પુરુષના શરીરમાં તેનો દર 1 કિલોગ્રામ વજને 25થી 35 (સરેરાશ 30) મિલી. રક્તકોષો તથા 34થી 46 (સરેરાશ 40) મિલી. રુધિરપ્રરસ હોય છે. તેવી રીતે સ્ત્રીઓમાં તેઓ અનુક્રમે 20થી 30 (સરેરાશ 25) મિલી. અને 35થી 43 (સરેરાશ 40) મિલી. હોય છે. આમ, એકંદરે દર 1 કિલોગ્રામ વજને પુરુષોમાં 59થી 81 (સરેરાશ 70) મિલી. અને સ્ત્રીઓમાં 55થી 75 (સરેરાશ 65) મિલી. લોહી હોય છે. જો દર્દીના શરીરમાંથી 5 %થી 15 % જેટલા કદનું રુધિર વહી જાય તો ખાસ કોઈ ચિહ્નો કે લક્ષણો ઉદભવતાં નથી; પરંતુ જો તે પ્રમાણ વધીને 15 % થી 20 % થાય ત્યારે હૃદયના ધબકારા વધે છે તથા લોહીનું ઉપરનું દબાણ ઘટે છે. જ્યારે તે વધીને 20 % થી 35 % થાય ત્યારે આઘાત(shock)ની સ્થિતિની શરૂઆત થાય છે અને 35 % થી 40 % જેટલા  રુધિરકદના ઘટાડાથી આઘાતની સ્થિતિ સર્જાય છે. તેમાં લોહીનું દબાણ એકદમ ઘટી જાય છે. જો 40 %થી વધે તો 50 % કિસ્સામાં મૃત્યુ થવાની સંભાવના રહે છે.

રુધિરકદના ઘટાડા સિવાય પણ અન્ય કારણોમાં લોહી ચડાવવું પડે છે; જેમ કે, રક્તકોષોની સંખ્યા ઘટે અને હીમોગ્લોબિનનું પ્રમાણ ઘટે તો લોહીની ઑક્સિજન-વહનક્ષમતા ઘટે છે. તેવી રીતે ગંઠનકોષો (platelets) ઘટે તો લોહી વહેવાનો વિકાર થાય છે. તેવું જ રુધિરગંઠક ઘટકો (coagulation factors) ઘટે ત્યારે પણ થાય છે. ક્યારેક શરીરમાં પ્રોટીન(આલ્બ્યુમિન)નું પ્રમાણ ઘટે ત્યારે પણ રુધિરપ્રરસ અપાય છે. જે તે ઘટકની ઊણપ દૂર કરવા રુધિરના જે તે ઘટકને નસ વાડે ચડાવાય છે.

