રુધિરગુલ્મ અંત:કર્પરી (intracranial haematoma)
January, 2004
રુધિરગુલ્મ, અંત:કર્પરી (intracranial haematoma) : માથાને થતી ઈજાને કારણે ખોપરીની અંદર લોહી વહીને તેનો ગઠ્ઠો જામવો તે. મગજને 3 આવરણો છે. તેમાંના સૌથી બહારના આવરણને દૃઢતાનિકા કહે છે. દૃઢતાનિકાની ઉપર અથવા નીચે લોહી ઝમીને ગઠ્ઠો બનાવે તો તેને અનુક્રમે અધિદૃઢતાનિકી (epidural) અથવા અવદૃઢતાનિકી (subdural) રુધિરગુલ્મ કહે છે. જ્યારે માથાને ઈજા થાય ત્યારે ક્યારેક મગજ(મસ્તિષ્ક)ની અંદર લોહી વહે છે, તેને અંત:મસ્તિષ્કી રુધિરસ્રાવ(intracerebral haemorrhage) કહે છે. માથાને ઈજા થાય ત્યારે મગજને પણ અમુક અંશે ઈજા થાય છે. તે સમયે મગજમાં લોહી વહે અથવા ન પણ વહે.
જ્યારે દૃઢતાનિકાની ઉપર કે નીચે લોહીનો ગઠ્ઠો જામે ત્યારે તે ખોપરીની અંદર દબાણ વધારે છે અને તેથી તે જીવનને જોખમી પણ બને છે. તેની શંકા પડે ત્યારે સી.ટી.-સ્કૅન કે એમ.આર.આઈ.ની તપાસ કરીને નિદાન કરી શકાય છે. તેનાથી ઉદભવતા વિકારના ત્રણ પ્રકારો છે : ઉગ્ર (acute) અવદૃઢતાનિકી રુધિરગુલ્મ, ઉગ્ર અધિતાનિકી રુધિરગુલ્મ અને દીર્ઘકાલી (chronic) અવદૃઢતાનિકી રુધિરગુલ્મ. માથાને થતી ઈજાની થોડીક મિનિટો કે કલાકો પછી દર્દીને તકલીફ થવા માંડે છે. આશરે 2 જેટલા દર્દીઓ બેભાન થાય તે પહેલાં થોડોક સમય સ્વસ્થ હોય છે. આ સમયગાળાને મધ્યાંતરી મન:સ્વસ્થતા (lucid interval) કહે છે. જોકે મોટાભાગના દર્દીઓ ઈજા થવા સાથે અર્ધબેભાનાવસ્થામાં હોય છે. મોટી ઉંમરની પ્રતિગંઠક ઔષધો (anticoagulant drugs) લેતી વ્યક્તિમાં માથાને સીધી ઈજા ન હોય, પણ માથા સુધી ધક્કો પહોંચતો હોય તેવી ઈજામાં પણ આ પ્રકારનો વિકાર થાય છે. ઘણા કિસ્સામાં ઈજાની બાજુએ માથાનો દુખાવો થાય અને તે બાજુની કીકી સહેજ પહોળી હોય એવું બને છે. તે સાથે ઘેન, બેભાનાવસ્થા કે પક્ષાઘાત જોવા મળે છે. આશરે 5 %થી 10 % કિસ્સાઓમાં સામેની બાજુની કીકી પહોળી થયેલી હોય છે. આવા ઉગ્ર વિકારમાં ખોપરીમાં વહેલા – ગંઠાયેલા લોહીને કાઢી નાખવા માટે છિદ્ર પડાય છે. તેને કર્પરીછિદ્ર (burr hole) કહે છે. આ પ્રક્રિયાને કર્પરીછિદ્રણ (cramiotomy) કહે છે. જો લોહીનો ગઠ્ઠો નાનો હોય અને તકલીફ ન કરતો હોય તો શસ્ત્રક્રિયાની જરૂર ન પણ પડે.
