રીજિયોનલ રિસર્ચ લૅબોરેટરી, ભુવનેશ્વર : સી.એસ.આઇ.આર. (CSIR) સ્થાપિત ક્ષેત્રીય પ્રયોગશાળા.
ભુવનેશ્વરમાં સ્થપાયેલી આ પ્રયોગશાળા ખનિજોનાં લક્ષણચિત્રણ, સંકીર્ણ અયસ્કોના સમપરિષ્કરણ તેમજ સંકેન્દ્રિત ખનિજના સંપીડન ઉપર સંશોધન કરે છે. આ ઉપરાંત ધાતુઓનું ઉષ્મીય તેમજ જળ-ધાતુકર્મીય નિષ્કર્ષણ, મિશ્રધાતુઓની બનાવટ ઉપરાંત રદ્દી (અપશિષ્ટ) ભંગારમાંથી ધાતુઓની પુન:પ્રાપ્તિ અંગે પણ કાર્ય કરે છે. સમુદ્રી વનસ્પતિમાંથી તથા ખનિજ સંપત્તિમાંથી કાર્બનિક તથા અકાર્બનિક સંયોજનો મેળવવા તેમજ તેમનાં સંશ્લેષણ કરવા; સુગંધવાળા, ઔષધ માટે કામ આવે તેવા છોડ/વૃક્ષનું સર્વેક્ષણ તેમજ તેમના ઉપયોગ અંગે ત્યાં સંશોધન થાય છે.
સંસ્થાના સંશોધન તથા વિકાસલક્ષી કાર્યક્રમમાં મુખ્યત: ધાતુનિષ્કર્ષણ રંગકો, ઔષધો તથા સુગંધી દ્રવ્યો સહિતનાં કાર્બનિક તથા અકાર્બનિક રસાયણોના વિવિધ પ્રૉજેક્ટ હાથ ધરાયા છે. આવાં સંશોધનો માટે ઉચ્ચ ચોકસાઈવાળાં સૂક્ષ્મદર્શક, ખનિજોના સજ્જીકરણ માટે મોટી ઉત્પ્લાવન કૉલમો (સ્તંભો) તથા ખનિજમાંથી ધાતુકર્મ માટે આવશ્યક વિવિધ ઉપકરણો વસાવેલાં છે.
અયસ્કો, ખનિજો તથા કાર્બનિક રસાયણોની ભૌતિક-રાસાયણિક લાક્ષણિકતા નક્કી કરવા XRF, XRD, IR, UV, NMR, GLC, આયન ક્રોમેટૉગ્રાફી, HPLC વગેરે ઉપકરણો પ્રાપ્ય છે. ઉત્તમ લાઇબ્રેરીની પણ સુવિધા છે. સંસ્થા પોતાનું મુખપત્ર પણ બહાર પાડે છે.
હર્ષદ રમણભાઈ પટેલ
અનુ. જ. પો. ત્રિવેદી