રુદ્રાક્ષ : દ્વિદળી વર્ગમાં આવેલા એલિયોકાર્પૅસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Elaeocarpus ganitrus Roxb. syn. E. sphaericus (Gaertn.) K. schum. (સં., મ., તે., ત., ક., મલ., ગુ. રુદ્રાક્ષ) છે. તે પૂર્વ હિમાલયમાં નેપાળ, બિહાર, બંગાળ, આસામ અને ઉત્તરપ્રદેશ તથા મધ્યપ્રદેશ અને મુંબઈના વનપ્રદેશોમાં થાય છે. તે સદાહરિત મધ્યમ કદનું વૃક્ષ છે અને કેટલીક વાર શોભન વનસ્પતિ તરીકે ઉદ્યાનોમાં ઉગાડાય છે. તેનાં પર્ણો લંબચોરસ-ભાલાકાર (oblong-lanceolate), લગભગ અખંડિત અને અરોમિલ હોય છે. મોટેભાગે જૂનાં પર્ણોની કક્ષમાંથી ઉદભવતાં પુષ્પો સફેદ હોય છે અને સઘન કલગી સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળ અષ્ઠિલ (drupe) પ્રકારનું, ઘેરા જાંબલી કે વાદળી-જાંબલી રંગનું અને ગોળ અથવા પ્રતિઅંડાકાર (obovate) હોય છે અને 1.5 સેમી.થી 2.5 સેમી. જેટલો વ્યાસ ધરાવે છે. તેનો ઠળિયો અત્યંત કઠણ, ઊભી ખાંચો અને ગાંઠોવાળો અને સામાન્યત: પંચકોટરીય હોય છે.

ઠળિયાને સાફ કરીને તેને પૉલિશ કરવામાં અને કેટલીક વાર રંગવામાં આવે છે અને જપમાળા, કંકણો અને અન્ય અલંકૃત વસ્તુઓ બનાવવા માટે મણકા તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઠળિયાના કદ અને તેના ઉપરનાં પાસાંઓની ગોઠવણી અને સંખ્યા મુજબ એકમુખી, દ્વિમુખી, ત્રિમુખી – એમ નામ આપવામાં આવે છે. પંચમુખી રુદ્રાક્ષમાં પાંચ મુખાકૃતિ અંકિત હોય છે અને તેવી રુદ્રાક્ષ વિશેષ મહત્વ ધરાવતી હોવાથી તેનું મૂલ્ય વધારે હોય છે. ઘણી વાર રુદ્રાક્ષના ઠળિયાના વિચિત્ર આકાર પણ જોવા મળે છે. આવા ઠળિયાની બજારમાં વધારે કિંમત ઊપજે છે. તેનું ચણોઠીથી પણ સ્હેજ નાના કદથી માંડી નાની સોપારી જેટલું કદ હોય છે. ઘણી વાર રુદ્રાક્ષની અન્ય જાતિઓના ઠળિયાઓ સાથે સાચી રુદ્રાક્ષના ઠળિયાઓની ભેળસેળ કરીને બજારમાં તે વેચવામાં આવે છે.

તેનો રસાળ ભાગ ખાટો હોય છે અને તે અપસ્મારમાં ઉપયોગી થાય છે. રુદ્રાક્ષની માળા પવિત્ર મનાય છે અને મંત્રજાપ ગણવામાં તેના મણકા ઉપયોગી થાય છે. રુદ્રાક્ષના ઠળિયા સાથેનું શારીરિક સાન્નિધ્ય હૃદયરોગ તેમજ આનુષંગિક દર્દોમાં અત્યંત લાભદાયી ગણાય છે.

રુદ્રાક્ષ : પર્ણ, પુષ્પ અને ફળ

તેનાં પર્ણો અને છાલ દૂઝતાં પેઢાં ઉપર કોગળા કરાવવા માટે અસરકારક ગણાય છે. પર્ણો લૂ લાગેલ હોય ત્યારે વાટીને લેપ કરવાથી ફાયદો થાય છે. તેનાં મૂળ જ્વરહર છે.

આયુર્વેદ અનુસાર તે ખાટી, ઉષ્ણ અને રુચિકર છે અને વાયુ, કફ, શિરપીડા, ભૂતબાધા અને ગ્રહબાધનો નાશ કરે છે. મધુરા ઉપર તેને મધમાં ઘસીને ચટાડવામાં આવે છે.

રુદ્રાક્ષ અને તેની વિવિધ જાતિઓનું કાષ્ઠ પોચું હોય છે. તે ચાની પેટીઓ, દીવાસળીઓ અને મકાન બનાવવામાં વપરાય છે.

ભારતમાં થતી રુદ્રાક્ષની અન્ય જાતિઓમાં E. ferrugineus (Jack) Steud., E. lanceaefolius Roxb., E. oblongus Mast. E. robustus Roxb., E. serratus Linn., E. tuberculatus Roxb., E. Petiolatus Wall. syn. E. integer Wall., E. varunua Buch. Ham., E. floribundus Blume, E. prunifolius wall., E. rugosus Roxb., E. obtusus Blume અને E. aristatus Roxb.નો સમાવેશ થાય છે.

સ્ટર્ક્યુલિયેસી કુળમાં થતી Guazuma ulmifolia Lam syn. G. tomentosa H. B. & K. (ભદ્રાક્ષ, નકલી રુદ્રાક્ષ) નામની વૃક્ષ જાતિનાં બીજ રુદ્રાક્ષના ઠળિયા જેવાં જ હોય છે; પરંતુ અસલી રુદ્રાક્ષ જેવાં દેખાવડાં, ટકાઉ અને મજબૂત હોતાં નથી.

મૃગેન્દ્ર વૈષ્ણવ

ભાલચન્દ્ર હાથી