ઉગ્ર અધિદૃઢતાનિકી રુધિરગુલ્મ(acute epidural haematoma)નો વિકાસ ઝડપી છે અને તેથી તે વધુ જોખમી છે. 10 % કિસ્સામાં તે માથાને થયેલી વધુ તીવ્ર ઈજાને કારણે હોય છે અને તેમાં ઘણી વખત નીચે મગજને ઓછી ઈજા થયેલી હોય છે. મધ્યાંતરી મન:સ્વસ્થતા થોડી મિનિટોથી થોડા કલાકોની હોય છે. મોટા ભાગના કિસ્સાઓમાં મધ્યતાનિકી ધમની(middle meningeal artery)ને ઈજા થવાથી તે થાય છે. સી.ટી.-સ્કૅનમાં ખોપરીના હાડકાથી દૃઢતાનિકાને છૂટી પાડતો ગકાચના આકારનો લોહીનો ગઠ્ઠો દર્શાવી શકાય છે. સામાન્ય રીતે આ વિકાર મોટી ઉંમરે ઓછો જોવા મળે છે. શસ્ત્રક્રિયા વડે લોહીનો ગઠ્ઠો બહાર કાઢી નંખાય છે.
દીર્ઘકાલી અવદૃઢતાનિકી રુધિરગુલ્મ(chronic subdural haematoma)ના દર્દીમાં ક્યારેક જ (20 %થી 30 %) માથાને ઈજા થયાનું નોંધમાં હોતું નથી. મોટી ઉંમરની વ્યક્તિઓ કે લોહી વહેવાનો વિકાર હોય એવા દર્દીઓમાં તેવું વધારે બને છે. ક્યારેક અતિસામાન્ય ઈજા પછી પણ તે થાય છે. આવી ઈજા ભુલાઈ ગયેલી હોય છે. દર્દીને ક્યારેક માથાનો દુખાવો થાય છે, વિચારવાનું ધીમું બને છે. વ્યક્તિત્વમાં ફરક પડે છે, ખેંચ આવે છે તથા ક્યારેક થોડાક લકવા જેવી અશક્તિ આવે છે. ઊઠવા-બેસવાની બદલાતી સ્થિતિ સાથે દુખાવો થાય છે. ક્યારેક લોહીનો ગઠ્ઠો બંને બાજુએ હોય છે. ડૉક્ટરને પહેલી નજરે ગાંઠ, લકવો, દવાની ઝેરી અસર, ખિન્નતા કે મનોભ્રંશીય વિકાર હોવાની શંકા જાય છે. માથાનું સાદું એક્સ-રે-ચિત્રણ સામાન્ય હોય છે. એમ.આર.આઈ.નું નિદાન શક્ય બને છે. સી.ટી.-સ્કૅનમાં પણ ક્યારેક ખાતરીપૂર્વક નિદાન શક્ય બનતું નથી. સામાન્ય રીતે કટિ-છિદ્રણ (lumbar puncture) કરીને મગજની આસપાસના પ્રવાહીની તપાસ કરાતી નથી, પરંતુ જો તે કરાય તો તે પીળા રંગનું દેખાય છે. તેને પીતવર્ણકતા (xanthocromia) કહે છે. લોહીનો ગઠ્ઠો ધીમે ધીમે વધે છે અને મગજમાંની ગાંઠ જેવો દેખાવ પણ સર્જે છે. કેટલાક કિસ્સામાં ગ્લુકોકૉર્ટિકૉઇડ આપીને મગજ પરનું દબાણ ઘટાડાય છે. જરૂર પડ્યે તે કિસ્સામાં રુધિરગુલ્મને તેના સંપુટ (આવરણ) સાથે કાઢી નંખાય છે. નાના ગઠ્ઠા માટે શસ્ત્રક્રિયાની જરૂર પડતી નથી.
