રુદ્રસેન બીજો (જ. ?; અ. ઈ. સ. 400 આશરે) : દખ્ખણમાં ચોથી સદીના ઉત્તરાર્ધમાં થયેલો વાકાટક વંશનો રાજા. તે ગુપ્તવંશના પ્રસિદ્ધ સમ્રાટ ચન્દ્રગુપ્ત બીજા અને તેની રાણી કુબેરનાગની પુત્રી પ્રભાવતી ગુપ્ત સાથે પરણ્યો હતો. આ લગ્નસંબંધ રાજકીય હેતુ સિદ્ધ કરવા વાસ્તે બંધાયો હતો. આ સંબંધ પછી ગુપ્ત કુળની તેની પત્ની અને ચુસ્ત વૈષ્ણવધર્મી તેના સસરાના પ્રભાવથી રુદ્રસેન પણ ચક્રપાણિ એટલે કે વિષ્ણુનો ભક્ત બન્યો હતો. વળી વાકાટકો ગુપ્ત સમ્રાટોના ગૌણ સાથીઓ બન્યા હતા એમ માનવામાં આવે છે. તેમ છતાં ગૌતમીપુત્રના કુળના વાકાટકોને માટે ‘મહારાજા’નો ખિતાબ વપરાતો હતો તથા કેટલીક નોંધોમાં બંનેનો એક સમાન દરજ્જે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ગુપ્તોને ઘણુંખરું તેમના આ વાકાટક વંશના સાથીઓની – ખાસ કરીને માળવા અને કાઠિયાવાડના શક લોકો સામેના – સંઘર્ષોમાં નોંધપાત્ર સહાય મળી હતી. રુદ્રસેન બીજો ઈ. સ. 400ના અરસામાં મૃત્યુ પામ્યો ત્યારે તેને તેની પટરાણી પ્રભાવતી ગુપ્ત દ્વારા થયેલ દિવાકર સેન, દામોદર સેન તથા પ્રવર સેન નામના ત્રણ પુત્રો હતા.

જયકુમાર ર. શુક્લ