રીજિયોનલ રિસર્ચ લૅબોરેટરી – ભોપાલ

January, 2004

રીજિયોનલ રિસર્ચ લૅબોરેટરી, ભોપાલ : કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ નામની સ્વાયત્ત સંસ્થાના નેજા હેઠળ સ્થપાયેલી ક્ષેત્રીય પ્રયોગશાળા. મુખ્યત્વે તે બાંધકામ માટેની સામગ્રી, ખનિજો, ધાતુવિજ્ઞાન (metallurgy) અને દ્રવ્યવિજ્ઞાન (materials science) તથા મધ્યપ્રદેશના કુદરતી સ્રોતોને લગતાં સંશોધન અને વિકાસ(R & D)નું કાર્ય કરે છે. આ ઉપરાંત તે પ્રદેશના આર્થિક અને ઔદ્યોગિક વિકાસ માટે વિજ્ઞાન અને તકનીકી (S & T) નિવેશ (inputs) પૂરા પાડે છે. તેના સંશોધન અને વિકાસ કાર્યક્રમમાં નીચેની બાબતોને આવરી લેવામાં આવે છે :

(i) નીચી કિંમતની/વૈકલ્પિક બાંધકામ સામગ્રી, (ii) ધાતુ-આધાત્રી (metal-matrix) સંગ્રથિતો (composits) જેવા નવા પદાર્થો, (iii) ખનન-સાધનોના ઘસારા સાથે સંકળાયેલા પ્રશ્નો, (iv) રેસા-પ્રબલિત (fibre-reinforced) બહુલકો, (v) સંક્ષારણ (corrosion), (vi) મધ્યપ્રદેશના આદિવાસી અને પછાત વિભાગોમાં ધાતુ આધારિત ઉદ્યોગો માટેની ઢાળણ (foundry) તકનીકોનું ગુણવત્તાકીય ઉચ્ચકોટીકરણ (upgradation), (vii) મધ્યપ્રદેશનાં ખાતરયોગ્ય ખનિજોનો ઉપયોગ, (viii) ઍલ્યુમિનિયમ-સિલિકેટોનો ઉપયોગ, (ix) નિમ્ન કક્ષાનાં ખનિજો અને કોલસાનું સજ્જીકરણ (beneficiation) વગેરે.

સંસ્થાએ ડીઝલ લોકોમોટિવ માટે FRP ગિયર પેટી (gear box), સિરૅમિક રેસાઓનાં પૂર્વરૂપો (preforms), જીપ માટેનાં રેસ્કા (resca) બ્રેક-ડ્રમો, સ્લિઝ (sliz) મિશ્રધાતુ આધારિત બેરિંગ દ્રવ્ય, ઇન્સ્યુલેશન માટેનાં હાર્ડબૉર્ડ વગેરે વિકસાવ્યાં છે.

સંસ્થા પાસે રાસાયણિક પૃથક્કરણ, ખનિજ-પ્રક્રમણ, યાંત્રિક પરીક્ષણ વગેરે માટેનાં આધુનિક સાધનો તેમજ સાધનસજ્જ ફાઉન્ડ્રી, વર્કશૉપ તેમજ પુસ્તકાલય છે. સાધનોમાં ક્રમવીક્ષણ (scanning) ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપ, X-કિરણ ડિફ્રૅક્ટૉમિટર, ઍટમિક ઍબ્સૉર્પ્શન સ્પેક્ટ્રૉમિટર, ઇન્સ્ટ્રૉન (instron) યુનિવર્સલ ટેસ્ટિંગ મશીન વગેરેનો સમાવેશ થાય છે.

હર્ષદ રમણભાઈ પટેલ

અનુ. જ. દા. તલાટી