રક્તકોષીય પ્રતિસારણ (red cell transfusion) : દર્દીના શરીરમાં રક્તકોષો ઘટે, હીમોગ્લોબિન ઘટે, પાંડુતા થાય અથવા શરીરમાંથી લોહી વહી જાય ત્યારે રક્તકોષો અપાય છે. તે વિવિધ સ્વરૂપે આપી શકાય છે – નવપ્રાપ્ત સંપૂર્ણ રુધિર (fresh whole blood), સંગુચ્છિત રક્તકોષો (packed red cells), શ્વેતકોષરહિત રુધિર (leukopoor blood), શીતકૃત રક્તકોષો તથા સ્વરુધિરી સંગુચ્છિત રક્તકોષો (autologous packed red blood cells). હૃદયની શસ્ત્રક્રિયા કે 24 કલાકમાં વધુ પ્રમાણમાં લોહીની જરૂર હોય તો સંપૂર્ણ રુધિર અપાય છે. તેમાં એકસાથે રક્તકોષો, ગંઠનકોષો અને રુધિરપ્રરસ આપી શકાય છે. હાલના જમાનામાં રુધિરઘટકો મળતા હોવાથી સંપૂર્ણ રુધિરની ખાસ જરૂર રહેતી નથી; પરંતુ જ્યાં આવી રીતે ઘટકો અલગ રીતે ઉપલબ્ધ હોતા નથી ત્યાં તેમનો વપરાશ ચાલુ રહેલો છે. જોકે તે ઘટી રહ્યો છે. લોહીનું હીમોગ્લોબિન તથા રુધિરકોષદળ વધારવા માટે સૌથી વધુ સંગુચ્છિત રક્તકોષોનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે તેમાં 300 મિલી. જેટલું દ્રવ્ય હોય છે, જેમાંથી 200 મિલી. જેટલા રક્તકોષો હોય છે, એક એકમ જેટલા સંગુચ્છિત રક્તકોષો વડે 4% જેટલું રુધિરકોષદળ વધે છે (આશરે 1 ગ્રામથી વધુ હીમોગ્લોબિન). કેટલાંક દર્દીઓમાં દાતાના શ્વેતકોષો સાથે સંબંધિત તીવ્ર પ્રતિરક્ષાલક્ષી પ્રતિક્રિયા થાય છે. તેવા કિસ્સામાં શ્વેતકોષો અને ગંઠનકોષો વગેરેના રક્તકોષો આપવા જરૂરી બને છે. તેને શ્વેતકોષરહિત રુધિર કહે છે. તે માટે કેન્દ્રાભિસારણ(centrifugation)ની ક્રિયા કે ક્ષાલન(washing)ની પ્રક્રિયા કરવામાં આવે છે. આ પ્રકિયાઓ મોંઘી છે અને તેમાં રક્તકોષોનો પણ ઘટાડો થાય છે. શીતકૃત રુધિર(frozen blood)ની પ્રક્રિયા મોંઘી અને જટિલ છે; પરંતુ તે વડે રક્તકોષોને 3 વર્ષ સુધી જાળવી શકાય છે. અલ્પ પ્રમાણમાં જોવા મળતા રુધિરવર્ગના લોહીને સંગ્રહવા માટે તે ઉપયોગી પદ્ધતિ છે. આ પ્રકારનું લોહી ધરાવતી વ્યક્તિ પોતાના માટે કે અન્ય માટે અગાઉથી લોહી આપીને તેનો સંગ્રહ કરાવી શકે છે. અગાઉથી નિશ્ચિત કરાયેલી શસ્ત્રક્રિયામાં ઉપયોગી થાય તે રીતે દર્દી પોતાનું લોહી આપે અને તેનો જ પાછળથી ઉપયોગ થાય તેને સ્વરુધિરી સંગુચ્છિત રક્તકોષ પ્રતિસારણ (autologous packed red cell transfusion) કહે છે.

