રુદ્રસેન પહેલો : દખ્ખણમાં ચોથી સદીમાં થઈ ગયેલો વાકાટક વંશનો રાજા. પ્રવરસેનનો જ્યેષ્ઠ પુત્ર ગૌતમીપુત્ર ઘણુંખરું તેના પિતાની હયાતીમાં મરણ પામ્યો હતો. રુદ્રસેન પહેલો ગૌતમીપુત્રનો ભારશિવ વંશના રાજા ભવનાગની પુત્રી દ્વારા જન્મેલો પુત્ર હતો. રુદ્રસેન તેના દાદાનો વારસ બન્યો અને તેના વંશજોની નોંધોમાં તેને મહાભૈરવ(શિવનું સ્વરૂપ)નો શ્રદ્ધાળુ ભક્ત કહ્યો છે. રુદ્રસેન તેના મોસાળ પક્ષના પ્રભાવથી શૈવ બન્યો હતો. તેના મોસાળ પક્ષનાં સગાંઓ ભારશિવો શિવભક્તિ માટે જાણીતાં હતાં. વાકાટક વંશની નોંધોમાં ભારશિવ રાજા ભવનાગના સંબંધના ઉલ્લેખો મળે છે. તે સૂચવે છે કે રુદ્રસેનને તેના દાદાના સામ્રાજ્યના વિશાળ વિસ્તારોમાં પોતાનું સ્થાન સલામત રાખવા માટે તેના મોસાળ પક્ષની વિપુલ સહાય પ્રાપ્ત થઈ હશે. રુદ્રસેનના સમયનો કોઈ અભિલેખ મળ્યો નથી. તેથી તેના શાસનકાળના બનાવો તથા તેના રાજ્યના વિસ્તાર વિશે કંઈ જાણવા મળતું નથી. કેટલાક વિદ્વાનો માને છે કે ગુપ્ત વંશના પ્રસિદ્ધ વિજેતા સમુદ્રગુપ્તે હરાવેલ આર્યાવર્તનો રુદ્રદેવ એ જ રુદ્રસેન પહેલો હતો. પરંતુ બીજા વિદ્વાનો એ અભિપ્રાયનો અસ્વીકાર કરીને જણાવે છે કે રુદ્રસેન સમુદ્રગુપ્તના પહેલાં થઈ ગયો હતો, તે તેનો સમકાલીન ન હતો.

જયકુમાર ર. શુક્લ