રીજિયોનલ રિસર્ચ લૅબોરેટરી, જોરહાટ : સીએસઆઈઆર (CSIR) સ્થાપિત વિવિધ પ્રયોગશાળાઓમાંની એક. ઈશાન ભારતના પ્રદેશોની કુદરતી સંપત્તિ આધારિત એવી સ્વદેશી ટૅકનૉલૉજી વિકસાવવા આ સંસ્થા કાર્ય કરે છે કે જે ગુણવત્તા, કિંમત તથા ક્ષમતાની દૃષ્ટિએ આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે સુસંગત હોય.
સંસ્થાની સંશોધન તથા વિકાસ શાખા મુખ્યત્વે તેલક્ષેત્રોમાંથી મળતાં રસાયણો, કૃષિ-રસાયણો, સુગંધી દ્રવ્યો તથા ઔષધીય છોડમાંથી મળતાં રસાયણો અંગે સંશોધન કરી રહી છે.
સંસ્થાએ ઉદ્યોગ માટે મિની સિમેન્ટ પ્લાન્ટ, ફૉસ્ફામિડોન, કાર્બનરહિત કૉપી-પેપર, લેમનગ્રાસ તથા સિટ્રોનેલા માટે કૃષિ-તકનીકી, ખાદ્ય મશરૂમ, ડાયૉસ્જેનિન વગેરેની ટૅકનૉલૉજી પૂરી પાડી છે.
આ માટે રાસાયણિક તથા ભૂરાસાયણિક સંશોધનો માટે આવશ્યક આધુનિક ઉપકરણો ઉપરાંત પાઇલટ પ્લાન્ટની સગવડ, કમ્પ્યૂટર તથા લાઇબ્રેરીની સુવિધા પ્રાપ્ય છે.
હર્ષદ રમણભાઈ પટેલ
અનુ. જ. પો. ત્રિવેદી