દર્દીમાં ગંઠનકોષો(platelets)ની સંખ્યા ઘટે અને તેથી લોહી વહેવાનો વિકાર થાય તો ગંઠનકોષોનું પ્રતિસારણ કરાય છે. સામાન્ય રીતે ગંઠનકોષોની સંખ્યા 10,000/માઇક્રોલિટરથી ઓછી થાય ત્યારે લોહી વહેવાનો ભય ઉત્પન્ન થાય છે. જો તે 5,000/માઇક્રોલિટરથી પણ વધુ ઘટે તો જીવન પર સંકટ ઊભું થાય છે. તેથી તેવા નીચા સ્તરે ગંઠનકોષોની સંખ્યા જાય તે પહેલાં ગંઠનકોષનું પ્રતિસારણ કરાય છે. એક એકમ જેટલા દાનમાં અપાયેલા રુધિરમાંથી 5–7  1010 ગંઠનકોષોને 35 મિલી. રુધિરપ્રરસમાં નિલંબિત કરીને નસ વાટે અપાય છે. આમ ગંઠનકોષોના દર એકમે 10,000/માઇક્રોલિટર જેટલા પ્રમાણમાં ગંઠનકોષોની સંખ્યા વધે છે. પ્રતિસારણ દ્વારા અપાયેલા ગંઠનકોષો આદાતાના શરીરમાં 2થી 3 દિવસ સક્રિય રહે છે. જોકે ક્યારેક ગંઠનકોષોની સંખ્યામાં થતો વધારો કે તેમનો સક્રિયતાકાળ ઓછા રહે તો વારંવાર પ્રતિસારણ કરવાની જરૂર પડે છે. આવું તીવ્ર ચેપ, મોટી બરોળ કે પ્રતિરક્ષાલક્ષી વિકાર હોય તો ખાસ બને છે. વધુ તીવ્ર જરૂરિયાત હોય તો એક જ દાતાના શરીરમાંથી ગંઠનકોષ-નિર્ગલન (thrombapheresis) નામની પ્રક્રિયા વડે વધુ સંખ્યામાં ગંઠનકોષો મેળવી શકાય છે. તેને એકદાતાકીય ગંઠનકોષો (single donor platelets, SDP) કહે છે. તેમાં આશરે 6 એકમ જેટલાં ગંઠનકોષ-નિલંબનો મળે છે; માટે ગંઠનકોષોની સંખ્યા 60,000/માઇક્રોલિટર જેટલી વધે છે. પ્રતિરક્ષાલક્ષી વિકાર હોય તો શ્વેતકોષરહિત ગંઠનકોષો (leukocyte depleted platelets) અથવા માનવ શ્વેતકોષી પ્રતિજન-સંગત (HLA related) દાતાના ગંઠનકોષોનો ઉપયોગ કરાય છે.

શ્વેતકોષોમાંથી કણિકાકોષો(granulocytes)ની જરૂર ચેપ સામે રક્ષણ માટે પડે છે. જ્યારે તેમની સંખ્યા ઘટી હોય ત્યારે તે વધારવી જરૂરી બને છે. હાલ સંસ્થાનિકા – ઉત્તેજક ઘટકો (colony stimulating factors, CSFs) મળે છે અને તેમના સારવારલક્ષી કે પૂર્વનિવારણીય (preventive) ઉપયોગને કારણે હવે શ્વેતકોષોના પ્રતિસારણ(granulocyte transfusion)ની જરૂરિયાત નહિવત્ થઈ ગઈ છે; પરંતુ છતાં તે અતિતીવ્ર ચેપવાળી અને અતિતીવ્ર કણિકાકોષ-અલ્પતા(neutropenia)વાળી વ્યક્તિમાં ક્યારેક જીવનરક્ષક બની શકે છે. તેમાં દરરોજ પ્રતિસારણ કરવું પડે છે અને તેથી આશરે 500 શ્વેતકોષો/માઇક્રોલિટર જેટલો તેમની સંખ્યામાં વધારો થાય છે. શ્વેતકોષો ABO – સંગત દાતા પાસેથી મેળવાય છે, પરંતુ HLA – સંગતતાની જરૂર હોતી નથી. કણિકાકોષો સાથે અમુક અંશે લસિકાકોષો (lymphocytes) પણ હોય છે; માટે તેમને નિષ્ક્રિય કરવા માટે વિકિરણન(irradiation)ની પ્રક્રિયા કરવી સલાહભરેલી છે.