મસ્તિષ્કી રુધિરસ્રાવ (brain haemorrhage) : માથાને ઈજા કે લોહી વહેવાના વિકારમાં મગજની અંદર લોહી ઝમે છે તેને અંત:મસ્તિષ્કી રુધિરસ્રાવ (intracerebral haemorrhage) કહે છે. માથાને ઈજા થાય ત્યારે મગજને વિવિધ પ્રકારની અસર પહોંચે છે. તેને કારણે મસ્તિષ્કી ક્ષોભન (concussion) થાય, મગજ પર ચકામું પડે (contusion) કે ચીરા પડે (laceration), દૃઢતાનિકાની ઉપર કે નીચે લોહીનો ગઠ્ઠો જામે અથવા મગજમાં લોહી ઝમે. તેનાં લક્ષણોને સારણી 1માં દર્શાવ્યાં છે :
મગજમાં લોહી જામે તેનું નિદાન સી.ટી.-સ્કૅન કે એમ.આર.આઈ. વડે થાય છે. ક્યારેક, ખાસ કરીને બાળકોમાં પહેલાં થોડાક કલાકમાં મગજમાં લોહી ઝમેલું હોય તે આ પદ્ધતિઓ વડે પણ દર્શાવી શકાતું નથી. લોહી વહેવાની ઘટના પછી લોહીનું દબાણ થોડું વધે છે. તે પણ તકલીફમાં વધારો કરે છે. ક્યારેક શસ્ત્રક્રિયા શક્ય અને લાભદાયક રહે છે. મોટા પ્રમાણમાં વહેલું લોહી ક્યારેક જીવલેણ બને છે.
મગજમાં લોહી વહેવાનાં મુખ્ય કારણો લોહીનું ઊંચું દબાણ તથા મગજની નસોનો વિકાર છે. મગજમાંની નસ પહોળી થઈને ફુગ્ગા જેવી સંરચના કરે તો તેને વાહિનીપેટુ (aneurysm) કહે છે. લોહીનું દબાણ ઊંચું હોય તો આવા વાહિનીપેટુઓ(microa-neurysms)માંથી લોહી વહી શકે છે. લોહીના ઊંચા દબાણને કારણે જ્યારે લોહી વહે ત્યારે તે મુખ્યત્વે તલીય ગંડિકાઓ (basal ganglia), મજ્જાસેતુ (pons), ચેતક (thalamus), નાનું મગજ (cerebellum) તથા મોટા મગજના શ્વેતદ્રવ્ય નામના મગજના વિવિધ ભાગોમાં વહેતું હોય છે. લોહી વહીને મગજમાંનાં પોલાણો (નિલયો, ventricles) અથવા તેના આવરણની નીચેની (અવજાલતાનિકી, subarachnoid) જગ્યામાં પણ વહે છે, તે સમયે તાનિકી ક્ષોભન(meningeal irritation)નાં ચિહનો સર્જે છે. તેથી ડોકને આગળ તરફ વાળતાં તકલીફ પડે છે. લોહીના ઊંચા દબાણને કારણે મગજમાં લોહી ગમે તે સમયે કે સ્થળે વહેતું થાય છે અને ચાલુ કામમાં અચાનક પણ થઈ આવે છે.
લોહીના ઊંચા દબાણ ઉપરાંત માથાને ઈજા, લોહી વહેવાના રોગો, લોહી ગંઠાતું અટકાવતી દવાઓ (દા.ત., વૉરફેરિન), યકૃતના રોગો, મગજમાં ગાંઠ વગેરે વિવિધ રોગોમાં પણ મગજમાં લોહી વહે છે. રુધિરકૅન્સર (leukaemia), ગંઠનકોષ-અલ્પતા (thrombocytopenia), માતૃપક્ષી રુધિરસ્રાવિતા (haemophilia), વ્યાપક અંતર્વાહિનીરુધિરગંઠતા (disseminated intravascular coagulation, DIC) વગેરે વિવિધ પ્રકારના લોહીના રોગોમાં લોહી વહેવાનો વિકાર થાય છે. જ્યારે વાહિનીપેટુમાંથી લોહી વહે છે ત્યારે તે પ્રથમ અવજાલતાનિકી-સ્થાન(subarachnoid space)માં, એટલે કે મગજનાં આવરણોમાં આવેલી જગ્યામાં વહે છે.