રુધિરપ્રતિસારણથી થતા વિકારો : જો પ્રતિસારણ માટેનું લોહી રુધિરવર્ગ-સંગતતા ધરાવતું ન હોય તો રક્તકોષોનું વિલયન (haemolysis) થાય છે. આ પ્રકારની પ્રતિક્રિયા મંદ કે તીવ્ર પ્રકારની હોઈ શકે. તે સમયે ટાઢ વાઈને તાવ આવે છે. પીઠ અને માથામાં દુખાવો થાય છે, શ્વાસ ચડે છે, લોહીનું દબાણ ઘટે છે, આઘાતની સ્થિતિ થાય છે, કમળો થાય છે તથા ક્યારેક મૂત્રપિંડની નિષ્ફળતા થાય છે. નસોમાં રક્તકોષો તૂટતા હોવાથી પેશાબમાં હીમોગ્લોબિન વહી જાય છે. ક્યારેક વ્યાપક અંતર્વાહિની રુધિરગંઠિતા(disseminated intravascular coagulation, DIC)નો વિકાર થાય છે. ક્યારેક મૃત્યુ પણ નીપજે છે; તેથી તેની તત્કાલ અને ઘનિષ્ઠ સારવાર આપવી જરૂરી બને છે. જે તે પ્રકારના વિકાર પ્રમાણેની સારવાર અપાય છે. ઘણી વખત શ્વેતકોષોને ઈજા કરતી શ્વેતપુંજજનિકાઓની પ્રતિક્રિયાઓ (leucoaglutinin reactions) થતી હોય છે. તેમાં પ્રથમ 12 કલાકમાં ટાઢ વાઈને તાવ આવે છે, ખાંસી ચડે છે, શ્વાસ ચડે છે અને છાતીના એક્સરે ચિત્રણમાં નાના નાના ડાઘા જોવા મળે છે. રક્તકોષો તૂટતા નથી. તેની સારવારમાં પેરેસિટેમોલ, પ્રતિહિસ્ટામિન ઔષધ અને કોર્ટિકોસ્ટીરૉઇડ અપાય છે. શ્વેતકોષરહિત રક્તકોષો આપવાથી આ તકલીફ થતી અટકે છે. દાનમાં અપાતા રુધિરમાં અનેક પ્રકારના પ્રતિજનો (antigens) હોય છે; તેથી અતિતીવ્ર પ્રતિગ્રાહ્યતાજન્ય આઘાત(anaphylactic shock)ની જીવનને સંકટરૂપ પ્રતિક્રિયા થઈ શકે છે. ક્યારેક શીળસ અને શ્વાસની તકલીફ પણ થાય છે. તેનું કારણ લોહીમાંના પ્રોટીનના અણુઓ હોય છે. આવી પ્રતિક્રિયા અટકાવવા ક્ષાલિત રક્તકોષો (washed RBCs) અથવા શીતકૃત રક્તકોષો (frozen RBCs) વાપરવા પડે છે. દાતાના શરીરમાં સૂક્ષ્મજીવો વડે ચેપ લાગેલો હોય તો તે રુધિરદાનની સાથે આદાતા(receipient)ને પણ લાગે છે. તેને કારણે પણ સપૂયરુધિરતા (septicaemia) અને આઘાત(shock)ની સ્થિતિ થાય તો જીવનને જોખમ ઉદભવે છે. દાતાના લોહીનું મલેરિયા, HIV, ઉપદંશ (syphilis) તથા ચેપી કમળો કરતા HBV અને HCV વિષાણુઓ અંગે ચકાસણી કરવાનું ખાસ જરૂરી હોય છે. તેને કારણે આ રોગોના ચેપ(સંક્રમણ, transmission)નું જોખમ ઘટ્યું છે; તેમ છતાં હજુ પણ યકૃતશોથ-બી પ્રકારના ચેપી કમળાનું જોખમ 1 : 200,000 રુધિર પ્રતિસારણ એકમો અને એઇડ્ઝ કરતા HIV વિષાણુઓના ચેપનું જોખમ 1 : 250,000 રુધિરપ્રતિસાધી એકમો જેટલું રહી જાય છે. તેવી રીતે યકૃતશોથ-સી નામના યકૃતના ચેપી રોગનું પ્રમાણ 1 : 3,300 પ્રતિ એકમ જેટલું ગણવામાં આવે છે. આ પ્રકારના ચેપમાં દર્દીને તુરત કોઈ ખાસ તકલીફ થતી નથી, પરંતુ લાંબે ગાળે દીર્ઘકાલી યકૃતશોથ (chronic hepatitis) યકૃતકાઠિન્ય (liver cirrhosis) તથા યકૃત-કૅન્સર (hepato cellular carcinoma) થવાનો ભય રહે છે.

શિલીન નં. શુક્લ

જયશ્રી શુક્લ