મોટા મગજમાં લોહી વહે ત્યારે બેભાનાવસ્થા થાય છે (50 %), ઊલટી થાય છે અને ક્યારેક માથું દુખે છે. જે સ્થળે લોહી વહ્યું હોય તેની સાથે સંકળાયેલ સ્નાયુઓનો લકવો થાય છે, જે વધીને પક્ષાઘાત (hemiplegia) કે પક્ષાલ્પઘાત (hemiparesis) રૂપે વિકસે છે. જો મગજના ઊંડા ભાગમાં પણ લોહી વહેલું હોય તો શરીરના અડધા ભાગ(ડાબા કે જમણા)માં સંવેદનાઓનો વિકાર થાય છે. જ્યારે પુટામેન નામના મગજના ભાગમાં લોહી વહે ત્યારે ડાબી કે જમણી તરફની નજર માટે બંને આંખોને એકસાથે તે બાજુ વાળવાની ક્ષમતા જતી રહે છે, તેને પાર્શ્વ દૃષ્ટિપાત(lateral gaze)નો લકવો કહે છે. તેની સાથે ક્યારેક બંને આંખ અલગ અલગ દિશામાં જોતી હોય તેમ સ્થિર બને છે અને કીકીની વિષમતાઓ પણ થઈ આવે છે.
જો નાના મગજમાં લોહી વહ્યું હોય તો અચાનક થઈ આવતા ઊબકા, ઊલટી, અસંતુલન, માથાનો દુખાવો અને સભાનતામાં ઘટાડો થતો જોવા મળે છે. તેમાં 48 કલાકમાં મૃત્યુ પણ થાય છે. ક્યારેક આ લક્ષણોનો વિકાસ ધીમો હોય છે. બીજા કેટલાક કિસ્સામાં મધ્યમ તીવ્રતાથી દૃષ્ટિપાતઘાત (gaze palsy), વિપાર્શ્વીવ્ય (contraleral) પક્ષાઘાત, ચહેરાના સ્નાયુઓનો લકવો, ચાલવામાં તકલીફ, શ્વસનમાં તકલીફ વગેરે વિવિધ પ્રકારનાં લક્ષણો થઈ આવે છે.
પ્રથમ 48 કલાકમાં નિદાન માટે સી.ટી.-સ્કૅન એમ.આર.આઈ. કરતાં વધુ વિશ્વસનીય છે. જ્યારે દર્દીની તબિયત સ્થિર થાય ત્યારે વાહિનીચિત્રણ (angiography) કરીને વાહિનીના વિકારો કે વિકૃતિઓ(દા.ત., વાહિનીપેટુ)ને શોધી કઢાય છે. કમરમાંથી મગજ આસપાસનું પ્રવાહી કાઢવાની તપાસ કરાતી નથી. દર્દીને લોહી વહેવાનો રોગ છે કે નહિ તથા યકૃત અને મૂત્રપિંડના રોગો છે કે નહિ તેને અંગેની તપાસ પણ કરાય છે.
રાહતદાયી અને લક્ષણનિયંત્રક સારવાર અપાય છે. જો લોહીનો ગઠ્ઠો (રુધિરગુલ્મ) જામેલો હોય તો શસ્ત્રક્રિયા મદદરૂપ થાય છે. લોહીનું દબાણ સામાન્ય સ્તરે લાવીને જાળવી રખાય છે. લોહીના વહેવાનો રોગ થયો હોય તો તેને અંગેની સારવાર તથા જરૂર પડ્યે ગંઠનકોષો(platelets)ને નસ વાટે અપાય છે. નાના મગજમાં લોહી વહીને ગાંઠ થઈ હોય તો શક્ય તેટલી જલદી શસ્ત્રક્રિયા કરાય છે. દર્દીની સ્થિતિ સુધરે ત્યારે વાહિનીપેટુ કે મગજની ગાંઠ માટે શસ્ત્રક્રિયા કરાય છે.
દીપક ડી. પટેલ
જય અરવિંદ ભટ્ટ
શિલીન નં. શુક્લ